વકીલો ક્લાયન્ટ મેળવવા હવે સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે : બાર કાઉન્સિલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News : સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કાળો કોટ પહેરીને પ્રમોશનલ રીલ્સ, ડ્રામેટિક વીડિયો અને ડિજિટલ પ્રચાર દ્વારા ક્લાયન્ટ્સ આકર્ષતા વકીલો વિરુદ્ધ સુપ્રીમકોર્ટે લાલ આંખ કરતાં આખરે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા વકીલો, કાયદાના વિદ્યાર્થીઓ, ઈન્ટર્ન અને કાનૂની ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સોશિયલ મીડિયા અને આવા પ્લેટફોર્મના ઉપયોગ અંગે 37 પાનાની કડક આચારસંહિતા સાથેનો પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. જેમાં વકીલો, લો સ્ટુડન્ટ્સ, ઈન્ટર્ન કે કાયદા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોનો પ્રમોશનલ રીલ્સ, ક્લાયન્ટ્સ મેળવવાના પ્રયાસો અને કોર્ટના વીડિયો પર સંપૂર્ણપણે પ્રતિબંધ ફરમાવી દેવાયો છે.
વકીલો માટે 37 પાનાની આચારસંહિતા
સોશિયલ મીડિયા કે એઆઈનો દૂરૂપયોગ કરનારા વકીલ સામે પગલા લેવાશે. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ આ પરિપત્ર દ્વારા સાફ જણાવી દીધું છે કે, આ આચારસંહિતાનો ભંગ કરનાર વકીલો, લો સ્ટુડન્ટ્સ, ઈન્ટર્ન કે કાયદાના ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો કે આવા કાળા કોટવાળા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ વિરુદ્ધ એડવોકેટ્સ એક્ટ હેઠળ શિસ્તભંગની આકરી કાર્યવાહી કરવામાં આવશે.
PIL બાદ સુપ્રીમ કોર્ટ કડક
દેશભરના વકીલો, લો સ્ટુડન્ટ્સ, ઈન્ટર્ન અને કાયદા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો પર લગામ કસતા બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના પરિપત્ર અંગે માહિતી આપતાં ગુજરાત બાર કાઉન્સિલના પૂર્વ ચેરમેન અને સિનિયર સભ્ય અનિલ સી. કેલ્લાએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર કાળો કોટ પહેરીને કે પ્રમોશનલ રીલ્સ, કાનૂની જાગૃતિ અને ડિજિટલ પ્રચાર દ્વારા ક્લાયન્ટ્સને આકર્ષતા વકીલો વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરતી અને વ્યવસાયિક ગેરવર્તણૂકનો મુદ્દો ઉઠાવતી સુપ્રીમકોર્ટમાં એક પીઆઈએલ થઈ છે, જેમાં સુપ્રીમકોર્ટે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને દેશની તમામ સ્ટેટ બાર કાઉન્સિલો પાસેથી જવાબ માંગ્યો છે. સુપ્રીમકોર્ટના કડક અને ગંભીર વલણને પગલે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા 37 પાનાની બહુ મહત્વની, ગંભીર અને કડક આચારસંહિતા સાથે એક પરિપત્ર જારી કર્યો છે. જે મુજબ, કાનૂની વ્યવસાય એ કોઈ જાહેરાતનું સાધન નહીં પરંતુ જાહેર સેવા છે., તેથી સોશિયલ મીડિયા પર વ્યક્તિગત પ્રચાર, ક્લાયન્ટ મેળવવાના પ્રયાસો અને કોર્ટ કાર્યવાહીનું સનસનાટીભર્યું પ્રદર્શન વ્યાવસાયિક નૈતિકતાનો ભંગ ગણાશે.
