Ahmedabad

VIDEO: મકરબા બ્રિજ ચક્કાજામ બાદ તંત્ર સફાળું જાગ્યું, ચાર રસ્તા જ બંધ કરીને ડાયવર્ઝન અપાયું, વાહન ચાલકોને ધરમ ધક્કો

By GS Team
25 Sep 20264 mins read
TukuTouch Logo
અમદાવાદમાં મકરબા બ્રિજનું 24મી સપ્ટેમ્બરે લોકાર્પણ થયું, પરંતુ પહેલા જ દિવસે ટ્રાફિક જામ સર્જાયો. તંત્રએ ચાર રસ્તા બંધ કરીને વાહનચાલકોને લાંબો ચકરાવો લેવા મજબૂર કર્યા. આ અણઘડ કામગીરીથી વાહનચાલકોમાં રોષ છે. ધારાસભ્યએ ટ્રાફિક સિગ્નલ અને પોલીસ પોઇન્ટની માંગ કરી છે. બ્રિજનું નિર્માણ શરૂઆતથી જ વિવાદોમાં રહ્યું છે, જે AMCની ખામીયુક્ત કામગીરી દર્શાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: મકરબા બ્રિજ ચક્કાજામ બાદ તંત્ર સફાળું જાગ્યું, ચાર રસ્તા જ બંધ કરીને ડાયવર્ઝન અપાયું, વાહન ચાલકોને ધરમ ધક્કો

Ahmedabad Makarba Bridge Traffic Jam: અમદાવાદ-બોટાદ રેલવે લાઇન પર મકરબા ખાતે નવનિર્મિત રેલવે ઓવરબ્રિજનું 24મી સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. સરખેજ-જુહાપુરા અને SG હાઇવેને જોડતો આ બ્રિજ વાહનચાલકો માટે આશીર્વાદરૂપ બનવાને બદલે પહેલા જ દિવસે આફત સાબિત થયો છે. લોકાર્પણની સાંજે જ સર્જાયેલા ભારે ચક્કાજામ બાદ 25મી સપ્ટેમ્બર, શુક્રવારે તંત્ર દ્વારા કરાયેલી કામગીરીથી સ્થિતિ વધુ વણસી છે.

સમાધાનના નામે 'ચકરાવો': તંત્રએ ચાર રસ્તા જ બંધ કરી દીધા

બ્રિજ નીચે સર્જાતી ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાને બદલે તંત્રએ મકરબા ઓવરબ્રિજ પાસેના ચાર રસ્તા પર જ બેરિ઼કેડ્સ ખડકી દીધા છે. નવા ડાયવર્ઝન મુજબ, કોર્પોરેટ રોડથી પ્રહલાદનગર જવા માટે વાહનચાલકોએ ડાબી બાજુ વળીને આગળથી યુ-ટર્ન લેવો પડશે. તેવી જ રીતે પ્રહલાદનગરથી કોર્પોરેટ રોડ તરફ આવવા માટે પણ બ્રિજ નીચેથી લાંબો ચકરાવો મારીને યુ-ટર્ન લીધા બાદ જ પહોંચી શકાશે. તંત્રની આ અણઘડ કામગીરીથી વાહનચાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

Makarba Bridge.jpg

AMCને લીધે ભોગવવાનું વાહનચાલકને!

કોર્પોરેશન તો ખામીયુક્ત બ્રિજ બનાવીને હાથ અદ્ધર કરીને ખસી ગયું છે. હવે જે કંઈ સમસ્યા થશે તે ભોગવવાનો વારો લોકોનો છે. સાથે સાથે પોલીસ પણ માટે આ માથાનો દુ:ખાવો થઈ જશે. આ સિસ્ટમને લીધે હવે લોકો હોનેસ્ટ ચાર રસ્તાથી સીધેસીધા વાયએમસીએ થઈને કોર્પોરેટ રોડ પર આવેલી ઑફિસમાં જવાનો પ્રયત્ન કરશે જેને લીધે પીકઅવર્ષમાં આવતા અને જતા ભારે ટ્રાફિક જામ વાયએમસીએ ચાર રસ્તા પાસે જોવા મળશે. એટલું જ નહીં જે લોકો કોર્પોરેટ રોડની પાછળના રેલવે લાઇનને અડીને આવેલા રોડ પરથી વેજલપુર જશે તેમને પણ કોર્પોરેટ રોડ પરથી આપવામાં આવેલું ડાયવર્ઝન અને વાહનચાલકો સામસામે ક્રોસ થતા હોવાથી મોટો ટ્રાફિકનો સામનો કરવો પડી શકે છે.

