અમદાવાદની એલ.જી. હોસ્પિટલમાં દુર્ઘટના: નવી બિલ્ડિંગની બાંધકામ સાઈટ પર દીવાલ ધરાશાયી થતા શ્રમિકનું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad LG Hospital Wall Collapse Laborer Death: અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી એલ.જી. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં એક કરુણ દુર્ઘટના બની છે. હોસ્પિટલ પરિસરમાં બની રહેલી નવી બિલ્ડિંગ પાસે માટી પુરાણનું કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન અચાનક બાજુની દીવાલ ધરાશાયી થતાં 27 વર્ષીય શ્રમિક તેની નીચે દબાઈ ગયો હતો, જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ઘટના અંગે મણિનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
માટીના દબાણથી એકાએક દીવાલ ધરાશાયી થઈ
મળતી વિગતો અનુસાર, મૂળ પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના યાદપુરના વતની અને હાલ એલ.જી. હોસ્પિટલ કમ્પાઉન્ડમાં રહીને મજૂરી કામ કરતા છુટન શુક્રુમાર મંડલ (ઉં.વ. ૨૭) મંગળવારે સવારે જૂની એલ.જી. હોસ્પિટલ કમ્પાઉન્ડમાં કડિયા કામ કરી રહ્યા હતા. સવારે આશરે 9 વાગ્યાના સુમારે નજીકમાં ચાલી રહેલા માટી પુરાણના કારણે બાજુની દીવાલ પર અચાનક દબાણ વધ્યું હતું, જેના કારણે દીવાલ એકાએક શ્રમિક છુટનભાઈ પર ધરાશાયી થઈ ગઈ હતી.
સારવાર મળે તે પહેલાં જ જીવ ગુમાવ્યો
દીવાલના કાટમાળ નીચે દબાઈ જતાં છુટનભાઈને શરીરે ગંભીર મૂઢમાર વાગતાં તેઓ બેભાન થઈ ઢળી પડ્યા હતા. ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. સાથી મજૂર ક્રિષ્ના તેમને તાત્કાલિક એલ.જી. હોસ્પિટલના આઈ.સી.યુ. (ICU) વોર્ડમાં લઈ ગયા હતા. જ્યાં તબીબોએ સઘન સારવાર શરૂ કરી હતી, પરંતુ ગંભીર ઈજાઓના કારણે સવારે 11 વાગ્યે તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી: કોન્ટ્રાક્ટરની બેદરકારી અંગે તપાસ
બનાવ અંગે હોસ્પિટલ ચોકીમાંથી મેસેજ મળતાં જ મણિનગર પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે મૃતકના પત્ની જુમાબેન વાગ્ચીનું વિગતવાર નિવેદન નોંધી, મૃતદેહનું ઇન્ક્વેસ્ટ પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. મણિનગર પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. જોકે, પોલીસ તપાસમાં માટી પુરાણ કે બાંધકામ દરમિયાન કોન્ટ્રાક્ટર કે સુરક્ષા સુવિધાઓમાં કોઈની બેદરકારી સામે આવશે તો તેમની સામે કડક ગુનાહિત કાર્યવાહી કરવામાં આવશે.