કોર્ટની રીલ્સ પણ થઇ રહી હતી વાઇરલ
બીસીઆઈએ એ વાતની બહુ ગંભીર નોંધ લીધી છે કે, છેલ્લા કેટલાક સમયમાં વકીલો, કાયદાના વિદ્યાર્થીઓ અને અન્ય લોકો દ્વારા કોર્ટ કાર્યવાહી અંગે રીલ્સ, ટૂંકા વીડિયો, સંપાદિત ક્લિપ્સ અને વ્યક્તિગત ટિપ્પણીઓ પોસ્ટ કરવાની વૃત્તિ વધી રહી છે. પસંદગીના દ્રશ્યોને કાપીને અથવા સંદર્ભ વિના રજૂ કરવાથી ન્યાયતંત્ર પ્રત્યે લોકોનો વિશ્વાસ ઘટી શકે છે અને ન્યાયાધીશો, વકીલો તથા પક્ષકારોની પ્રીતિ ને નુકસાન પહોંચી શકે છે. જેના કારણે આવી પ્રવૃત્તિઓ સામે કડક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. આ આચારસંહિતાના ચુસ્ત અમલીકરણ માટે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ દેશની તમામ સ્ટેટ બાર કાઉન્સિલોને ડિજિટલ એથિક્સ કમિટી રચવાના પણ નિર્દેશો અપાયા છે.
બાર કાઉન્સિલ દ્વારા વકીલો માટે આચારસંહિતા
- વકીલો કોર્ટ પરિસર, કોર્ટરૂમ, બારરૂમ અથવા ન્યાયિક ઈમારતોમાં રીલ્સ, વીડિયો કે પ્રમોશનલ ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી કરી શકશે નહીં.
- કોર્ટની કાર્યવાહીનું અનધિકૃત રેકોર્ડિંગ અથવા લાઈવ સ્ટ્રીમિંગના વીડિયો કાપીને સંગીત, વાઈસઓવર અથવા સનસનાટીભર્યા શીર્ષકો સાથે સોશિયલ મીડિયા પર મૂકવા પર પણ પ્રતિબંધ રહેશે.
- ક્લાયન્ટની ગુપ્ત માહિતી, કેસની વિગતો અથવા વિશેષાધિકાર પ્રાપ્ત દસ્તાવેજો જાહેર કરવાનું પણ અનૈતિક વર્તન ગણાશે.
- એઆઈના દૂરૂપયોગ નહીં કરવા પણ કડક તાકીદ.
- ડીપફેક, વાઈસ ક્લોનિંગ, નકલી ચુકાદા, ખોટા કાનૂની સંદર્ભી, બનાવટી સફળતાની વાર્તાઓ અથવા ન્યાયાધીશો અને વકીલોના એઆઈ આધારિત ભ્રામક ચિત્રો તૈયાર કરીને પ્રસારિત કરવું ગંભીર વ્યાવસાયિક ઉલ્લંઘન ગણાશે.
- વકીલો સોશિયલ મીડિયા પર ખાતરીપૂર્વક જીત અપાવવાના દાવા, પોતાની સફળતાનો વધારો પ્રચાર, અન્ય વકીલો કરતાં શ્રેષ્ઠ હોવાનો દાવો, ક્લિકબેટ શીર્ષકો અથવા ક્લાયન્ટને આકર્ષવાના કોઈપણ પ્રકારના પરોક્ષ પ્રયાસો કરી શકશે નહીં.
- આ પ્રકારની ઉપરોક્ત તમામ પ્રવૃત્તિઓ એડવોકેટ્સ એક્ટ અને વ્યવસાયિક આચારસંહિતાના ભંગ તરીકે લેવામાં આવશે.
- લૉ સ્ટુડન્ટ્સ પાસેથી એનરોલમેન્ટ તેમ જ ઈન્ટર્નશીપ વખતે ફરજિયાત બાંહેધરી લેવી પડશે
ફરિયાદોની તપાસ માટે ડિજિટલ પોર્ટલ શરૂ કરવા પણ નિર્દેશ
જો કોઈ વકીલ, લૉ સ્ટુડન્ટ્સ, ઈન્ટર્ન કે કાયદાના ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો વિરુદ્ધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના દૂરૂપયોગ કે ઉપરોક્ત આચારસંહિતાના ભંગ બદલની ફરિયાદ મળે તો આવી ફરિયાદોની તપાસ માટે એક ડિજિટલ પોર્ટલ પણ શરૂ કરવા માટે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ દેશની તમામ સ્ટેટ બાર કાઉન્સિલોને સૂચના આપી છે. જેમાં આવી ફરિયાદોની તપાસ કરી જો એડવોકેટ એક્ટ હેઠળ વ્યવસાયિક ગેરવર્તણૂકનો કેસ બનતો હોય તો આકરી શિક્ષાત્મક કાર્યવાહીની ભલામણ કરવામાં આવશે.









