નવું વર્ષ બગાડ્યું! શ્રીનગર જતી સ્પાઇસજેટની ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ પર 12 કલાક મોડી, 189 પેસેન્જરોનો હોબાળો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

SpiceJet Ahmedabad to Srinagar Flight Delay: દિવાળી વેકેશનમાં શ્રીનગર ફરવા જવાની તૈયારી કરીને નીકળેલા અમદાવાદ સહિત રાજ્યભરના આશરે 189 પેસેન્જરોને અમદાવાદ એરપોર્ટ પર આખો દિવસ રઝળવાનો વારો આવ્યો હતો. સ્પાઇસજેટની અમદાવાદથી શ્રીનગર જતી SG 9634 ફ્લાઇટ નિર્ધારિત સમય સવારે 8.40 વાગ્યે ઉપડી ન હતી. ફ્લાઇટ પકડવા માટે પેસેન્જરો વહેલી સવારે 5થી 6 વાગ્યાની આસપાસ એરપોર્ટ પહોંચી ગયા હતા. જોકે, ટેકનિકલ કારણોસર ફ્લાઇટ એક કલાક મોડી જશે તેમ કહીને એરલાઇન્સ દ્વારા વારંવાર સમય લંબાવવામાં આવ્યો હતો. પરિણામે રાતના 8 વાગ્યા સુધી પણ ફ્લાઇટ ઉપડી ન હતી અને પેસેન્જરોને 12 કલાકથી વધુ સમય ટર્મિનલમાં બેસી રહેવાની ફરજ પડી હતી.
પેસેન્જરોએ ટર્મિનલમાં હોબાળો કર્યો
પેસેન્જરોના જણાવ્યા મુજબ, સવારે એરપોર્ટ પર પહોંચ્યા બાદ તેમણે ચેકિંગ કરાવી લગેજ પણ જમા કરાવી દીધો હતો અને ફ્લાઇટની રાહ જોઈ રહ્યા હતા. દરમિયાન સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ એરલાઇન્સના અધિકારીઓએ ટેકનિકલ કારણોસર ફ્લાઇટ એક કલાક મોડી ઉપડશે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ દર એક-બે કલાકે ફ્લાઇટ ઉપડવાનો સમય લંબાવવામાં આવતો રહ્યો હતો. જોકે, ફ્લાઇટ ક્યારે ઉપડશે તે અંગે કોઈ ચોક્કસ માહિતી આપવામાં આવી ન હતી. આખો દિવસ રાહ જોયા બાદ પણ સ્થિતિ સ્પષ્ટ ન થતાં બપોર પછી અને સાંજે પેસેન્જરોએ ટર્મિનલમાં હોબાળો કર્યો હતો. પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા CISFના જવાનોને પણ આવવું પડ્યું હતું.

લગેજ જમા હોવાથી દવા અને જરૂરી વસ્તુઓ પણ ન મળી
પેસેન્જરોની સૌથી મોટી મુશ્કેલી એ હતી કે સવારે જ તેમનું લગેજ એરલાઇન્સમાં જમા થઈ ગયું હતું. જેના કારણે અનેક પેસેન્જરોની દવાઓ અને અન્ય જરૂરી વસ્તુઓ બેગમાં જ રહી ગઈ હતી. બાળકો સાથે મુસાફરી કરી રહેલા પરિવારોની હાલત પણ કફોડી બની હતી. બીજી તરફ, લાંબા સમય સુધી રાહ જોવી પડી હોવા છતાં એરલાઇન્સ દ્વારા પેસેન્જરો માટે ચા-નાસ્તા કે બપોરના ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી ન હોવાના આક્ષેપ થયા હતા. આ દરમિયાન કેટલાક પેસેન્જરોની તબિયત પણ બગડી હોવાની માહિતી મળી છે.
શ્રીનગરમાં હોટલ અને વાહનોનું બુકિંગ કરાવ્યું હતું
એક પેસેન્જરે જણાવ્યું હતું કે, આ ફ્લાઇટ હાઉસફુલ હતી અને તેમાં આશરે 189 લોકો મુસાફરી કરવાના હતા. જેમાં મોટાભાગના લોકો દિવાળી વેકેશનમાં શ્રીનગર ફરવા જઈ રહ્યા હતા. અનેક પરિવારો દ્વારા પ્રતિ વ્યક્તિ રૂ. 50થી 60 હજારના ટૂર પેકેજ બુક કરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત હોટલ, સાઇટ સીન માટેનાં વાહનો સહિતની વ્યવસ્થાનું અગાઉથી બુકિંગ કરાવી દીધું હતું. જોકે, ફ્લાઇટ સમયસર ન ઉપડતાં આખો દિવસ એરપોર્ટ પર જ પસાર થયો હતો. જેના કારણે પ્રવાસના આયોજનમાં ખલેલ પડવાની સાથે આર્થિક નુકસાન થવાની પણ ભીતિ ઊભી થઈ છે.

ફ્યુઅલ પેમેન્ટના મુદ્દે ફ્લાઇટ અટકી હોવાની ચર્ચા
બીજી તરફ એરપોર્ટ સાથે સંકળાયેલા સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક માહિતી મુજબ, સ્પાઇસજેટની નબળી આર્થિક સ્થિતિ અને ફ્યુઅલ પેમેન્ટને લગતા મુદ્દાને કારણે ફ્લાઇટ માટે ઇંધણ ઉપલબ્ધ ન થયું હોવાની ચર્ચા છે. ઓઇલ કંપની તરફથી પેમેન્ટ ન મળવાના કારણે ફ્યુઅલ આપવામાં આવ્યું ન હોવાનું પણ પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. જોકે, ફ્લાઇટ મોડી થવાનું આ જ કારણ હતું કે નહીં તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
મોડી સાંજે સાડા સાત વાગ્યા બાદ એરલાઇન્સ દ્વારા પેસેન્જરોનું બોર્ડિંગ શરૂ કરવામાં આવ્યું હોવાની માહિતી મળી હતી. હાલ તો ફરી આ ફ્લાઇટ 8.30 વાગ્યા સુધીમાં ટેકઓફ કરશે તેમ પેસેન્જરોને જણાવવામાં આવ્યું છે




