અમદાવાદના ઈસનપુર-નારોલ-વિશાલા હાઈવે પર ટ્રાફિકથી લોકો ત્રાહિમામ, ડાયવર્ઝન-ખાડાથી વાહનચાલકો કંટાળ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Isanpur Narol Highway Traffic Jam: અમદાવાદના પૂર્વ વિસ્તારને પશ્ચિમ વિસ્તાર સાથે જોડતા ઈસનપુર-નારોલ-વિશાલા હાઈવે રોડ પર છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિકની સમસ્યા ગંભીર બની રહી છે. વહેલી સવારે, બપોરે અને ખાસ કરીને સાંજના પીક અવર્સ દરમિયાન હાઈવે પર ઠેર-ઠેર ટ્રાફિક જામ સર્જાતા વાહનચાલકો અને સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. બ્રિજ અને રસ્તાના ચાલી રહેલા નિર્માણકાર્ય, અચાનક અપાતા ડાયવર્ઝન, રસ્તા પરના ખાડા, ખોદકામ, બેરિકેડ્સ, અપૂરતી સ્ટ્રીટ લાઈટો અને સાઈન બોર્ડના અભાવને કારણે સ્થિતિ વધુ વિકટ બની હોવાનું લોકો જણાવી રહ્યા છે.
નારોલ બ્રિજથી ગ્યાસપુર ચોકડી સુધી ટ્રાફિકનો ભરાવો
ઈસનપુરથી નારોલ અને ત્યાંથી વિશાલા તરફ જતા મુખ્ય માર્ગ પર નારોલ બ્રિજથી લઈને ગ્યાસપુર ચોકડી સુધી અનેક સ્થળોએ ટ્રાફિક જામની સમસ્યા જોવા મળે છે. ગ્યાસપુર વિસ્તારમાં નેશનલ હાઈવે અને SP રિંગ રોડ તરફથી આવતા વાહનોનો પણ ભારે ધસારો રહે છે. જેના કારણે આ માર્ગ પર સ્થાનિક વાહનો ઉપરાંત અન્ય વિસ્તારો અને જિલ્લાઓમાંથી આવતા વાહનોનું ભારણ પણ વધે છે. નેશનલ હાઈવે પરથી વાહનો બરોડા એક્સપ્રેસ હાઈવે તરફ કનેક્ટ થતા હોવાથી આ માર્ગ પર ટ્રાફિકનું પ્રમાણ સતત ઊંચું રહે છે. અમદાવાદ ઉપરાંત અન્ય જિલ્લાઓના વાહનો પણ શહેર તરફ આવતાં હોવાથી પીક અવર્સમાં ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બની જાય છે.

પૂર્વ વિસ્તારથી પશ્ચિમ વિસ્તારમાં આવનારા લોકોને મુશ્કેલી
આ માર્ગ અમદાવાદના પૂર્વ વિસ્તારને પશ્ચિમ વિસ્તાર સાથે જોડતો મહત્વનો માર્ગ હોવાથી દરરોજ મોટી સંખ્યામાં લોકો તેનો ઉપયોગ કરે છે. નોકરી, ધંધો, વેપાર અને અન્ય કામકાજ માટે પૂર્વ વિસ્તારમાંથી પશ્ચિમ વિસ્તારમાં આવતા-જતા લોકો માટે વારંવાર સર્જાતો ટ્રાફિક જામ મુશ્કેલીનું કારણ બન્યો છે. નારોલથી વિશાલા સુધીના માર્ગ પર વાહનોની લાંબી કતારો જોવા મળતી હોવાની ફરિયાદો છે. બાઈક અને રિક્ષા ચાલકો તેમજ સ્થાનિક વાહનચાલકોનું કહેવું છે કે, ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે તે મોટો પ્રશ્ન છે.
બ્રિજના નિર્માણકાર્યને કારણે ઠેર-ઠેર ડાયવર્ઝન
હાલમાં ઓવરબ્રિજ અને રસ્તાના નિર્માણકાર્યને કારણે હાઈવે પર વિવિધ સ્થળોએ ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. અચાનક આપવામાં આવતા ડાયવર્ઝન અને રસ્તાની બદલાતી વ્યવસ્થાને કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. અગાઉ શાસ્ત્રી બ્રિજના રિપેરિંગના સમયગાળા દરમિયાન પણ લોકોને લાંબા સમય સુધી પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. એક સાઈડનો બ્રિજ લગભગ 6-6 મહિના સુધી ચાલુ રહેવાની સ્થિતિને કારણે વાહનચાલકો પર ટ્રાફિકનું વધારાનું ભારણ આવ્યું હતું. હવે ઓવરબ્રિજ અને રોડનું નિર્માણકાર્ય ચાલી રહ્યું હોવાથી ફરી એક વખત આ સમગ્ર રૂટ વાહનચાલકો માટે માથાનો દુખાવો બની ગયો છે.

