અમદાવાદમાં ફટાકડા ફોડવા બાબતે મહિલા PSI અને સોસાયટીના રહીશો વચ્ચે બબાલ બાદ મારામારી, એકબીજા પર ગંભીર આક્ષેપો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Woman PSI Society Dispute : અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં દિવાળીના ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે મહિલા PSI અને સોસાયટીના રહીશો વચ્ચે વિવાદ ઉગ્ર બન્યો હોવાની ઘટના સામે આવી છે. અખબારનગર સોસાયટીમાં કાર પર ફટાકડાથી નુકસાન થવાના મુદ્દે શરૂ થયેલો વિવાદ ગાળાગાળી અને મારામારી સુધી પહોંચ્યો હોવાના આક્ષેપ થયા છે. આ મામલે સોસાયટીના રહીશો અને મહિલા PSIએ એકબીજા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. બંને પક્ષે વાડજ પોલીસ સ્ટેશનમાં અરજી આપતાં પોલીસે તપાસ શરૂ કરી છે.
સોસાયટીના હોદ્દેદારોએ PSI પર રોફ જમાવવાનો આક્ષેપ કર્યો
સોસાયટીના રહીશો અને હોદ્દેદારોએ પોલીસને આપેલી અરજીમાં જણાવ્યું છે કે, ગાંધીનગર CID ક્રાઇમ રેલવેમાં ફરજ બજાવતાં PSI કલ્પનાબેન ચુડાસમા સાથે ફટાકડા ફોડવા બાબતે વિવાદ થયો હતો. એક રહીશે નુકસાનની ભરપાઈ કરવાની બાંહેધરી પણ આપી હતી. જોકે, ત્યારબાદ PSI સોસાયટીની ઓફિસમાં પહોંચ્યાં હતાં અને હોદ્દેદારો સાથે ગાળાગાળી કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હોવાનો આક્ષેપ છે. આ ઉપરાંત મહિલા રહીશો સાથે ઝપાઝપી અને મારામારી કરી હોવાની પણ અરજીમાં રજૂઆત કરવામાં આવી છે.
PSIનો વળતો આક્ષેપ, છાતી પર હુમલો કર્યાનો દાવો
બીજી તરફ મહિલા PSI કલ્પનાબેન ચુડાસમાએ જણાવ્યું હતું કે, તેમની કાર પાછળ ફટાકડા ફોડવામાં આવતા તેમણે શાંતિથી દૂર જઈને ફટાકડા ફોડવા કહ્યું હતું. જોકે, હિરલ પટેલ અને તેમના પતિ દેવાંગ પટેલે ફટાકડા ફોડવાનું ચાલુ રાખ્યું હતું. નુકસાનની ભરપાઈ પણ કરવામાં આવી નહોતી. બીજા દિવસે બંને તેમની સાથે ઝઘડો કરવા આવ્યા હતા અને દેવાંગ પટેલે તેમના ઘર આગળ છાતી પર હાથ મારી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. PSIના જણાવ્યા અનુસાર, આ ઘટના બાદ તેમણે 112 નંબર પર ફોન કર્યો હતો અને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. એક્સ-રેમાં ઈજા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
PSIએ જ વિધિવત ફરિયાદ નહીં નોંધાવ્યાના અહેવાલ
સોસાયટીના અન્ય નાગરિકોના જણાવ્યાનુસાર, રહીશો નુકસાનની રકમ ચૂકવવા તૈયાર હતા અને તેમણે CCTV ફૂટેજની મદદની પણ ખાતરી આપી હતી. તેમ છતાં PSIએ તેમની સાથે ગાળાગાળી કરી અને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હોવાનો તેમનો આક્ષેપ છે. તેમણે પોતાની પાસે CCTV ફૂટેજ હોવાનો પણ દાવો કર્યો છે. હાલ વાડજ પોલીસના જણાવ્યા અનુસાર, સોસાયટીના રહીશો અને સેક્રેટરી તરફથી અરજી મળી છે. જ્યારે મહિલા PSIએ હજુ સુધી વિધિવત ફરિયાદ નોંધાવી નથી.




