Ahmedabad

અમદાવાદના રાંચરડામાં રૂ. 18 કરોડની જમીન છેતરપિંડી! ભાવ વધતાં માલિકો-દલાલોની દાનત બગડી; 7 સામે FIR

By GS Team
19 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ નજીક રાચરડા ગામમાં જમીન ખરીદીના નામે 50 વર્ષીય અશોકભાઈ વાસાણી સાથે કરોડોની છેતરપિંડી થઈ છે. 2023માં 24 કરોડમાં 6744 ચોરસ મીટર જમીનનો સોદો કરી, આરોપીઓએ 18.50 કરોડ રૂપિયા મેળવ્યા હતા. જોકે, ભાવ વધતા દસ્તાવેજ કરવાનો ઇનકાર કરી, નાણાં પરત ન આપવાની ધમકી આપી. આ મામલે 7 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના રાંચરડામાં રૂ. 18 કરોડની જમીન છેતરપિંડી! ભાવ વધતાં માલિકો-દલાલોની દાનત બગડી; 7 સામે FIR

Ahmedabad News : અમદાવાદ નજીક આવેલા રાચરડા ગામમાં જમીન ખરીદીના નામે કરોડો રૂપિયાની છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં પરિવાર સાથે રહેતા અને મૂળ કચ્છના માંડવીના વતની 50 વર્ષીય અશોકભાઈ ખીમજીભાઈ વાસાણી સાથે આ ઘટના ઘટી છે. તેઓ ખેતીકામ અને દાડમના વેપાર સાથે સંકળાયેલા છે. વર્ષ 2023માં તેમણે રાચરડા સીમના સર્વે નંબર 1018ની 6744 ચોરસ મીટર જમીનનો સોદો 24 કરોડ રૂપિયામાં નક્કી કર્યો હતો. જમીનના માલિકો અને દલાલોએ ભેગા મળીને વેચાણ લખાણ કર્યા બાદ હપ્તે હપ્તે ચેક અને રોકડ મારફતે કુલ 18.50 કરોડ રૂપિયા મેળવી લીધા હતા.

જમીનના ભાવ વધી જતાં દસ્તાવેજ કરી આપવાની ના પાડી

વેચાણ લખાણ સમયે જમીન માલિકોએ ટાઇટલ ક્લિયર કરી આપવાની અને જમીન એન.એ. કરાવવાની જવાબદારી લીધી હતી. જોકે, સમય જતાં રાચરડા વિસ્તારમાં જમીનના ભાવોમાં જંગી ઉછાળો આવતાં આરોપીઓની દાનત બગડી હતી. 18.50 કરોડ રૂપિયા મેળવી લીધા હોવા છતાં આરોપીઓએ અસંખ્ય બહાના બતાવીને દસ્તાવેજ કરી આપવાનું ટાળ્યું હતું અને સમય પસાર કરતા રહ્યા હતા.

શીલજ ખાતે મીટિંગ બોલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી

અંતે માર્ચ 2026માં શીલજ ખાતે આવેલા એક તબેલા પર મીટિંગ બોલાવવામાં આવી હતી. આ મીટિંગમાં જમીન માલિકો અને દલાલોએ સ્પષ્ટ જણાવી દીધું હતું કે તેઓ જમીનનો દસ્તાવેજ નહીં કરી આપે અને લીધેલા નાણાં પણ પાછા નહીં આપે. આ બાબતે જો વધુ વાત કરવામાં આવશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આથી ભોગ બનનાર વેપારીએ જમીન દલાલ ગીરીશભાઈ ભરવાડ અને અશોકભાઈ રબારી તથા જમીન માલિકો ઈશ્વરભાઈ રબારી, નાનુભાઈ દેસાઈ, જયરામભાઈ દેસાઈ, તખીબેન દેસાઈ અને કુંવરબેન રબારી સહિત 7 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.