Ahmedabad

'બિલ નહીં ભરો તો ગેસ કનેક્શન કપાશે...' સાયબર ફ્રોડની જાળમાં ફસાયા વધુ એક અમદાવાદી વેપારી, 10.12 લાખ ગુમાવ્યા

By GS Team
20 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના વાસણામાં એક મેન્યુફેક્ચરિંગ વેપારી, 51 વર્ષીય જીગ્નેશ શાહ, સાયબર ફ્રોડનો શિકાર બન્યા. તેમને ગેસ બિલ અપડેટ કરવાના બહાને વોટ્સએપ પર ધમકીભર્યો મેસેજ મળ્યો. લિંક ઓપન ન કરવા છતાં, હેકરે તેમના મોબાઇલનો એક્સેસ મેળવી જુદા-જુદા બેંક ખાતાઓમાંથી કુલ 10.12 લાખ રૂપિયા ઉપાડી લીધા. આ અંગે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'બિલ નહીં ભરો તો ગેસ કનેક્શન કપાશે...' સાયબર ફ્રોડની જાળમાં ફસાયા વધુ એક અમદાવાદી વેપારી, 10.12 લાખ ગુમાવ્યા

Ahmedabad Cyber Crime: અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણાં દિવસોથી છાસવારે ગેસ બિલ અપડેટ કરવાનું કહીને હેકર દ્વારા લોકોના ખાતા ખાલી કરવામાં આવી રહ્યા છે. જેમાં સૌથી વધુ વેપારી, આધેડ અને વૃદ્ધો શિકાર થતાં હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે આવી જ વધુ એક ઘટનામાં વાસણામાં રહેતા એક મેન્યુફ્રેક્ચરિંગના વેપારીએ 10.12 લાખ રૂપિયા ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં હેકરે વોટ્સએપ પર ગેસનું બિલ બાકી હોવાથી ગેસ કનેક્શન કાપી નાખવાની ધમકી આપતો મેસેજ કર્યો હતો. વેપારીએ ગભરાઈને ઓનલાઈન બિલ ભરી દીધું અને હેકરે મોકલેલી કોઈ લિંક ખોલી ના હોવા છતાં તેમના મોબાઈલનો એક્સેસ લઈને જુદા-જુદા બેન્ક ખાતાઓમાંથી કુલ 10.12 ઉપાડી લીધા હતા.

ગેસનો લોગો અને કનેક્શન કાપવાની ધમકી આપી

મળતી માહિતી અનુસાર, વાસણામાં રહેતા 51 વર્ષીય જિગ્નેશ શાહને આઠમી સપ્ટેમ્બરે બપોરે મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ આવ્યો હતો. આ નંબરના પ્રોફાઈલ પિક્ચરમાં ગેસ કંપનીનો લોગો હતો અને મેસેજમાં લખ્યું હતું કે, 'અગાઉનું બિલ અપડેટ ના હોવાથી રાત્રે ગેસ કનેક્શન કાપી નાખવામાં આવશે. આ માટે બિલ અપડેટ ઓફિસર મિસ્ટરના મોબાઈલ નંબર પર કોન્ટેક્ટ કરવો.'

બિલ ભરી દીધું અને લિંક ખોલવાની ના પાડી

આ પછી જિગ્નેશ શાહના ઘરે ગેસનું કનેક્શન હોવાથી તેમને આ મેસેજ પર વિશ્વાસ આવી ગયો હતો. તેણે ઓનલાઈન પોતાનું 1851 રૂપિયાનું બિલ ભરી દીધું હતું અને તેનો મેસેજ આપેલા વોટ્સએપ નંબર પર મોકલ્યો હતો. ત્યાર બાદ જિગ્નેશે મેસેજમાં આપેલા નંબર પર મિસ્ટરને ફોન કરીને બિલ ભર્યાની જાણ કરી અને મારું કનેક્શન કટ ના કરતા એવું કહ્યું તે પછી હેકરે કહ્યું હતું કે, હું તને એક લિંક મોકલું છું જેના પર તમે બિલ અપડેટ કરી લો. ત્યારબાદ જિગ્નેશે લિંક ખોલવાની ના પાડીને ફોન કાપી નાખ્યો હતો. આ પછી તેણે મોકલાવેલી કોઈપણ લિંક ઓપન કરી ન હતી.

લિંક ન ખોલી છતાં મોબાઈલ હેક કરી 10.12 લાખ ઉપાડી લીધા

લિંક ઓપન ન કરી હોવા છતાં ફોન કર્યાના લગભગ દોઢ કલાક બાદ હેકરે ફરિયાદીના મોબાઈલનો એક્સેસ લઈ લીધો હતો. આ પછી ફરિયાદીને બેન્ક એકાઉન્ટમાંથી પહેલા 5 લાખ ડેબિટ થયાનો મેસેજ આવ્યો હતો. તેઓ ઘરની નીચે આવેલી બેન્ક બ્રાંચમાં એકાઉન્ટ બ્લોક કરાવવા જઈ રહ્યા હતા, ત્યારે ખાતામાંથી વધુ 5 લાખ ઉપડી ગયા હતા. તેઓ બેન્કમાં હાજર હતા તે વખતે બીજા 10 હજાર અને અન્ય એકાઉન્ટમાંથી 12,210 રૂપિયા ઉપડી ગયા હતા. આમ, હેકરે કુલ 10,12,210 ટ્રાન્સફર કરી લીધા હતા. આ પછી ફરિયાદીએ તરત જ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર ફોન કરી ફરિયાદ નોંધાવી હતી અને ફોન ફોર્મેટ કરી દીધો હતો. એ પછી ગત 18મી સપ્ટેમ્બરે ડેબિટ થયેલી રકમમાંથી 10,000 તેમના એકાઉન્ટમાં પાછા આવ્યા હતા.