VIDEO| અમદાવાદ: બપોરે મકરબા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ, સાંજે સર્જાયો ભારે ચક્કાજામ, ડિઝાઇન અને પ્લાનિંગ સામે ઊઠ્યા સવાલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Makarba Corporate Road Traffic Jam In Ahmedabad: અમદાવાદ-બોટાદ રેલવે લાઇન પર મકરબા ખાતે નવનિર્મિત રેલવે ઓવરબ્રિજનું આજે(24 સપ્ટેમ્બર, 2026) મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બ્રિજ સરખેજ-જુહાપુરાથી SG હાઇવે તરફ જવા-આવવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. પરંતુ લોકાર્પણના પ્રથમ દિવસે જ બ્રિજના પ્લાનિંગ અને ડિઝાઈનની ગંભીર ખામીઓ સામે આવી છે. બપોરે ઉદ્ઘાટન થયા બાદ સાંજે જ આ વિસ્તારમાં વાહનોનો ભારે ચક્કાજામ સર્જાયો હતો.
પ્રથમ દિવસે જ કેમ સર્જાયો ટ્રાફિક જામ?
સ્થાનિકો અને વાહનચાલકોની આશંકા મુજબ, બ્રિજનો એક છેડો સીધો જ કોર્પોરેટ રોડ પર આવીને પૂરો થાય છે. બ્રિજ જ્યાં ઉતરે છે ત્યાં આગળ 10 મીટરની પણ પૂરતી જગ્યા કે માર્જિન રાખવામાં આવ્યું નથી. જેના કારણે બ્રિજ પરથી આવતા વાહનો સીધા જ સાંકડા રોડ પર ભેગા થતાં પ્રથમ દિવસે જ ટ્રાફિક જામની ગંભીર સમસ્યા ઊભી થઈ ગઈ હતી. જેમાં અન્ય વાહનોની સાથે એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી.
'આજે રીલનો જમાનો છે…': CMનું નિવેદન ચર્ચામાં
બ્રિજનો એક છેડો સીધો જ કોર્પોરેટ રોડ પર ઉતરે છે. બ્રિજ પૂરો થયા પછી 10 મીટરનું પણ માર્જિન કે જગ્યા પણ ન હોવાથી, પ્રથમ દિવસથી જ ટ્રાફિક જામની ગંભીર સમસ્યા શરૂ થઈ ગઈ છે. સામાન્ય વાહનોની સાથે એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી. આ આશંકા લોકોને તો હતી જ, પણ કદાચ મુખ્યમંત્રીને પણ હતી. એટલે જ લોકાર્પણ સમયે તેમણે કહ્યું હતું કે, "આજે રીલનો જમાનો છે. અત્યારે તકલીફ કોઈને પડે તો તમારી રીલ મૂકી દેશે, પણ હંમેશા પોઝિટિવ રહેવું જોઈએ." જોકે, સાંજે જ સર્જાયેલી ટ્રાફિકની સમસ્યા બાદ સ્થાનિકો તંત્ર સામે ભારે રોષ ઠાલવી રહ્યા છે.
શરૂઆતથી જ વિવાદોમાં રહ્યો છે મકરબા બ્રિજ
ઉલ્લેખનીય છે કે આ બ્રિજનું કામ શરૂ થયું ત્યારથી જ 'પ્રથમ ગ્રાસે મક્ષિકા' જેવી સ્થિતિ રહી હતી. કામગીરી દરમિયાન અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન તૂટી જવાથી કામ લાંબો સમય ખોરવાયું હતું. આ ઉપરાંત, બ્રિજ વિભાગને યુટિલિટી માટે આપવામાં આવેલા ઓફિશિયલ નકશા કરતાં વધુ અંડરગ્રાઉન્ડ લાઇનો મળી આવતાં પિલરની મૂળ ડિઝાઇનમાં પણ ફેરફાર કરવો પડ્યો હતો.
તંત્ર માટે સાપે છછુંદર ગળ્યા જેવો ઘાટ?
અગાઉથી જ વિવાદોમાં રહેલા આ બ્રિજના લોકાર્પણના પહેલા જ દિવસે સર્જાયેલી ચક્કાજામની સ્થિતિએ તંત્રના એન્જિનિયરિંગ, પ્લાનિંગ અને ડિઝાઇનની નબળાઈઓ છતી કરી દીધી છે. પહેલેથી જ ચર્ચા હતી કે બ્રિજના આ છેડાથી કોર્પોરેટ રોડ ઉપર ટ્રાફિક જામ થશે એનું શું. આ તો બ્રિજના કારણે એક બાજુ રાહત મળી તો બીજી બાજુ આફત… હાલમાં આ બ્રિજનું લોકાર્પણ કરીને તંત્ર માટે સાપે છછુંદર ગળ્યા જેવો ઘાટ થયો છે.




