Ahmedabad

હવે દર મહિને પ્રથમ રવિવારે શહેરમાં સફાઈ, જળસંચય અને વૃક્ષારોપણની ઝુંબેશ હાથ ધરાશે

By GS Team
5 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં હવે દર મહિનાના પ્રથમ રવિવારે સઘન સફાઈ, 'કેચ ધ રેઈન' અને વૃક્ષારોપણ ઝુંબેશ હાથ ધરાશે. રાજ્ય સરકારના પરિપત્ર બાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ અધિકારીઓને જવાબદારી સોંપી છે. સૂકાયેલા રોપાના સ્થાને 2-3 વર્ષ જૂના મોટા રોપા અને મિયાવાકી જંગલ પણ વિકસાવાશે. તળાવોમાંથી કાંપ દૂર કરી જળસંગ્રહ વધારાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

હવે દર મહિને પ્રથમ રવિવારે શહેરમાં સફાઈ, જળસંચય અને વૃક્ષારોપણની ઝુંબેશ હાથ ધરાશે

Ahmedabad City News : અમદાવાદ શહેરમાં હવે દર મહિને પ્રથમ રવિવારે સઘન સફાઈ ઝુંબેશ, કેચ ધ રેઈન અને વૃક્ષારોપણ તથા સૂકાઈ ગયેલા રોપાઓની ફેરબદલી એમ ત્રણ મુખ્ય કામગીરી હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકારના પરિપત્રના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર બંછાનિધિ પાની દ્વારા પણ આ ત્રણેય કાર્યક્રમોનું આયોજન અને અમલીકરણ કરવા અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.

કોર્પોરેશનના પરિપત્ર મુજબ સઘન સફાઈ ઝુંબેશ માટે ઈન્ચાર્જ ડાયરેક્ટર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિજય મિસ્ત્રી, કેચ ધ રેઈન માટે સિટી ઈજનેર (WRM) વિજય પટેલ અને વૃક્ષારોપણ તથા સૂકાયેલા રોપાની ફેરબદલી માટે ઈન્ચાર્જ ડાયરેક્ટર દિલીપ પટેલ તથા પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ-પાર્ક્સ એન્ડ ગાર્ડન્સ અમરીશ સી. પટેલને કામગીરી સોંપવામાં આવી છે. તેમની કામગીરીની સીધી દેખરેખ સંબંધિત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કરશે.

સૂકાયેલા રોપાના સ્થાને મોટા રોપા વાવાશે

રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ અગાઉ વાવવામાં આવેલા અને સૂકાઈ ગયેલા રોપાઓની ઓળખ કરી તેમના સ્થાને 2થી 3 વર્ષ જૂના અને મોટા રોપા વાવવાના રહેશે, જેથી તેમના ઉછેરની શક્યતા વધે. શહેરના ખુલ્લા પ્લોટ અને રોડ સાઈડ પર દેશી પ્રજાતિના વૃક્ષો વાવવા ઉપરાંત જમીનની અછત ધરાવતા વિસ્તારોમાં મિયાવાકી જંગલ વિકસાવવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

તળાવો, રિચાર્જ પિટ અને વરસાદી પાણીના સંચય પર ભાર

કેચ ધ રેઈન હેઠળ ચેકડેમ અને તળાવમાંથી કાંપ કાઢી જળસંગ્રહ ક્ષમતા વધારવા, સરકારી કચેરીઓ, શાળાઓ અને આંગણવાડીઓ પાસે રિચાર્જ પિટ બનાવવા, બંધ પડેલા બોરવેલને રિચાર્જ માટે ઉપયોગમાં લેવા તેમજ તળાવોના કેચમેન્ટ વિસ્તારમાંથી દબાણ અને કચરો દૂર કરવાની કામગીરી કરવામાં આવશે.

દર મહિને કામગીરીનો રિપોર્ટ આપવો પડશે

દરેક પ્રથમ રવિવાર બાદના સોમવારે કામગીરીનો અહેવાલ તૈયાર કરી રજૂ કરવાનો રહેશે. તેમાં સફાઈ કરાયેલા સ્થળો, દૂર કરાયેલો કચરો, વરસાદી પાણીના સંચયની કામગીરી, વાવવામાં આવેલા રોપા, ટ્રી-ગાર્ડ તેમજ અન્ય કામગીરીની સંખ્યા દર્શાવવાની રહેશે. ઉપરાંત બીફોર અને આફ્ટર જીઓટેગ ફોટોગ્રાફ્સ અને સોશિયલ મીડિયા પર અપલોડની વિગતો પણ રિપોર્ટિંગ ફોર્મેટમાં સામેલ કરવામાં આવી છે.