કોડીનવાળી દવાઓનું વેચાણ કરતી 7 પેઢીને નોટિસ, એકનું લાયસન્સ રદ, 83 લાખથી વધુનો જથ્થો સીઝ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Codeine Syrup Seized Ahmedabad : અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં સ્વાસ્થ્ય માટે જોખમી એવી કોડીનયુક્ત દવાઓના ગેરકાયદેસર વેચાણ તેમજ અનધિકૃત સંગ્રહ સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ખાસ ઝુંબેશ હેઠળ હાથ ધરવામાં આવેલી તપાસમાં 83 લાખ રૂપિયાથી વધુની કિંમતનો દવાનો જથ્થો સ્થગિત કરવામાં આવ્યો છે. આ ગેરરીતિ બદલ નિયમન તંત્ર દ્વારા કુલ 7 પેઢીઓને શો-કોઝ નોટિસ પાઠવવામાં આવી છે. જ્યારે ગંભીર ક્ષતિઓ બદલ 1 પેઢીનું દવા વેચાણનું લાયસન્સ રદ કરી દેવાયું છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્રની વિશેષ ઝુંબેશ
રાજ્યમાં નશીલા પદાર્થો તરીકે વપરાતી દવાઓ પર નિયંત્રણ લાવવાના ભાગરૂપે વિજ્ઞાનીઓ અને તબીબી માર્ગદર્શિકા મુજબ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આ મોટું સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. તપાસ દરમિયાન કોડીન ઘટક ધરાવતી સિરપ અને દવાઓના વેચાણ, ખરીદ-વેચાણના બિલ તેમજ સ્ટોક રજિસ્ટરમાં અનેક ક્ષતિઓ સામે આવી હતી. તંત્રની આ કડક કાર્યવાહીથી નિયમોનું ઉલ્લંઘન કરતા દવાના વેપારીઓમાં ભારે ફાળ પડી છે.
7 વેપારી પેઢીઓ સામે કડક કાયદાકીય કાનૂની કાર્યવાહી
સંચાલન તંત્રની તપાસ દરમિયાન અલગ-અલગ પેઢીઓ સામે આકરાં પગલાં લેવામાં આવ્યા છે:
- બાલાજી ફાર્મા (અમદાવાદ ગ્રામ્ય-ગાંધીનગર): અહીંથી રેક્સટોન-ટી સીરપની કુલ 37762 બોટલો મળી આવી હતી, જે જપ્ત કરીને શો-કોઝ નોટિસ પાઠવવામાં આવી છે.
- હેલ્થ પોઇન્ટ ફાર્મા (કલોલ): કારણદર્શક નોટિસનો સંતોષકારક ખુલાસો ન આપતાં આ પેઢીનો દવા વેચાણનો પરવાનો રદ કરાયો છે.
- જય અંબે ડિસ્ટ્રિબ્યુટર્સ: કોડીન ઘટક ધરાવતી R Tuss TD Syrupની 57 બોટલ (કિંમત 9006 રૂપિયા) સ્થગિત કરી નોટિસ અપાઈ છે.
- અન્ય પેઢીઓ: ફાર્માલિન લાઇફસાયન્સિસ (ચાંગોદર), રેઇન રેમેડીઝ (સાંતેજ), એચઆરડીએમ ગ્લોબલ સોલ્યુશન્સ (અમદાવાદ) અને કૃષ્ણા ફાર્મા (કઠવાડા) ને બિલિંગ અને સ્ટોકની ક્ષતિઓ બદલ શો-કોઝ નોટિસ પાઠવવામાં આવી છે.
કોડીનનું અનધિકૃત સેવન આરોગ્ય માટે અતિ જોખમી
તબીબી ક્ષેત્રના નિષ્ણાતો અને વિજ્ઞાનીઓ જણાવે છે કે કોડીનયુક્ત દવાનો ઉપયોગ જો દારૂ, ઊંઘની દવાઓ કે અન્ય નશીલા પદાર્થો સાથે કરવામાં આવે તો તે માનવ શરીર માટે અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે. આ બાબતનું મહત્ત્વ સમજીને તંત્ર દ્વારા રાજ્યભરમાં દવાનું કાળોબજાર અને ગેરકાયદેસર વેચાણ અટકાવવા કડક દેખરેખ રાખવામાં આવી રહી છે.





