અમદાવાદ: ભેળસેળની શંકામાં ઘીની 10 બ્રાન્ડના 25 રેપિડ ટેસ્ટ કરાયા, 11 નમૂના લેબમાં મોકલાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Maninagar Ghee Rapid Test AMC: દિવાળીના તહેવાર દરમિયાન ઘીમાં ભેળસેળ થતી હોવાની આશંકાને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના હેલ્થ વિભાગે મણિનગર વિસ્તારમાં ઘીના વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન વિવિધ બ્રાન્ડના ઘીના આશરે 25 રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સ્થળ પર કરવામાં આવેલા ટેસ્ટમાં વનસ્પતિ ફેટની હાજરી મળી આવી નહોતી. જો કે, વધુ ચોકસાઈપૂર્વક તપાસ માટે ઘીના 11 નમૂના લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. લેબોરેટરીના રિપોર્ટ બાદ જ ઘીની ગુણવત્તા અંગે અંતિમ સ્થિતિ સ્પષ્ટ થશે.
ભેળસેળની શંકામાં ઘીની 10 બ્રાન્ડના 25 રેપિડ ટેસ્ટ કરાયા
કોર્પોરેશન દ્વારા દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને મીઠાઈ, માવો, ઘી સહિતના ખાદ્ય પદાર્થોના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ સાથે સંકળાયેલા એકમોમાં તપાસ કરવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે મણિનગરમાં ઘીના વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરાયું હતું. ઘીમાં વનસ્પતિ ફેટની ભેળસેળ છે કે નહીં તે જાણવા માટે સ્થળ પર રેપિડ ટેસ્ટ કિટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ડાયનામિક, મધર ડેરી, શ્રીમંત, રામ, ચંદ્રમલ, ડોડલા, નોવા, પારસ, ગોવર્ધન સહિતની 11 વિવિધ બ્રાન્ડના ઘીના આશરે 25 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સ્થળ પરના તમામ ટેસ્ટમાં વનસ્પતિ ફેટની હાજરી મળી નહોતી. તેમ છતાં કાયદેસરની તપાસ અને વિશ્લેષણ માટે 11 નમૂના પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
અગાઉ 510 કિલો સબસ્ટાન્ડર્ડ માવો જપ્ત કર્યો હતો
કોર્પોરેશનના હેલ્થ વિભાગે અગાઉ ગોમતીપુર વિસ્તારમાં આવેલા કોલ્ડ સ્ટોરેજમાંથી માવાના ચાર નમૂના લીધા હતા. તપાસમાં અસારવા વિસ્તારમાં દાદા હરિની વાવ સામે રામજી મંદિરની ચાલી ખાતે આવેલા તુલસી માવો સેન્ટરનો માવો સબસ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું હતું. વધુ તપાસમાં આ માવાનું ઉત્પાદન રાજસ્થાનના ઉદયપુરના વલ્લભનગરમાં થતું હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે આગળની કાર્યવાહી માટે ગાંધીનગર અને રાજસ્થાનના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરવામાં આવી હતી. કોર્પોરેશને કુલ 510 કિલો માવો જપ્ત કરીને તુલસી માવો સેન્ટરને સીલ કર્યું હતું. તપાસમાં તુલસી માવો સેન્ટર દ્વારા અમદાવાદના સાત એકમોને માવો સપ્લાય કરવામાં આવતો હોવાનું પણ સામે આવ્યું હતું. આ એકમોમાં નરોડા, મેઘાણીનગર, નાના ચિલોડા, ખોખરા, નિકોલ અને દહેગામ રોડ વિસ્તારના વેપારીઓનો સમાવેશ થાય છે.
રાધિકા ફૂડ પ્રોડક્ટ્સના 41,400 કિલો જથ્થો સ્થગિત કરાયો હતો
ગોમતીપુરના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલા રાજવાડી સ્વીટ (બજરંગી) અને ઇન્ડિયન ડેઝર્ટ (નીલકંઠ)ના 10 કિલોના પેકેટ પર બેચ નંબર, લોટ નંબર, ઉત્પાદન તારીખ અને એક્સપાયરી ડેટ જેવી વિગતો દર્શાવવામાં આવી નહોતી. આથી રાધિકા ફૂડ પ્રોડક્ટ્સને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ નોટિસ આપવામાં આવી હતી. બંને બ્રાન્ડનો કુલ 41,400 કિલો જથ્થો સ્થગિત કરવામાં આવ્યો છે. નોટિસનો જવાબ મળ્યા બાદ કાયદાની જોગવાઈ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આવી રીતે શુદ્ધ ઘીની તપાસ કરવી
ઓગળેલા ઘીને 5 મિલી જેટલું એક ટસ્ટ ટ્યુબમાં લેવું. ત્યારેબાદ તેમાં ઘી જેટલું જ એટલે કે 5 મિલી જલદ હાઇડ્રોક્લોરિક એસિડ લેવું. ત્યારબાદ ફરફુરાલ સોલ્યુશન (3થી 4 ટીપા) અથવા ખાંડના થોડાક દાણા (આશરે 20થી 25 દાણા) નાંખવા અને પછી સ્ટોપર રાખી ધ્યાન પુર્વક બરાબર હલાવવું. જો તરત જ લાલ કરર જોવા મળે તો સમજવું કે ઘમીમાં વનસ્પતિ ફેટની મિલાવટ છે.