પિરાણા ડંપિંગ સાઈટ પાસે પણ વાહનોનો ધસારો
પિરાણા ડંપિંગ સાઈટ નજીક પણ વાહનોનો ભારે ધસારો રહે છે. આ વિસ્તાર પહેલેથી જ ભારે વાહનવ્યવહાર ધરાવે છે, અને તેમાં નિર્માણકાર્ય તથા અન્ય વાહનોની અવરજવર ઉમેરાતા ટ્રાફિકની સ્થિતિ વધુ મુશ્કેલ બની રહી છે. ખાસ કરીને નેશનલ હાઈવે પર પીક અવર્સ દરમિયાન દરરોજ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હોવાની ફરિયાદો સામે આવી રહી છે.
ખાડા અને ખોદકામથી રસ્તાની સ્થિતિ બગડી
ટ્રાફિક જામની સાથે હાઈવેના રસ્તાઓ પર પડેલા મસમોટા ખાડા પણ લોકો માટે મોટી સમસ્યા બની રહ્યા છે. શાસ્ત્રી બ્રિજથી લઈને નારોલ સર્કલ સુધીના માર્ગ પર અનેક સ્થળોએ ખાડા અને ઉબડખાબડ રસ્તાને કારણે વાહનચાલકો પરેશાન છે. હાઈવેની બંને બાજુ ખોદકામ કરવામાં આવી રહ્યું હોવાથી રોડનું ધોવાણ થયું હોવાનું પણ લોકો જણાવી રહ્યા છે. વરસાદ દરમિયાન રસ્તા પર પાણી ભરાઈ જાય ત્યારે ખાડા અને રસ્તાની વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ દેખાતી નથી, જેના કારણે અકસ્માતનો ભય વધી જાય છે. લોકોનું કહેવું છે કે, માત્ર વરસાદના દિવસોમાં જ નહીં પરંતુ સામાન્ય દિવસોમાં પણ રસ્તાની હાલતને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
અચાનક બેરિકેડ્સથી વાહનચાલકોને શોર્ટ બ્રેક મારવી પડે છે
નિર્માણકાર્યને કારણે હાઈવે પર અનેક જગ્યાએ બેરિકેડ્સ મૂકવામાં આવ્યા છે. પરંતુ પૂરતી પૂર્વ સૂચના અને યોગ્ય સાઈન બોર્ડના અભાવને કારણે વાહનચાલકોને અચાનક બ્રેક મારવી પડે છે. ખાસ કરીને બહારથી આવતા વાહનચાલકો માટે માર્ગની દિશા અને ડાયવર્ઝન સમજવામાં મુશ્કેલી પડે છે. નારોલ બ્રિજ ચઢતી વખતે પણ યોગ્ય માર્ગદર્શનના અભાવને કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે.

રાત્રિના સમયે સ્ટ્રીટ લાઈટ અને નાઈટ ઈન્ડિકેશનનો અભાવ
રાત્રિના સમયે સમસ્યા વધુ ગંભીર બની જાય છે. રોડ અને ઓવરબ્રિજનું નિર્માણકાર્ય ચાલી રહ્યું હોવા છતાં, કેટલીક જગ્યાએ પૂરતી સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા ન હોવાનું લોકોનું કહેવું છે. બેરિકેડ્સ તો મૂકવામાં આવ્યા છે, પરંતુ રાત્રિના સમયે સ્પષ્ટ દેખાય તેવા નાઈટ ઈન્ડિકેશનનો અભાવ હોવાને કારણે વાહનચાલકો માટે જોખમ ઊભું થાય છે. સાઈન બોર્ડ, યોગ્ય લાઈટિંગ અને સ્પષ્ટ રસ્તો ન મળતા ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકોને મુશ્કેલી પડે છે. રાત્રે અંધારામાં રસ્તાની સ્થિતિ સ્પષ્ટ ન દેખાતી હોવાથી સ્પીડમાં જતા વાહનચાલકોને અકસ્માતનો સતત ભય રહે છે.
