Ahmedabad

વીમા કંપનીના મોટા ખેલનો પર્દાફાશ: પોલિસીમાં ન હોય તેવી કલમ બતાવી ખેડૂતનો દાવો ફગાવ્યો, કોર્ટે ₹4 લાખ ચૂકવવા કર્યો હુકમ!

By GS Team
13 Jul 20263 mins read
TukuTouch Logo
રાજ્ય ગ્રાહક આયોગે બોટાદના ખેડૂત બુધાભાઈ ગાબુના વીજ કરંટથી થયેલા મૃત્યુ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જૂન-2016માં ખેડૂતનું મૃત્યુ થતા, PGVCL દ્વારા ગેરકાયદે જોડાણનો આક્ષેપ કરી વીમા કંપનીએ 4 લાખનો દાવો ફગાવ્યો હતો. આયોગે નોંધ્યું કે પોલિસીમાં આવી કોઈ કલમ જ ન હોવાથી, વીમા કંપનીની અપીલ ફગાવી, 4 લાખ 7% વ્યાજ સાથે ચૂકવવા અને 10,000 કાનૂની ખર્ચ પેટે આપવા આદેશ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વીમા કંપનીના મોટા ખેલનો પર્દાફાશ: પોલિસીમાં ન હોય તેવી કલમ બતાવી ખેડૂતનો દાવો ફગાવ્યો, કોર્ટે ₹4 લાખ ચૂકવવા કર્યો હુકમ!

Botad Farmer Compensation PGVCL Electrocution Case: રાજ્ય ગ્રાહક વિવાદ નિવારણ આયોગે ગ્રાહકો અને ખેડૂતોના હિતમાં એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. આયોગે સ્પષ્ટ કર્યું છે કે, વીમા કંપનીઓ કોઈ નક્કર કે કાયદેસરના પુરાવા વિના ગ્રાહકોના વીમા દાવા ફગાવી શકે નહીં. પોલિસીમાં જે જોગવાઈ અસ્તિત્વમાં જ ન હોય, તેનો આધાર લઈને દાવો નકારવો એ સેવામાં ગંભીર ખામી ગણાય. આ ટકોર સાથે રાજ્ય આયોગે વીમા કંપનીની અપીલ ફગાવીને જિલ્લા ગ્રાહક આયોગના આદેશને યથાવત રાખ્યો છે.

શું હતો સમગ્ર મામલો?

મૂળ બોટાદ (અગાઉ ભાવનગર) જિલ્લાના ગઢડા તાલુકાના રામપરા ગામના ખેડૂત બુધાભાઈ રણછોડભાઈ ગાબુનું જૂન-2016માં વીજ કરંટ લાગવાથી કરૂણ મૃત્યુ થયું હતું. ગઢડા કૃષિ ઉપજ બજાર સમિતિ (APMC) દ્વારા ખેડૂત ખાતેદારો માટે જૂથ અકસ્માત વીમા પોલિસી લેવામાં આવી હતી. આ પોલિસી અંતર્ગત મૃતક ખેડૂતના વારસદારોને રૂ. 4 લાખનો વીમો મળવાપાત્ર હતો. જોકે, વીમા કંપનીએ એવો આક્ષેપ કર્યો હતો કે મૃતક ખેડૂતે ગેરકાયદે વીજ જોડાણ લીધું હતું, તેથી પોલિસીની અપવાદરૂપ જોગવાઈ મુજબ આ દાવો મંજૂર કરી શકાય નહીં તેમ કહી ક્લેમ ફગાવી દીધો હતો.

કઈ રીતે બની હતી ઘટના?

જૂન-2016માં ખેડૂત બુધાભાઈ ગાબુ પોતાના ઘરની અગાસી પર પાણીનો છંટકાવ કરી રહ્યા હતા. આ દરમિયાન ઇલેક્ટ્રિક મોટર સાથે જોડાયેલી પાઇપ નીકળી જતાં, તેને ફરીથી ફિટ કરવાનો પ્રયાસ કરતી વખતે તેમને અચાનક વીજ કરંટ લાગ્યો હતો. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસ પંચનામું અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સહિતના તમામ સરકારી દસ્તાવેજોમાં આ મૃત્યુ અકસ્માતજન્ય હોવાનું સાબિત થયું હતું.

વીમા કંપનીની પોલ ખુલી: પોલિસીમાં કલમ જ નહોતી!

જિલ્લા ગ્રાહક આયોગના મેમ્બર જજ પ્રિતી શાહ અને પ્રિસાઇડીંગ મેમ્બર એ.સી. રાવલે અગાઉ ખેડૂત પરિવારની તરફેણમાં ચુકાદો આપીને વીમા કંપનીને રૂ. 4 લાખ સાત ટકાના વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ કર્યો હતો. આ આદેશ સામે વીમા કંપનીએ રાજ્ય આયોગમાં અપીલ કરી હતી.

રાજ્ય ગ્રાહક આયોગે સુનાવણી દરમિયાન નોંધ્યું કે, પોલીસ પંચનામું અને પીએમ રિપોર્ટ અકસ્માતની પુષ્ટિ કરે છે. વીમા કંપનીએ દાવો ફગાવવા માટે જે 'એક્સક્લુઝન (એચ)' કલમનો ઉલ્લેખ કર્યો હતો, તેવી કોઈ કલમ મૂળ વીમા પોલિસીમાં અસ્તિત્વમાં જ નથી! વીમા કંપનીએ રજૂ કરેલા પીજીવીસીએલ (PGVCL)ના પંચનામાને આયોગે રેકોર્ડ પર લેવાનો ઇનકાર કર્યો હતો.

આ પણ વાંચો: પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો આતંક: 3 બાળકોના મોતથી ફફડાટ, 13 શંકાસ્પદ કેસ સામે આવતા 24 ગામોમાં સર્વેલન્સ શરૂ

કોર્ટની મહત્ત્વની ટકોર: ગુનાહિત ઇરાદો સાબિત કરવો જરૂરી

રાજ્ય આયોગે ચુકાદામાં મહત્ત્વપૂર્ણ અવલોકન કરતાં જણાવ્યું હતું કે, પોલિસીની અપવાદરૂપ જોગવાઈઓ લાગુ કરવા માટે માત્ર કાયદાનો ટેકનિકલ ભંગ પૂરતો નથી, પરંતુ તેની પાછળ વ્યક્તિનો ગુનાહિત ઇરાદો સાબિત કરવો પણ જરૂરી છે. આ કેસમાં વીમા કંપની આવો કોઈ પુરાવો રજૂ કરી શકી નથી, તેથી કંપનીનો ઇનકાર કાયદેસર રીતે ટકી શકે તેમ નથી.

અપીલ ફગાવી, વધારાનો દંડ ફટકાર્યો

અંતે, રાજ્ય ગ્રાહક આયોગે વીમા કંપનીની અપીલને સદંતર ફગાવી દીધી છે અને જિલ્લા આયોગના વળતરના આદેશને બહાલ રાખવાની સાથે, ફરિયાદી ખેડૂત પરિવારને કાનૂની ખર્ચ પેટે વધારાના રૂ.10,000 ચૂકવવાનો પણ વીમા કંપનીને આદેશ કર્યો છે. આ ચુકાદાથી ગ્રાહકોના અધિકારો વધુ મજબૂત થયા છે.