મંજૂરી વગર અમદાવાદ અસારવા સિવિલના મેદાનમાં 15 વર્ષ જૂના 100થી વધુ વૃક્ષો-છોડનું નિકંદન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Tree Cutting: અમદાવાદના અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલ કેમ્પસના સ્ટાફ ક્વાટર્સની બાજુના બીજે મેડિકલ કોલેજના ફૂટબોલ ગ્રાઉન્ડમાં વિકાસના નામે 10થી 15 વર્ષ જૂના 100થી વધારે વૃક્ષો અને છોડનું નિકંદન કાઢી નાંખવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઉપરાંત પ્લેન ક્રેશની વરસીએ રોપવામાં આવેલા છોડવા પણ ઉખાડી નંખાતા લોકોમાં રોષની લાગણી પેદા થઈ છે. આ દિશામાં તપાસ કરીને જવાબદારો સામે પગલાં લેવામાં આવે તેવી માંગ ઊઠી છે.
સુવિધાના નામે બીજે મેડિકલ કોલેજના સત્તાધિશોએ કોઈ મંજૂરી વગર જ ઝાડનો સૌથ વાળી દેતા ભારે રોષ
અમદાવાદની સિવિલ મેડિસિટી કેમ્પસમાં મિથિલા-આશ્રયમ્ સ્ટાફ ક્વાટર્સ પાસેની જગ્યામાં ઉભેલા આશરે 100 જેટલા વૃક્ષોનું નિકંદન કાઢીને મેદાન બનાવી દેવામાં આવ્યું છે. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો કે, આ વૃક્ષો લોકોએ જાતે રોપીને તેનો ઉછેર કરી 10થી 15 વર્ષ મોટા કર્યા હતા. એક તરફ વડાપ્રધાન એક પેડમા કે નામ અભિયાન ચલાવી રહ્યા છે, બીજી તરફ સરકારી જગ્યામાં જ વૃક્ષો સુરક્ષિત નથી.
કોઈ જાતની મંજૂરી લીધા વગર આ વૃક્ષો કાપી નાંખવામાં આવ્યા હોવાનો આક્ષેપ પણ ઉઠ્યો છે. એટલું જ નહીં, પ્લેન ક્રેશની વરસીએ રોપવામાં આવેલા 40-50 છોડવા પણ જેસીબી ચાલકે ઉખાડી નાંખ્યા છે. ફૂટબોલ મેદાનની આ જગ્યા બીજે મેડિકલ કોલેજ હેઠળ આવે છે. ત્યારે આ અંગે તપાસ કરીને જરૂરી કાર્યવાહી થાય તેવી માંગ પર્યાવરણપ્રેમીઓ દ્વારા કરાઈ છે. આ ઘટના સામે આવતા જ મ્યુનિસિપસના ગાર્ડન વિભાગ દ્વારા પણ સ્ટાફને સ્થળ પર મોકલવામાં આવ્યો છે.
રિ-પ્લાન્ટેશનનું આયોજન હતું, પણ રાતોરાત જેસીબી ફેરવી દેવાયું
સિવિલ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યાનુસાર, મેડિકલ કોલેજના છાત્રોએ રમત-ગમતના મેદાનની માગણી ડીન સમક્ષ કરી હતી. માટે ફૂટબોલ મેદાન સાફ કરવાનું આયોજન હતું. જેના માટે રિ-પ્લાન્ટેશન અને મંજૂરી સહિતના પાસાઓની ચર્ચા થઈ હતી. પરંતુ બાદમાં રાતોરાત જ જેસીબી ફેરવી વૃક્ષો પાડી નાંખવામાં આવ્યા છે.
કાપી નંખાયેલા ઔષધિય વૃક્ષો
સિંદુર, પારસ પીપળો, આમળા, ખાખરો, રાયણ, બહેડા, આંબલી, લીમડો, સપ્તપર્ણી, વડ, જાંબુ, રૂખડો, મહુડો, સીસમ, સાગ, પારિજાત, રાતરાણી, કોડિયા, કોઠી, પાનેરવો વગેરે.