ધારાસભ્યએ પોલીસ કમિશનરને પત્ર લખ્યો

ગુરુવારે સાંજે સર્જાયેલા ચક્કાજામ બાદ લોકોએ વેજલપુરના ધારાસભ્યને પણ રજૂઆત કરી હતી. ધારાસભ્યએ તાત્કાલિક અમદાવાદ પોલીસ કમિશનરને પત્ર લખીને મકરબા ઓવરબ્રિજ પાસે તાત્કાલિક ટ્રાફિક સિગ્નલ અને ટ્રાફિક પોલીસ પોઇન્ટ મૂકવા રજૂઆત કરી છે.

વિરોધ વધતાં પોલીસ કાફલો ખડકાયો

ચાર રસ્તા બંધ કરી દેવાતાં વાહનચાલકો અને સ્થાનિકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. ઘટનાસ્થળે વાતાવરણ વધુ ન ડહોળાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી તંત્ર દ્વારા ચાર રસ્તા પર ભારે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.

આ સમસ્યા વિશે ટ્રાફિક JCPએ કહ્યું કે, 'ગઈકાલે બ્રિજનું ઉદ્ઘાટન થયા પછી જે ટ્રાફિક અને અકસ્માતનો પ્રશ્ન ઉપસ્થિત થયો, તેના માટે અમે તાત્કાલિક પોલીસ મોકલીને ટ્રાફિક મેનેજ કરાવ્યો હતો. આજે અમે એએમસીના અધિકારીઓ તથા ધારાસભ્ય સાથે મળીને સંપૂર્ણ વિસ્તારની પગપાળા ચાલીને તપાસ કરી હતી. બ્રિજ જ્યાં ચાર રસ્તા પર ખૂલે છે ત્યાં અકસ્માત ન થાય તે હેતુથી અમે એ રોડ બંધ કરીને ટેમ્પરરી ધોરણે કેપ્સ્યુલ સિસ્ટમ ચાલુ કરવાનો નિર્ણય લીધો છે.'

બ્રિજના નિર્માણ અંગે તેમણે જણાવ્યું કે, 'જ્યારે બ્રિજનું નિર્માણ ચાલતું હોય ત્યારે જ ભવિષ્યમાં કયા પ્રશ્નો ઉદ્ભવશે તેનો અગાઉથી અંદાજ આવી શકતો નથી, પરંતુ ઉદ્ઘાટન પછી સમસ્યા ધ્યાને આવતા જ અમે બીજા જ દિવસે એએમસી સાથે સંકલન સાધીને એનું સફળ નિરાકરણ કર્યું છે. બ્રિજની ડિઝાઇન અથવા કોર્પોરેશનના કામકાજ અંગેના સવાલો તમે એએમસી વિભાગને પૂછી શકો છો, કારણ કે હું પાંચમા મહિના પછી આ ટ્રાફિક વિભાગમાં આવેલો છું જ્યારે આ બ્રિજ બે વર્ષથી બની રહ્યો હતો. આ બાબતે મારો કોઈ અલગ અંગત અભિપ્રાય નથી, પરંતુ અમારો મુખ્ય આશય પ્રજાને કોઈ તકલીફ ન પડે તે માટે એએમસી સાથે સંકલનમાં રહીને તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવાનો છે.'

શરૂઆતથી જ વિવાદોમાં રહ્યો છે મકરબા બ્રિજ

ઉલ્લેખનીય છે કે, આ બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ થયું ત્યારથી જ 'પ્રથમ ગ્રાસે મક્ષિકા' જેવી સ્થિતિ રહી હતી. કામગીરી દરમિયાન અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન તૂટી જવાથી કામ લાંબો સમય અટકી પડ્યું હતું. ઉપરાંત, યુટિલિટીના સરકારી નકશા કરતાં વધુ અંડરગ્રાઉન્ડ લાઇનો મળી આવતાં પિલરની મૂળ ડિઝાઇનમાં પણ ફેરફાર કરવાની ફરજ પડી હતી.

તંત્ર માટે 'સાપે છછુંદર ગળ્યા' જેવો ઘાટ

બ્રિજનો એક છેડો સીધો જ સાંકડા કોર્પોરેટ રોડ પર ઉતરતો હોવાથી અહીં ટ્રાફિક થશે તેવી ભીતિ અગાઉથી જ હતી. લોકાર્પણના બીજા જ દિવસે સામે આવેલી એન્જિનિયરિંગ અને પ્લાનિંગની ગંભીર ખામીઓએ તંત્રના દાવાઓની પોલ ખોલી નાખી છે. હાલ તો બ્રિજનું ઉદ્ઘાટન તંત્ર માટે 'સાપે છછુંદર ગળ્યા' જેવું સાબિત થઈ રહ્યું છે.