ધોળકાના બદરખામાં તંત્રની બેદરકારી: ગંદકી અને ઘૂંટણસમા પાણીમાંથી નેજા યાત્રા કાઢવા ભક્તો મજબૂર, ગ્રામજનોમાં ભારે રોષ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Dholka Ramdevpir Neja Yatra: ભાદરવી નોમના પવિત્ર દિવસે અમદાવાદ ગ્રામ્યના બાવળા, ધોળકા, બગોદરા, સાણંદ, ધંધુકા અને ધોલેરા પંથકમાં લોકદેવતા ભગવાન રામદેવપીરના નેજાની ભવ્ય શોભાયાત્રાઓ યોજાઈ હતી. જોકે, ધોળકા તાલુકાના બદરખા ગામે સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા અને ઘોર બેદરકારીને કારણે ભક્તોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગામમાં ભરાયેલા પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી શ્રદ્ધાળુઓએ ઘૂંટણસમા પાણીમાંથી પસાર થઈને નેજા યાત્રા યોજવાની ફરજ પડી હતી.
પાણીમાં ચાલીને નેજા યાત્રા યોજવા ભક્તો મજબૂર
બદરખા ગામે આવેલા રામદેવપીરના મંદિરે યોજાયેલી નેજાની શોભાયાત્રા દરમિયાન ભક્તોએ ભજન મંડળી અને રાસ-ગરબાની રમઝટ સાથે શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરી હતી. પરંતુ ગામના મુખ્ય માર્ગો પર ભરાયેલા પાણીના કારણે ધાર્મિક પ્રસંગમાં મોટી વિઘ્ન સર્જાયું હતું. હાથમાં પવિત્ર નેજો ધારણ કરેલા શ્રદ્ધાળુઓએ ગંદા પાણીમાંથી ચાલીને મંદિરે પહોંચવું પડ્યું હતું.
સ્થાનિક તંત્ર સામે ગ્રામજનોનો આક્રોશ
ધર્મ અને ભક્તિના પ્રતીક સમાન રામદેવપીરના મંદિરે નેજો ચઢાવવાથી મનોકામના પૂર્ણ થતી હોવાની લોકવાયકા છે. આવા મહત્વના ધાર્મિક પ્રસંગે પણ પાણીના નિકાલ જેવી પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ રહેલા સ્થાનિક વહીવટી તંત્ર સામે ગ્રામજનો અને ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ માંગ કરી છે કે ગામમાં ભરાતા પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે.




