Ahmedabad

દરિયાપુરના મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં મોટી કાર્યવાહી, મુખ્ય સૂત્રધાર ગોવિંદ ઉર્ફે ગામા સહિત 6 સામે પાસા હેઠળ જેલહવાલે

By GS Team
9 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના દરિયાપુરના મનપસંદ જીમખાનામાં SMCના દરોડા બાદ PCBએ કડક કાર્યવાહી કરી છે. કુખ્યાત ગોવિંદ ઉર્ફે ગામા પટેલ સહિત 6 આરોપીઓને અલગ-અલગ સ્થળેથી ઝડપી પાડી, પાસા હેઠળ રાજકોટ, વડોદરા, ભુજ અને સુરત જેલમાં મોકલાયા છે. અગાઉ 3 ઓગસ્ટે 180થી વધુ જુગારીઓ ઝડપાયા હતા. સ્થાનિક PI અને 2 PSI સસ્પેન્ડ કરાયા, વધુ તપાસ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દરિયાપુરના મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં મોટી કાર્યવાહી, મુખ્ય સૂત્રધાર ગોવિંદ ઉર્ફે ગામા સહિત 6 સામે પાસા હેઠળ જેલહવાલે

Dariyapur Gambling Raid Ahmedabad : અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા ચર્ચિત મનપસંદ જીમખાનામાં ચાલતા મોટા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના દરોડા બાદ પીસીબી (PCB) દ્વારા આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા મુખ્ય સૂત્રધાર ગોવિંદ ઉર્ફે ગામા ખોડીદાસ પટેલ અને તેના 5 સાગરીતોની અલગ-અલગ સ્થળોએથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ કાયદાની છટકબારીનો લાભ ન ઉઠાવી શકે તે હેતુથી અમદાવાદ પોલીસ કમિશનરના આદેશથી તમામ સામે પાસા (PASA) હેઠળ કડક કાર્યવાહી કરીને રાજકોટ, વડોદરા, ભુજ અને સુરતની જેલમાં મોકલી દેવાયા છે.

પાસા હેઠળ જેલહવાલે કરાયેલા આરોપીઓની વિગતો

પીસીબીની અલગ-અલગ ટીમોએ સઘન તપાસ લંબાવીને તમામ 6 આરોપીઓને ઝડપી લીધા હતા. જેલમાં મોકલાયેલા આરોપીઓમાં મુખ્ય સંચાલક ગોવિંદ ઉર્ફે ગામા ખોડીદાસ પટેલ (ઉંમર વર્ષ 55, રહે. દરિયાપુર), કિશોર દેવીલાલ પઢીયાર (રહે. ચાંદલોડિયા), નારાયણ કમલનાથ રાવલ (રહે. ખોખરા), આનંદ મંગાજી ઠાકોર (રહે. વેજલપુર), વિપુલ ચંદ્રકાંતભાઈ શાહ (રહે. ચાંદલોડિયા) અને નિકુંજ ઉર્ફે કાલુ મહેશભાઈ ખત્રી (રહે. દરિયાપુર)નો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, ગત 3 ઓગસ્ટે SMCની ટીમે આ જ જીમખાનામાંથી 180થી વધુ જુગારીઓને ઝડપી પાડીને મસમોટા જુગારધામનો પર્દાફાશ કર્યો હતો.

સ્થાનિક પોલીસની ભૂમિકા અને આંતરિક તપાસ અંગે સવાલો

ભૂતકાળમાં પણ આ મનપસંદ જીમખાનામાંથી જુગારધામ પકડાયું હોવા છતાં સ્થાનિક દરિયાપુર પોલીસ દ્વારા આરોપીઓ સામે કોઈ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવી ન હતી. SMCના સપાટા બાદ પોલીસવડાએ ત્વરિત કાયદાકીય પગલાં ભરીને સ્થાનિક PI અને 2 PSIને સસ્પેન્ડ કરી દીધા હતા. જોકે, આ સમગ્ર પ્રકરણમાં સર્વેલન્સ સ્ક્વોડના પોલીસકર્મીઓ તેમજ પોલીસ સ્ટેશનનો વહીવટ સંભાળતા વગદાર કર્મચારીઓને બચાવી લેવાયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જો આ કેસમાં ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે તો પોલીસ તંત્રની આંતરિક મિલીભગત અને ચોંકાવનારા ખુલાસાઓ બહાર આવવાની પ્રબળ શક્યતા છે.