અમદાવાદનું 1100 વર્ષ જૂનું ચમત્કારિક શિવાલય: જ્યાં માત્ર 1 કમળ ચઢાવવાથી અટકેલાં તમામ કામ થાય છે સિદ્ધ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Shravan 2026: અમદાવાદના સારંગપુર વિસ્તારમાં બિરાજમાન કર્ણમુક્તેશ્વર મહાદેવને શહેરના નગરદેવતા તરીકે પૂજવામાં આવે છે. આશરે 1100થી 1200 વર્ષ પ્રાચીન આ પવિત્ર શિવાલયની સ્થાપના પાટણના રાજા કર્ણદેવ સોલંકી દ્વારા કરવામાં આવી હતી, જેના નામ પરથી જ આ તીર્થસ્થાનનું નામ 'કર્ણમુક્તેશ્વર મહાદેવ' રાખવામાં આવ્યું છે. શ્રાવણ મહિનામાં ભગવાન ભોળાનાથની આરાધનાનું અનેરું મહત્ત્વ હોવાથી, શહેરના સૌથી જૂના આ પૌરાણિક મંદિરમાં ભક્તો આસ્થાભેર ઉમટી પડે છે અને દર્શનનો લાભ લે છે.
પૌરાણિક ઈતિહાસ અને અલૌકિક મણિની ગાથા
આ અતિ પ્રાચીન દેવાલય પોતાની ભવ્યતા અને પૌરાણિક ઈતિહાસ માટે જાણીતું છે. એક સમયમાં કર્ણમુક્તેશ્વર મહાદેવના શિવલિંગ ઉપર એક અલૌકિક મણિ જડેલો હતો, જોકે બાદમાં મોગલ આક્રમણખોરો દ્વારા તે મણિને ખંડિત કરી દેવામાં આવ્યો હતો. આ પરિસરમાં આજે પણ અનેક પૌરાણિક મૂર્તિઓ સાચવવામાં આવી છે. આ મંદિર સાથે ભક્તોની અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે. એવી માન્યતા છે કે જે પણ વ્યક્તિના અગત્યના કામો અટવાઈ પડ્યા હોય, તે જો અહીં આવીને દૂધ, બિલિપત્ર અને કમળ અર્પણ કરીને પૂજા-અર્ચના કરે છે, તેના તમામ કાર્યો મહાદેવની કૃપાથી સિદ્ધ થાય છે.
શ્રાવણ માસમાં રુદ્રી પાઠ અને વિશેષ પૂજન
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કર્ણમુક્તેશ્વર મંદિરમાં શિવભક્તિ અને મંત્રોચ્ચારનો ગુંજારવ જોવા મળે છે. આખો મહિનો અહીં દરરોજ અલગ-અલગ યજમાનો દ્વારા રુદ્રી પાઠ, લઘુ રુદ્ર, બિલિપત્ર સેવા, કમળ પૂજન અને મહામૃત્યુંજય મંત્રના જાપ તથા યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. વિશેષમાં, શ્રાવણના પ્રત્યેક સોમવારે સામાન્ય ભક્તો માટે નિઃશુલ્ક પૂજા-અર્ચના અને મહામૃત્યુંજય પાઠની વ્યવસ્થા કરવામાં આવે છે, જેનો બહોળી સંખ્યામાં શિવભક્તો લાભ લઈને ધન્યતા અનુભવે છે.









