ગુજરાતમાં વિરામ બાદ મેઘરાજાની ફરી એન્ટ્રી : 98 તાલુકામાં વરસાદ, સૌથી વધુ રાજકોટના પઢ્ઢારીમાં વરસ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Monsoon: ગુજરાતમાં થોડા દિવસોના વિરામ બાદ મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર ઇનિંગ શરૂ કરી છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 98 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં 2.24 ઈંચ જેટલો ખાબક્યો છે. વરસાદની આ બીજી ઇનિંગથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
સુરત અને કચ્છ જિલ્લામાં પણ ભારે વરસાદ
રાજકોટના પડધરી બાદ દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. સુરત જિલ્લાના કામરેજમાં 1.81 ઈંચ અને કચ્છના રાપરમાં 1.69 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સુરતના જ માંગરોળ અને બારડોલીમાં 1.5-1.5 ઈંચ વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

અમદાવાદ જિલ્લાના ધંધુકામાં 1.22 ઈંચ ઉપરાંત ધોલેરામાં 21 મીમી અને સાણંદમાં 16 મીમી વરસાદ નોંધાયો છે. બીજી તરફ બોટાદના બરવાળામાં 23 મીમી અને બોટાદ શહેરમાં 16 મીમી વરસાદ થયો છે. સૌરાષ્ટ્રના અન્ય ભાગો જેવા કે ભાવનગરના ઉમરાળા, પાલીતાણા તેમજ સુરેન્દ્રનગરના દસાડા અને ચોટીલામાં પણ અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે.









