Ahmedabad

VIDEO| અમદાવાદ: ગ્રાહકોના નામના પ્રી-એક્ટિવેટેડ સિમ કાર્ડ ગુનેગારોને વેચતી ગેંગનો પર્દાફાશ, 108 સિમ સાથે 3 આરોપી ઝડપાયા

By GS Team
21 Aug 20264 mins read
TukuTouch Logo
અમદાવાદના કાગડાપીઠમાં પોલીસે 108 પ્રી-એક્ટિવેટેડ સિમ કાર્ડ અને 5 બાયોમેટ્રિક મશીન સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઉત્તરાખંડના હરિદ્વારથી આવેલા 2 આરોપીઓ ગ્રાહકોના ફિંગરપ્રિન્ટનો દુરુપયોગ કરી ગેરકાયદે સિમ કાર્ડ એક્ટિવ કરતા હતા. તેઓ આ સિમ કાર્ડ અમદાવાદના સ્થાનિક આરોપીને 800-1000 રૂપિયામાં વેચવા આવ્યા હતા. સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવેલી આ સિન્ડિકેટના મૂળ સુધી પહોંચવા પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO| અમદાવાદ: ગ્રાહકોના નામના પ્રી-એક્ટિવેટેડ સિમ કાર્ડ ગુનેગારોને વેચતી ગેંગનો પર્દાફાશ, 108 સિમ સાથે 3 આરોપી ઝડપાયા

Pre Activated SIM Card Racket Busts In Ahmedabad: અમદાવાદના કાગડાપીઠમાં પોલીસ પકડથી બચાવવા અને ખોટી ઓળખ ઊભી કરવાના આશયથી ચાલતા એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં પોલીસે 108 પ્રી-એક્ટિવેટેડ સિમ કાર્ડ અને 5 બાયોમેટ્રિક મશીન સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડના હરિદ્વારથી આવેલા બે આરોપીઓ ત્યાં ગ્રાહકોને છેતરીને તેમના ફિંગરપ્રિન્ટ દ્વારા ગેરકાયદે રીતે સિમ કાર્ડ એક્ટિવેટ કરતા હતા, જે તેઓ અમદાવાદના એક સ્થાનિક આરોપીને 800થી 1000 રૂપિયામાં વેચવા આવ્યા હતા. સોશિયલ મીડિયા દ્વારા કોન્ટેક્ટમાં આવેલી આ સિન્ડિકેટના મૂળ સુધી પહોંચવા અને અગાઉના ગુનાઓનો ભેદ ઉકેલવા પોલીસ હાલમાં આરોપીઓની વધુ તપાસ કરી રહી છે.

કાગડાપીઠ પોલીસે 108 પ્રિ-એક્ટિવેટેડ સિમ કાર્ડ અને 5 બાયોમેટ્રિક મશીન સાથે 3 આરોપીઓ ઝડપ્યા

આ અંગે પોલીસે જણાવ્યું કે, કાગડાપીઠ પોલીસ સ્ટેશનની ટીમને બાતમી મળી હતી કે અમુક ઇસમો પ્રી-એક્ટિવેટેડ સિમ કાર્ડ લઈને અહીં આવવાના છે, જેનો ઉપયોગ સાયબર ક્રાઇમ કે અન્ય ગુનાઓમાં થવાનો છે. આ પ્રાથમિક માહિતીના આધારે પોલીસે ઘટનાસ્થળે વોચ ગોઠવી હતી. જ્યારે બે શંકાસ્પદ વ્યક્તિઓ ત્યાં આવ્યા, ત્યારે તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસને આરોપી પાસેથી વોડાફોન આઈડિયા, જિયો અને એરટેલ કંપનીના કુલ 108 જેટલા પ્રી-એક્ટિવેટેડ સિમ કાર્ડ મળી આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાંથી એકનું નામ નહૂર અલી શમશાદ અલી રાવત છે અને બીજાનું નામ કાસિફ અલી મુઝફ્ફર શાહ રાવત છે, જેઓ ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાના વતની છે. તેઓ આ સિમ કાર્ડ અહીં ગુજરાતના સ્થાનિક રહેવાસી હરપાલસિંહ રાજેન્દ્રસિંહ પરમારને આપવા આવ્યા હતા.

અન્ય લોકોના નામે સિમ કાર્ડ મેળવવાનું મોટું ષડયંત્ર ઝડપાયું

આ ગુનાની પાછળનો મુખ્ય હેતુ એ હતો કે, આ સિમ કાર્ડ અન્ય રાજ્યોના એડ્રેસ પર એક્ટિવેટ કરેલા હોવાથી, જો તેનાથી કોઈ ગુનો આચરવામાં આવે તો લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ એટલે કે પોલીસ સરળતાથી અને ઝડપથી આરોપીઓ સુધી ન પહોંચી શકીએ. આ ઉપરાંત, સાયબર ગુનેગારો પોતાની અસલી ઓળખ છુપાવીને ગુનો કરી શકે તે માટે અન્ય લોકોના નામે સિમ કાર્ડ મેળવવાનું આ મોટું ષડયંત્ર હતું.

