અમદાવાદના નિકોલમાં દારૂના નશામાં યુવકનો હંગામો, યુવતીની છેડતી આરોપમાં લોકોએ મેથીપાક ચખાડ્યો, વીડિયો વાઈરલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદના નિકોલમાં એક યુવકે જાહેરમાં રોડ પર હંગામો મચાવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. દારૂના નશામાં ધૂત આ યુવક પર એક યુવતીની છેડતી કરવાનો આક્ષેપ થયો હતો. જેને પગલે સ્થાનિકો રોષે ભરાયા હતા. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. જેમાં ઉશ્કેરાયેલા લોકો યુવકને પાઠ ભણાવતા અને પકડી રાખતા જોવા મળી રહ્યા છે.
છેડતીના આક્ષેપ સાથે લોકોએ મેથીપાક ચખાડ્યો
મળતી માહિતી અનુસાર, નિકોલ વિસ્તારમાં આવેલી ચાણક્ય સ્કૂલ નજીક એક યુવતી અને અન્ય કેટલાક લોકો બાઈક પર પસાર થઈ રહ્યા હતા. ત્યારે દારૂના નશામાં ચાલતા આવતા આ યુવકે તેની કારને ટક્કર મારી હતી. ત્યારબાદ યુવકે યુવતીની છેડતી કરી હોવાથી આસપાસથી મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. રોષે ભરાયેલા સ્થાનિકોએ આ યુવકને ઘટનાસ્થળે જ ઝડપી લીધો હતો અને જાહેરમાં તેને બરાબરનો મેથીપાક ચખાડી પોલીસના હવાલે કરી દીધો હતો.
પોલીસે યુવકની અટકાત કરી
આ ઘટના અંગે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના PIએ જણાવ્યું કે, 'વાઈરલ થયેલા વીડિયો અંગે અમે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી દીધો છે. યુવક સામે અટકાયતી પગલાં પણ લઈ લીધા છે. આ ઘટનામાં કોઈ છેડતીનો બનાવ બન્યો નથી, પરંતુ માત્ર ધક્કો વાગ્યો છે. હકીકતમાં, છોકરી અને અન્ય લોકો બાઈક પર જતા હતા અને આ સ્થાનિક યુવક, જે કદાચ પીધેલી હાલતમાં હતો, તે ચાલતો ચાલતો આવીને તેમની ગાડી સાથે અથડાયો હતો. સ્થાનિકોએ તેને માર માર્યો હોવાની બાબતે પણ અમે અરજી લીધી છે અને જરૂરી અટકાયતી પગલાં લીધેલા છે.'