JCB અને ક્રેનની કામગીરીથી પણ ટ્રાફિકમાં વધારો
રસ્તા અને બ્રિજના નિર્માણકાર્યને કારણે રાત્રિના સમયે પણ ભારે વાહનોની અવરજવર ચાલુ રહે છે. JCB મશીનરી, ક્રેન સહિતની અન્ય ભારે મશીનરીની કામગીરીને કારણે માર્ગ પર વાહનોની ગતિ ધીમી પડે છે, અને ટ્રાફિકનું ભારણ વધે છે. એક તરફ સામાન્ય વાહનવ્યવહાર, બીજી તરફ નિર્માણકાર્યના વાહનો અને મશીનરી, આ બંનેના કારણે હાઈવે પર ટ્રાફિકનું સંચાલન વધુ પડકારજનક બની રહ્યું છે.

વાહનચાલકોની એક જ માગ, ટ્રાફિકનો કાયમી ઉકેલ ક્યારે?
બાઈક ચાલકો, રિક્ષા ચાલકો અને સ્થાનિક રહેવાસીઓની મુખ્ય માગ છે કે, આ માર્ગ પર ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે. બ્રિજ અને રોડનું નિર્માણકાર્ય જરૂરી હોવા છતાં કામગીરી દરમિયાન વાહનવ્યવહારને સરળતાથી ચાલુ રાખવા માટે યોગ્ય ટ્રાફિક પ્લાન, સ્પષ્ટ ડાયવર્ઝન, પૂરતા સાઈન બોર્ડ, સ્ટ્રીટ લાઈટ અને રાત્રિના સમયે દેખાય તેવા ઈન્ડિકેશનની વ્યવસ્થા કરવામાં આવે
લોકોનું કહેવું છે કે, વિકાસકાર્યના કારણે થોડા સમય માટે મુશ્કેલી સ્વાભાવિક છે, પરંતુ જો યોગ્ય આયોજન વગર લાંબા સમય સુધી રસ્તા પર ખોદકામ, ડાયવર્ઝન, બેરિકેડ્સ અને મશીનરી રહે તો રોજિંદા વાહનચાલકોની મુશ્કેલી અનેકગણી વધી જાય છે.
વરસાદમાં સ્થિતિ વધુ વિકટ બનવાની ભીતિ
હાલમાં રસ્તા પર રહેલા ખાડા, ઉબડખાબડ રોડ અને બંને બાજુ ચાલી રહેલા ખોદકામને જોતા વરસાદ દરમિયાન પરિસ્થિતિ વધુ મુશ્કેલ બનવાની શક્યતા છે. પાણી ભરાય ત્યારે રસ્તા પરના ખાડા દેખાતા ન હોવાથી વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ વધી શકે છે. આ ઉપરાંત પાણી ભરાવા અને રસ્તાના ધોવાણને કારણે વાહનોની ગતિ વધુ ધીમી પડે તો પહેલેથી જ ભારે રહેતો ટ્રાફિક વધુ લાંબો સમય જામ થઈ શકે છે.
ઈસનપુર-નારોલ-વિશાલાના રહીશોની એકજ માગ
ઈસનપુર-નારોલ-વિશાલા હાઈવે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોને જોડતો મહત્વનો માર્ગ છે. નારોલ બ્રિજથી ગ્યાસપુર ચોકડી, પિરાણા ડંપિંગ સાઈટથી વિશાલા સુધી ટ્રાફિકનો સતત ધસારો, બ્રિજ અને રોડનું નિર્માણકાર્ય, ડાયવર્ઝન, ખાડા, ખોદકામ, બેરિકેડ્સ, સ્ટ્રીટ લાઈટ અને સાઈન બોર્ડની સમસ્યાઓને કારણે લોકોની મુશ્કેલી વધી રહી છે. વાહનચાલકો અને સ્થાનિકોની હવે એક જ માગ છે,નિર્માણકાર્ય ઝડપથી પૂર્ણ થાય અને ત્યાં સુધી યોગ્ય ટ્રાફિક વ્યવસ્થા કરવામાં આવે, જેથી પૂર્વ વિસ્તારના લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી કાયમી છૂટકારો મળે.









