ગાંધીનગરથી અમદાવાદ ડિલિવરી વાનથી દારૂની હેરાફેરી પકડાઈ, ડ્રાઈવરને એક ટ્રીપના 10 હજાર રૂપિયા મળતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદમાં હવે ડિલિવરી વાનથી દારૂની હેરાફેરી થતી હોવાની એક ચોંકાવનારી ઘટના સામે છે. સોલા પોલીસે મળેલી બાતમીના આધારે એસજી હાઇવે પર આવેલા ગોતા બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન ગાંધીનગર તરફથી આવતી એક ડિલિવરી વાનને અટકાવીને તેની તપાસ કરતાં અંદરથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વાહન ચાલકની સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી છે અને આ દારૂ મોકલનાર તેમજ મેળવનાર મુખ્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
10.35 લાખ રૂપિયાની કિંમતની દારૂની કુલ 2244 બોટલ મળી
પોલીસ તપાસમાં ડિલિવરી વાનમાંથી 10.35 લાખ રૂપિયાની કિંમતની દારૂની કુલ 2244 બોટલ મળી આવી હતી. પોલીસે દારૂના જથ્થા સાથે વાહન જપ્ત કરીને કુલ 15 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા ડ્રાઇવરની ઓળખ બ્રજવીરસિંઘ જાટ તરીકે થઈ છે, જેણે આ દારૂનો જથ્થો ગાંધીનગર બોર્ડર પાસેથી મેળવ્યો હતો અને તેને અમદાવાદના અંજલિ ચાર રસ્તા સુધી પહોંચાડવાનો હતો.

આરોપી ડ્રાઇવરે કર્યો ખુલાસો
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ડ્રાઇવરે ખુલાસો કર્યો છે કે જુહાપુરામાં રહેતા રાજા ઉર્ફે કાલુ નામના શખ્સે ગાંધીનગરની હદમાંથી આ વાહનમાં દારૂ ભરાવી આપ્યો હતો. અંજલિ ચાર રસ્તા પાસે અન્ય એક વ્યક્તિ આ વાહન સ્વીકારવા આવવાનો હતો.

એક ટ્રીપના 10 હજાર રૂપિયા મેળવતો હતો
વધુમાં એ પણ જાણવા મળ્યું છે કે પકડાયેલો ડ્રાઇવર એક ટ્રીપના 10 હજાર રૂપિયા મેળવતો હતો અને અગાઉ પણ તેણે આવી 2 થી 3 ખેપ મારી છે. ભૂતકાળમાં પણ આ આરોપી ગાંધીનગર વિસ્તારમાં સમાન પ્રકારના ગુનામાં પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો હોવાની વિગતો સામે આવી છે.




