Ahmedabad

અમદાવાદમાં રેલવે મુસાફરોની અગ્નિ પરીક્ષા! કાલુપુર સ્ટેશને સરસપુર ગેટ-2 પર નવો દાદરો શરૂ, પરંતુ 72 પગથિયાં ચઢવા પડશે!

By GS Team
14 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટ હેઠળ દક્ષિણ તરફની નવી બિલ્ડિંગમાંથી પ્લેટફોર્મ-1 પર જવા નવી એન્ટ્રી શરૂ થઈ છે. રિઝર્વેશન કાઉન્ટર અને ક્લોક રૂમ પણ ત્યાં ખસેડાયા છે. જોકે, બુલેટ ટ્રેન બિલ્ડિંગમાંથી પ્લેટફોર્મ સુધી પહોંચવા 72 પગથિયાં ચઢવા પડશે, જેથી સિનિયર સિટીઝનોને મુશ્કેલી પડશે. લિફ્ટ-એસ્કેલેટર શરૂ થયા બાદ રાહત મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં રેલવે મુસાફરોની અગ્નિ પરીક્ષા! કાલુપુર સ્ટેશને સરસપુર ગેટ-2 પર નવો દાદરો શરૂ, પરંતુ 72 પગથિયાં ચઢવા પડશે!

Ahmedabad Kalupur Railway Station Redevelopment: અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ દક્ષિણ તરફની નવી બિલ્ડિંગમાંથી પ્લેટફોર્મ નંબર-1 પર જવા માટે નવી એન્ટ્રી સુવિધા શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત રિઝર્વેશન કાઉન્ટર અને ક્લોક રૂમને પણ નવી બિલ્ડિંગમાં શિફ્ટ કરવામાં આવ્યાં છે. બીજી બાજુ, સરસપુર તરફ તૈયાર થઈ રહેલી બુલેટ ટ્રેનની મુખ્ય બિલ્ડિંગમાંથી પેસેન્જરોને પ્લેટફોર્મ સુધી પહોંચવા માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. હાલની એન્ટ્રી આગામી દિવસોમાં બંધ કરવામાં આવનાર છે તે પહેલાં આ બિલ્ડિંગમાં તૈયાર કરવામાં આવેલી સીડી પેસેન્જરો માટે ખુલ્લી મૂકવામાં આવી છે.

જો કે, બુલેટ ટ્રેનની મુખ્ય બિલ્ડિંગમાંથી પ્લેટફોર્મ તરફ જવા માટે બનાવવામાં આવેલી સીડીમાં લોકોને આશરે 72 પગથિયાં ચઢવાં પડશે. લિફ્ટ અને એસ્કેલેટરની સુવિધા હજી શરૂ ન થઈ હોવાથી સિનિયર સિટિઝન, મહિલાઓ અને વૃદ્ધ પેસેન્જરોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આગામી દિવસોમાં લિફ્ટ અને એસ્કેલેટરની સુવિધા શરૂ થયા બાદ પેસેન્જરોને રાહત મળશે.

રૂફ પ્લાઝા પરથી ફૂટ ઓવરબ્રિજ સુધી જવું પડશે

બુલેટ ટ્રેનની મુખ્ય બિલ્ડિંગમાંથી બનાવવામાં આવેલી સીડી નવી સ્ટેશન બિલ્ડિંગના રૂફ પ્લાઝા સુધી જાય છે. તેથી હાલના તબક્કે પેસેન્જરોએ સીડી ચઢીને રૂફ પ્લાઝા પર પહોંચ્યા બાદ ફરી ફૂટ ઓવરબ્રિજ સુધી જવું પડશે. ત્યાંથી તેઓ જે પ્લેટફોર્મ પર જવા માગતા હોય ત્યાં પહોંચી શકશે. આમ, નવી એન્ટ્રી શરૂ થતાં પેસેન્જરોને વૈકલ્પિક રસ્તો મળ્યો છે, પરંતુ પ્લેટફોર્મ સુધી પહોંચવા માટે હાલ વધારાની અવરજવર કરવી પડશે.

રિઝર્વેશન કાઉન્ટર અને ક્લોક રૂમ નવી બિલ્ડિંગમાં

સ્ટેશનના રિડેવલપમેન્ટ હેઠળ દક્ષિણ તરફની નવી બિલ્ડિંગમાં પ્લેટફોર્મ નંબર-1 પર જવા માટેની એન્ટ્રી શરૂ કરવાની સાથે રિઝર્વેશન કાઉન્ટર અને ક્લોક રૂમની સુવિધા પણ નવી જગ્યાએ ખસેડવામાં આવી છે. આથી પેસેન્જરોને ટિકિટ બુકિંગ અને સામાન રાખવા માટેની સુવિધા નવી બિલ્ડિંગમાં મળશે. સ્ટેશન પર નવી સુવિધાઓ શરૂ થવાથી પેસેન્જરોની અવરજવરને વ્યવસ્થિત બનાવવામાં મદદ મળશે.

સ્ટેશન પર ભીડ અને ટ્રાફિકની સમસ્યા ઘટવાની આશા

અમદાવાદ સ્ટેશનના રિડેવલપમેન્ટનો મુખ્ય હેતુ પેસેન્જરોની અવરજવરને સરળ બનાવવાનો અને સ્ટેશન પરની ભીડ ઘટાડવાનો છે. નવી બિલ્ડિંગમાં એન્ટ્રી, રિઝર્વેશન કાઉન્ટર અને ક્લોક રૂમની સુવિધા શરૂ થતાં પેસેન્જરોને વૈકલ્પિક વ્યવસ્થા મળી છે. નવી એન્ટ્રી અને બહાર નીકળવાના રસ્તાઓ વિકસિત થવાથી સ્ટેશન પર વાહનોની ભીડ અને ટ્રાફિકની સમસ્યા પણ ઘટવાની આશા છે. જોકે, બુલેટ ટ્રેનની મુખ્ય બિલ્ડિંગમાંથી પ્લેટફોર્મ સુધી પહોંચવા માટે હાલ 72 પગથિયાં ચઢવાં પડતાં હોવાથી લિફ્ટ અને એસ્કેલેટર શરૂ થાય ત્યાં સુધી પેસેન્જરો માટે મુશ્કેલી યથાવત્ રહેશે.