અમદાવાદમાં હિંમતલાલ પાર્ક BRTS બસ સ્ટેન્ડમાં મહિલાઓની હાજરીમાં ગાળો બોલનાર કર્મચારીનો વીડિયો વાઈરલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Himmatlal Park BRTS Abusive Staff Video Viral, Ahmedabad News: 132 ફૂટ રિંગ રોડ પર આવેલા અમદાવાદના હિંમતલાલ પાર્ક BRTS બસ સ્ટેન્ડનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. આ વાઈરલ વીડિયોમાં ટિકિટ આપતો એક કર્મચારી જાહેરમાં મહિલાઓની હાજરીમાં બિભત્સ ગાળો બોલતો અને મુસાફરો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરતો નજરે પડે છે. એક જાગૃત નાગરિકે આ સમગ્ર ઘટના પોતાના મોબાઈલમાં કેદ કરી હતી. આશ્ચર્યની વાત એ છે કે, ફરજ પર હાજર સિક્યુરિટી ગાર્ડે પણ આ ટિકિટ કર્મચારી દ્વારા ગાળો બોલવામાં આવી હોવાની વાતનો સ્વીકાર કર્યો છે.
હિંમતલાલ પાર્ક BRTS બસ સ્ટેન્ડમાં અપશબ્દો બોલતા ટિકિટ કર્મચારીનો વીડિયો વાઈરલ
આ પ્રકારનું ગેરવર્તન કોઈ એક દિવસ પૂરતું સીમિત નથી. બીઆરટીએસમાં નિયમિત મુસાફરી કરતા યુવાનો અને નાગરિકોના જણાવ્યા અનુસાર, બે અઠવાડિયા અગાઉ પણ આ અંગે ફરિયાદો ઉઠી ચૂકી છે. ટિકિટ કાઉન્ટર પર છૂટ્ટા પૈસા હોવા છતાં મુસાફરોને આપવામાં આવતા નથી અને બહાર પાટિયાં મારી દેવામાં આવે છે.
જ્યારે કોઈ નાગરિક આ દાદાગીરી સામે અવાજ ઉઠાવે કે મોબાઈલથી વીડિયો ઉતારવાનો પ્રયાસ કરે, ત્યારે આ કર્મચારીઓ ફોન ઝુંટવી લેવા સુધીની હરકતો પર ઉતરી આવે છે. અનેકવાર તો તેમનો ગુસ્સો એટલી હદે વધી જાય છે કે તેઓ મુસાફરોને માર મારવા માટે પણ તૈયાર થઈ જાય છે.
આ પણ વાંચો: અમદાવાદમાં SG હાઈવે પર નિર્માણાધીન બિલ્ડિંગના 32મા માળે ક્રેન સાથે લટકીને યુવકનો આપઘાત
મહિલાઓ અને નાગરિકો સાથેના આ વર્તનનો વીડિયો વાઈરલ થતાં જ અમદાવાદ BRTS તંત્ર જાગ્યું છે. BRTS વિભાગના અધિકારીએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, પશ્ચિમ ઝોનમાં ટિકિટિંગનો કોન્ટ્રાક્ટ ધરાવતી AGS નામની એજન્સીના આ કર્મચારીને તાત્કાલિક નોકરીમાંથી બરતરફ કરી દેવામાં આવ્યો છે. માત્ર કર્મચારી જ નહીં, પરંતુ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે જવાબદાર કોન્ટ્રાક્ટર કંપની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.









