Ahmedabad

ટ્રેક પર ઊંટ બેઠેલો જોઈ લોકોપાઇલટે ઇમરજન્સી બ્રેક મારી, મોટો અકસ્માત ટળ્યો

By GS Team
4 Sep 20262 mins read
TukuTouch Logo
વાંસજાળિયા-રાણાવાવ રેલખંડમાં વહેલી સવારે 4:30 વાગ્યે દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસના લોકોપાઇલટ કાલિદાસ અને સહાયક જગદીશ સાહુએ ટ્રેક પર ઊંટને જોયો. બ્રિજ નં. 95 પર ઊંટ ફસાયેલો હોવાથી ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેન રોકી દીધી. રેલવે અધિકારીઓએ ક્રેનની મદદથી 4 કલાકની જહેમત બાદ ઊંટને સુરક્ષિત બહાર કાઢ્યો. લોકોપાઇલટની સતર્કતાથી મોટો અકસ્માત ટળ્યો અને જાનહાનિ થતી અટકી.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રેક પર ઊંટ બેઠેલો જોઈ લોકોપાઇલટે ઇમરજન્સી બ્રેક મારી, મોટો અકસ્માત ટળ્યો

Camel Sitting on Railway Track Train Saved : વાંસજાળિયા–રાણાવાવ રેલખંડમાં વહેલી સવારે રેલવે ટ્રેક પર બેઠેલો ઊંટ દેખાતાં લોકોપાઇલટની સતર્કતાથી સંભવિત મોટો અકસ્માત ટળી ગયો હતો. જેમાં સવારે આશરે 4:30 વાગ્યે ટ્રેન નંબર 19015 દાદર–પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ વાંસજાળિયા નજીક બ્રિજ નં. 95 પરથી પસાર થઈ રહી હતી ત્યારે લોકોપાઇલટ કાલિદાસ અને સહાયક લોકોપાઇલટ જગદીશ સાહુએ ટ્રેકની વચ્ચે ઊંટને બેઠેલો જોયો હતો. બંનેએ તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેનને સુરક્ષિત અંતરે રોકી દીધી હતી.

ઊંટ બ્રિજના વચ્ચેના ભાગમાં ફસાયેલો હતો

ટ્રેન રોકાયા બાદ સહાયક લોકોપાઇલટે સ્થળ પર જઈ તપાસ કરતાં ઊંટ માત્ર ટ્રેક પર બેઠેલો જ નહીં, પરંતુ બ્રિજના વચ્ચેના ભાગમાં ફસાયેલો હોવાનું જણાયું હતું. ઘટનાની જાણ તાત્કાલિક ટ્રેન મેનેજર એસ.પી. મીણા, રેલવે કંટ્રોલ અને વાંસજાળિયા સ્ટેશન સુપરિન્ટેન્ડન્ટને કરવામાં આવી હતી. મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના નિર્દેશ હેઠળ રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓએ તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી. જરૂરી સાધનો સાથે ક્રેનની મદદથી ઊંટને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. આશરે 4 કલાકની કામગીરી બાદ સવારે 8:45 વાગ્યે ટ્રેક સંપૂર્ણપણે ક્લિયર કરી રેલવે ટ્રાફિક પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. ઊંટના રેસ્ક્યુ અને ટ્રેક ક્લિયર કરવાની કામગીરી દરમિયાન સુરક્ષાને ધ્યાનમાં રાખીને બે પેસેન્જર ટ્રેન રદ કરવામાં આવી હતી જ્યારે ચાર ટ્રેન મોડી પડી હતી.

લોકોપાઇલટની સતર્કતાથી ટળ્યો ગંભીર અકસ્માત

જો લોકોપાઇલટ અને સહાયક લોકોપાઇલટની નજર ટ્રેક પર બેઠેલા ઊંટ પર સમયસર ન પડી હોત તો ઝડપથી આવી રહેલી ટ્રેન ઊંટ સાથે અથડાઈ શકે તેમ હતી અને બ્રિજ પર હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની શકતી હતી. સમયસર ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેન રોકી દેતાં જાનહાનિની સંભાવના ટળી હતી. મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ બંને લોકોપાઇલટની સતર્કતા તેમજ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓની ત્વરિત કામગીરીને બિરદાવી હતી.