નવો ટ્રેન્ડ : મેડિકલના બદલે આયુર્વેદ તરફ વિદ્યાર્થીઓનો ઝૂકાવ, બીજા રાઉન્ડમાં તમામ બેઠક ફૂલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Medical Admissions: ધોરણ 12 સાયન્સ પછીના નીટ આધારિત ચાર કોર્સીસ એવા મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથીમાં પ્રવેશ માટે હાલ સરકારની સમિતિ દ્વારા ઓનલાઈન કેન્દ્રિય પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે આ વર્ષે નવો ટ્રેન્ડ જોવા મળ્યો છે અને મેડિકલને બદલે આયુર્વેદ તરફ વિદ્યાર્થીઓ વળ્યા છે. મેડિકલ અને ડેન્ટલમાં બે રાઉન્ડ બાદ પણ જ્યાં 700થી વધુ બેઠકો ખાલી રહી છે. ત્યાં આયુર્વેદમાં બીજા રાઉન્ડના સીટ એલોટમેન્ટમાં તમામ બેઠકો ફૂલ થઈ ગઈ છે. મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ મળતો હોવા છતાં પણ અનેક વિદ્યાર્થીઓએ આયુર્વેદમાં પ્રવેશ લીધો છે.
ઓછી ફીને લીધે આયુર્વેદિકમાં પ્રવેશ વધ્યા
મેડિકલમાં ખાનગી કોલેજોમાં મેનેજમેન્ટ ક્વોટામાં જ નહીં સ્ટેટ ક્વોટામાં પણ લાખો રૂપિયાની તોતિંગ ફી હોય છે. ત્યારે હવે મેડિકલમાં પ્રવેશ લઈને એમબીબીએસ કરવાનો એક સમયનો ભારે ઘસારો થોડો ઓછો થઈ રહ્યો છે. મેડિકલની સરખામણીએ આયુર્વેદમાં ખાનગી કોલેજોમાં ખૂબ જ ઓછી ફી હોય છે ત્યારે હવે મેડિકલને બદલે આયુર્વેદ તરફ વિદ્યાર્થીઓ વળ્યા છે. અગાઉ જ્યાં પ્રવેશ સમિતિ દ્વારા મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથી સહિતના ચારેય કોર્સ માટે પ્રવેશ રજિસ્ટ્રેશન કોમન કરવા સાથે કોમન મેરિટ જાહેર કરી કોમન પ્રવેશ પ્રક્રિયા કરાતી હતી. ત્યારે આ વર્ષે મેડિકલ-ડેન્ટલ માટે અને આયુર્વેદ-હોમિયોપેથી માટે અલગ અલગ એડમિશન રજિસ્ટ્રેશન તેમજ અલગ અલગ મેરિટ જાહેર થવા સાથે અલગ અલગ ચોઈસ ફિલિંગ અને અલગ અલગ પ્રવેશ ફાળવણી પ્રક્રિયા થઈ છે. મેડિકલ-ડેન્ટલમાં જે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેમાંથી અનેક વિદ્યાર્થીઓએ આયુર્વેદ-હોમિયોપેથી માટે પણ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
મેડિકલ અને ડેન્ટલમાં પ્રથમ બે રાઉન્ડમાં પ્રવેશ મળવા છતાં ઘણાં વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો નથી અને ડિપોઝિટ પણ જવા દીધી છે, એટલું જ નહીં આયુર્વેદમાં પ્રવેશ લેવાનું નક્કી કર્યું છે. આયુર્વેદ અને હોમિયોપેથીમાં બીજા રાઉન્ડનું સીટ એલોટમેન્ટ કરવામાં આવ્યું છે ત્યારે એલોટમેન્ટમાં જ આયુર્વેદની તમામ બેઠકો ફૂલ થઈ ગઈ છે.
આયુર્વેદમાં સ્ટેટ ક્વોટાની કુલ 2133 બેઠકોમાંથી હાલ એક પણ ખાલી નથી અને ખાનગી કોલેજોની 15 ટકા ઓલ ઈન્ડિયા ક્વોટાની પણ 309માંથી એકેય બેઠક ખાલી નથી. બીજા રાઉન્ડના એલોટમેન્ટમાં સ્ટેટ ક્વોટામાં આયુર્વેદમાં નવા 1078 વિદ્યાર્થીને તથા ઓલ ઈન્ડિયા ક્વોટામાં 136 વિદ્યાર્થીને પ્રવેશ મળ્યો છે. સ્ટેટ ક્વોટામાં 355 અને ઓલ ઈન્ડિયા ક્વોટામાં 39 વિદ્યાર્થીનો પ્રવેશ ફેરબદલ થયો છે. જ્યારે અનુક્રમે 700 અને 134 વિદ્યાર્થીના પ્રવેશમાં કોઈ ફેરબદલ થયો નથી.
હોમિયોપેથીમાં ઘસારો નહીં
આયુર્વેદ-હોમિયોપેથીમાં આયુર્વેદમાં સૌથી વધુ પ્રવેશ થયા છે. હોમિયોપેથીમાં સ્ટેટ ક્વોટામાં કુલ 3611 બેઠકોમાંથી 2666માં ફાળવણી થઈ છે અને 1252 નવા પ્રવેશ થયા છે. જ્યારે 373ના પ્રવેશ બદલાયા અને 1041નો અગાઉનો પ્રવેશ કાયમ રહ્યો છે. આ એલોટમેન્ટ બાદ 945 બેઠકો ખાલી રહી છે. ઓલ ઈન્ડિયા ક્વોટામાં 563માંથી 371 બેઠકો ખાલી રહી છે અને 192 ફાળવાઈ છે. નવા 66 પ્રવેશ થયા અને 16નો પ્રવેશ ફેરબદલ થયો તેમજ 110નો પ્રવેશ અગાઉનો જ કાયમ રહ્યો છે.




