Ahmedabad

અમદાવાદ: હોટલ હયાતને 2 કોફી પર ખોટો સર્વિસ ચાર્જ અને GST વસૂલવો ભારે પડ્યો, ગ્રાહકને રૂ. 4,040નું વળતર ચૂકવવા આદેશ

By GS Team
14 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદની હોટેલ હયાતને ગેરકાયદે સર્વિસ ચાર્જ અને GST વસૂલવો મોંઘો પડ્યો છે. વસ્ત્રાપુરમાં આવેલી આ હોટેલે બે કોફી પર ગ્રાહક રોહિત પટેલ પાસેથી રૂ. 40.50 વધુ લીધા હતા. ગ્રાહક પંચે હોટેલને વસૂલેલી રકમ 9% વ્યાજ સાથે પરત કરવા અને માનસિક યાતના તથા કાનૂની ખર્ચ પેટે રૂ. 4,040, 30 દિવસમાં ચૂકવવાનો આદેશ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: હોટલ હયાતને 2 કોફી પર ખોટો સર્વિસ ચાર્જ અને GST વસૂલવો ભારે પડ્યો, ગ્રાહકને રૂ. 4,040નું વળતર ચૂકવવા આદેશ

Hyatt Ahmedabad Fined Penalty For Illegal Coffee Service Charges: અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલી જાણીતી 'હોટલ હયાત'ને બે કોફી પર ગેરકાયદે રીતે સર્વિસ ચાર્જ અને GST વસૂલવો ભારે પડ્યો છે. અમદાવાદ ગ્રામ્ય જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ પંચે હયાત હોટલનું આ પગલું અયોગ્ય ઠેરવ્યું છે. ગ્રાહક પંચે હોટલ સત્તાવાળાઓને વસૂલેલી રકમ વ્યાજ સાથે પરત કરવા તેમજ ગ્રાહકને થયેલી માનસિક યાતના અને કાનૂની ખર્ચ પેટે આગામી 30 દિવસમાં રૂ.4,040 વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.

શું હતો સમગ્ર મામલો?

સાયન્સ સિટી રોડ પર આવેલા સપ્તક બંગ્લોઝમાં રહેતા રોહિત પટેલ 11 સપ્ટેમ્બર 2025ના રોજ બપોરે વસ્ત્રાપુરની હોટલ હયાતમાં ગયા હતા, જ્યાં તેમણે બે કોફીનો ઑર્ડર આપ્યો હતો. અહીં બે કોફીના રૂ. 854ના બિલમાં તેમની પાસે રૂ. 62 GST અને રૂ. 34.50 સર્વિસ ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. હોટલ દ્વારા ખોટી રીતે નફાખોરી કરીને વસૂલેલા આ ચાર્જ સામે તેમણે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ પંચમાં ફરિયાદ નોંધાવી હતી.

હોટલ પ્રતિનિધિ હાજર નહીં રહેતા હુકમ

ગ્રાહક પંચે હોટલ સત્તાવાળાઓને નોટિસ મોકલી હોવા છતાં, હોટલ તરફથી કોઈ પ્રતિનિધિ હાજર થયો નહોતો. તેથી પંચે આ કેસની સુનાવણી એકતરફી ચલાવવાનો નિર્ણય લીધો હતો.

કમિશનનું અવલોકન અને ચુકાદો

આ કેસમાં ગ્રાહક પંચે ફરિયાદી દ્વારા રજૂ કરાયેલા પુરાવા અને દિલ્હી હાઇકોર્ટના ચુકાદાનું મૂલ્યાંકન કર્યા બાદ હુકમ કર્યો હતો કે, હોટલ દ્વારા ગેરવ્યાજબી વસૂલાયેલા સર્વિસ ચાર્જના રૂ.34.50 અને GSTના રૂ. 6 (કુલ રૂ. 40.50) 9% વ્યાજ સાથે ગ્રાહકને પરત કરવા. આ ઉપરાંત આવા અયોગ્ય વ્યાપારી ગણિતના કારણે ગ્રાહકને થયેલી માનસિક યાતનાના વળતર પેટે રૂ. 2,000 અને કાનૂની ખર્ચ પેટે રૂ. 2,000 પણ ચૂકવવા. આમ, હોટલ સત્તાવાળાઓને આદેશ કરાયો છે કે, ગ્રાહકને કુલ રૂ.4,040 ચૂકવવા.

કન્ઝ્યુમર વેલ્ફેર ફંડ અંગે પંચની સ્પષ્ટતા

આ ફરિયાદીએ હોટલ પાસે રૂ. 1 લાખ કન્ઝ્યુમર વેલ્ફેર ફંડમાં જમા કરાવવાની પણ માગ કરી હતી. ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019ની કલમ-39(1)(k) મુજબ, જ્યારે મોટા પ્રમાણમાં ગ્રાહકોને નુકસાન થયું હોય ત્યારે પંચ આવો આદેશ કરી શકે છે.

નોંધનીય છે કે, આ કિસ્સામાં હોટલે અગાઉ કેટલા ગ્રાહકો પાસેથી આ રીતે ચાર્જ વસૂલ્યા છે અને કેટલા ગ્રાહકો અસરગ્રસ્ત થયા છે, તેના કોઈ વિશ્વસનીય પુરાવા નથી. તેથી પંચે આ દાદ મંજૂર કરી નહોતી.