અમદાવાદના ઓઢવમાં પડોશી મહિલાની કરતૂત: 14 વર્ષના સગીરને લાલચ આપી તેના જ ઘરમાંથી દાગીના ચોરાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Crime News: અમદાવાદના ઓઢવના સીંગરવા વિસ્તારમાં પડોશમાં રહેતી મહિલાએ 14 વર્ષના સગીરને નાણાંની લાલચ આપી તેના જ ઘરમાંથી 1.98 લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. પિતાએ જરૂરિયાત ઊભી થતાં તિજોરી ખોલતાં દાગીના ગાયબ મળ્યા હતા. પરિવારજનોની પૂછપરછ દરમિયાન ગભરાયેલા સગીરે રડતાં-રડતાં પડોશી મહિલાની કરતૂત જણાવી દીધી હતી. પિતાએ આ મામલે ઓઢવ પોલીસ મથકે પડોશી મહિલા સામે છેતરપિંડી અને ચોરી કરાવી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
રૂ.500 અને મોબાઈલ રિપેરિંગના બહાને સગીરને જાળમાં ફસાવ્યો
મળતી માહિતી અનુસાર, સીંગરવા વિસ્તારમાં રહેતા બ્રીજેશ યાદવ ફેબ્રિકેશનનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ઓગસ્ટ મહિનામાં નાણાંની જરૂર પડતાં તેમણે તિજોરી તપાસી હતી, જેમાં દાગીના મળ્યા નહોતા. બીજા દિવસે સવારે તેમનો 14 વર્ષનો સગીર પુત્ર શાળાએ જતી વખતે રડવા લાગ્યો હતો અને સમગ્ર ઘટના જણાવી હતી.
સગીરે જણાવ્યું કે, પડોશમાં રહેતી અંજનાબહેન પંડ્યાએ મોબાઈલ ફોન બગડી ગયો હોવાનું કહી તેને ઘરે બોલાવ્યો હતો. ત્યારબાદ ઘરમાં દાગીના છે કે નહીં તેની પૂછપરછ કરી હતી. શરૂઆતમાં સગીરે ના પાડતાં મહિલાએ 500 રૂપિયા આપી વધુ રૂપિયા આપવાની લાલચ આપી હતી. મહિલાની લાલચમાં આવી ગયેલા સગીરે ઘરમાંથી તેની સ્વર્ગસ્થ માતાના 1.98 લાખ રૂપિયાના દાગીના તિજોરીમાંથી ચોરી પોતાની સ્કૂલ બેગમાં મૂકી દીધા હતા.
ત્યારબાદ આ દાગીના ટુકડે-ટુકડે મહિલાને સોંપી દીધા હતા. દાગીનાના બદલામાં મહિલાએ સગીરને પ્રથમ 5 હજાર રૂપિયા અને બાદમાં 70 હજાર રૂપિયા આપીને કોઈને જાણ ન કરવા ધમકાવ્યો-સમજાવ્યો હતો. ભેદ ખૂલ્યા બાદ બ્રીજેશે મહિલા પાસે દાગીના માંગતા તેણે સોનીને વેચવા આપ્યા હોવાનું કહી વાયદા કર્યા હતા. આખરે દાગીના કે રકમ પરત ન મળતાં પિતાએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.




