Ahmedabad

VIDEO: બાળકોને લોલીપોપ અપાવતા પહેલા વિચારજો! અમદાવાદના હીરાવાડીમાં ગેરકાયદે ચાલતું યુનિટ સીલ, 1,500 કિલો જથ્થો જપ્ત

By GS Team
10 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં AMCના આરોગ્ય વિભાગે હીરાવાડી વિસ્તારમાં 'મનન ફૂડ' કન્ફેક્શનરી ફેક્ટરી પર દરોડો પાડી સીલ માર્યું છે. નરેશભાઈ મંગવાણી દ્વારા સંચાલિત આ એકમ રિટેલર લાયસન્સ હેઠળ ગેરકાયદે લોલીપોપ અને શુગર બોઈલ્ડ કન્ફેક્શનરીનું ઉત્પાદન કરતું હતું. અસ્વચ્છતા, કામદારોમાં સુરક્ષા સાધનોનો અભાવ અને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ ન હોવાને કારણે ₹4.5 લાખનો 1,500 કિલોગ્રામ જથ્થો જપ્ત કરી, એકમ સીલ કરાયું.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: બાળકોને લોલીપોપ અપાવતા પહેલા વિચારજો! અમદાવાદના હીરાવાડીમાં ગેરકાયદે ચાલતું યુનિટ સીલ, 1,500 કિલો જથ્થો જપ્ત

Ahmedabad Hirawadi Lollipop Unit Sealed AMC Raid: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના હેલ્થ અને ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરતા ખાદ્ય પદાર્થોના એકમો સામે ઝુંબેશ તેજ કરવામાં આવી છે. જે અંતર્ગત શહેરના હીરાવાડી વિસ્તારમાં આવેલી 'મનન ફૂડ' નામની કન્ફેક્શનરી ફેક્ટરીમાં અચાનક ચેકિંગ હાથ ધરીને ગંભીર બેદરકારી બદલ એકમને સીલ કરી દેવામાં આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન ₹4.5 લાખની કિંમતનો 1,500 કિલોગ્રામ લોલીપોપ અને શુગર બોઈલ્ડ કન્ફેક્શનરીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

અમદાવાદના હીરાવાડીમાં લોલીપોપનું યુનિટ સીલ

AMC ફૂડ વિભાગની ટીમે હીરાવાડી સ્થિત નરેશભાઈ ઘનશ્યામભાઈ મંગવાણી દ્વારા સંચાલિત 'મનન ફૂડ' એકમ પર દરોડો પાડ્યો હતો. આ યુનિટમાં સુગર બોઈલ્ડ કન્ફેક્શનરી અને મિક્સ્ડ ફ્લેવર ધરાવતી લોલીપોપ બનાવવામાં આવતી હતી. જોકે, તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે સંચાલક પાસે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ માત્ર 'રિટેલર' (છૂટક વેચાણ)નું લાયસન્સ હતું, જેની આડમાં કોઈપણ જરૂરી મંજૂરી કે મેન્યુફેક્ચરિંગ લાયસન્સ લીધા વિના ગેરકાયદે રીતે મોટો ઉત્પાદન એકમ ચલાવવામાં આવતો હતો.

તપાસ ટીમ જ્યારે ફેક્ટરીની અંદર પ્રવેશી ત્યારે ખાદ્ય સુરક્ષાના તમામ નિયમોના ધજાગરા ઊડતા જોવા મળ્યા હતા.
અસ્વચ્છતા: પ્રોડક્શન યુનિટની અંદર ચારેય તરફ ભારે ગંદકી અને કચરો જોવા મળ્યો.
સુરક્ષા સાધનોનો અભાવ: લોલીપોપ બનાવતા કામદારોએ માથા પર કેપ, એપ્રન કે ગ્લોવ્ઝ(હાથના મોજા) જેવા પ્રાથમિક સુરક્ષા સાધનો પહેર્યા નહોતા.
મેડિકલ ફિટનેસ નથી: ખાદ્ય પદાર્થો બનાવતા કામદારોના ફરજિયાત મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ પણ તંત્ર સમક્ષ રજૂ કરવામાં આવ્યા નહોતા.

₹4.5 લાખનો માલ જપ્ત, એકમ સીલ

જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને AMCની ટીમે ફૂડ સેફ્ટી એક્ટના શિડ્યુલ-4ના ભંગ બદલ મનન ફૂડને તાત્કાલિક અસરથી સીલ કરી દીધું છે. આ સાથે સ્થળ પરથી રૂ.4.5 લાખની કિંમતનો 1,500 કિલોગ્રામ જેટલો શુગર બોઈલ્ડ કન્ફેક્શનરી અને લોલીપોપનો જથ્થો વેચાણ અર્થે જતો અટકાવીને જપ્ત કરવામાં આવ્યો છે.

AMC ફૂડ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં પણ શહેરભરમાં ખાદ્ય પદાર્થોના ઉત્પાદકો અને વેપારીઓ ત્યાં લાયસન્સ તથા સ્વચ્છતાના ધોરણો અંગે સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ રાખવામાં આવશે.