આરોપી 5 જેટલાં બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ ટેસ્ટિંગ મશીન સાથે રાખતા

આ સિમ કાર્ડ એક્ટિવેટ કરવા માટે તેઓ પોતાની સાથે 5 જેટલાં બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ ટેસ્ટિંગ મશીન પણ રાખતા હતા. હરિદ્વારના આરોપીઓ ત્યાં સિમ કાર્ડનું જ કામ કરતા હતા અને જ્યારે કોઈ ગ્રાહક તેમની પાસે સિમ કાર્ડ એક્ટિવેટ કરાવવા આવે, ત્યારે ભૂલ અથવા રિજેક્શનનું બહાનું બતાવીને ગ્રાહક પાસે બેથી ત્રણ વખત ફિંગરપ્રિન્ટ લઈ લેતા હતા અને આ રીતે તેઓએ કસ્ટમરના નામે કુલ 108 સિમ કાર્ડ ગેરકાયદે રીતે ભેગા કર્યા હતા.

એક સિમ કાર્ડ દીઠ 800થી 100 રૂપિયામાં વેચવાનું આયોજન

આ પાછળના આર્થિક પાસાની વાત કરીએ તો, હરિદ્વારથી આવેલા આ બંને આરોપીઓ એક સિમ કાર્ડ 800થી 1000 રૂપિયામાં વેચવાનું આયોજન કરીને આવ્યા હતા. જે વ્યક્તિ તેને ખરીદતો હતો, તે આગળ કસ્ટમરની જરૂરિયાત મુજબ અથવા કોઈ મોટી ગુનાહિત સિન્ડિકેટ હોય તો તેમની પાસેથી વધારે પૈસા પડાવીને 1500થી 2000 રૂપિયા કે તેથી વધુ કિંમતમાં પણ વેચી શકતો હતો. પકડાયેલા આરોપીઓનો શૈક્ષણિક અને વ્યવસાયિક પ્રોફાઇલ જોતાં, ઉત્તરાખંડના બંને આરોપીઓ માત્ર 10 પાસ કે 12 પાસ છે અને ત્યાં સિમ કાર્ડનું કામ કરે છે. જ્યારે અમદાવાદનો જે સ્થાનિક આરોપી હરપાલસિંહ છે, તે ખરેખર અહીં ખમણની લારી ચલાવે છે. આટલો સામાન્ય ધંધો કરતો વ્યક્તિ આ પ્રકારના ગેરકાયદે વ્યવસાયમાં કેવી રીતે અને શા માટે સંકળાયો તે દિશામાં પોલીસે તપાસ ચાલુ છે.

આ પણ વાંચો: ભાવનગર નકલી દારૂકાંડ મામલે જિગ્નેશ મેવાણીના આકરા પ્રહાર: કહ્યું, 'મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી રાજીનામું આપે'

પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું હતું કે, તેઓ સોશિયલ મીડિયાના માધ્યમો જેવા કે વોટ્સએપ, ટેલિગ્રામ અથવા ઈન્સ્ટાગ્રામ દ્વારા એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારની નક્કી કરેલી જગ્યાએ જ ડિલિવરી લેવા ઊભા રહ્યા હતા. જો કે, ફક્ત ઇન્ટરનેટના માધ્યમથી તેઓ સીધી રીતે આટલી મોટી સંખ્યામાં સિમ કાર્ડની લેવડદેવડ માટે જોડાઈ જાય તે વાત પોલીસને ગળે ઉતરતી નથી, તેથી આ પાછળના અસલી કારણો શોધવા તપાસ કરી શરૂ છે. આ લોકો છેલ્લા 1થી 2 વર્ષથી આ પ્રવૃત્તિમાં સક્રિય હોવાનું જણાય છે, તેથી આ ટ્રીક તેમને કોણે શીખવાડી, તેઓ અગાઉ કેટલી વાર અહીં આવ્યા છે અને આ સિમ કાર્ડ અન્ય કયા ગુનાઓમાં વપરાયા છે તેની વિગતો મેળવવી જરૂરી છે. આ સમગ્ર સિન્ડિકેટ અને તેની સાથે જોડાયેલા અન્ય આરોપીઓને પકડવા માટે આરોપીઓની ફર્ધર પોલીસ કસ્ટડી મેળવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.