'આરોપીઓ જ ગુનાના માસ્ટરમાઇન્ડ', અમદાવાદ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટનો 2223 પાનાંનો ચુકાદો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat High Court On Ahmedabad Blast Case: ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં વિશેષ અદાલતે દોષિતો પર ફટકારેલી દંડની રકમને યોગ્ય ઠેરવતાં મહત્ત્વપૂર્ણ અવલોકન કર્યું કે કેસના પુરાવાઓ અને સાક્ષીઓની જુબાનીઓનું અધ્યયન કરતાં સ્પષ્ટ થાય છે કે બોમ્બ વિસ્ફોટોની ઘટનામાં માત્ર અનેક લોકોના જીવ ગયા હતા અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા એટલું જ નહીં, પરંતુ જાહેર તેમજ ખાનગી સંપત્તિને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું.
અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં હાઇકોર્ટનું અવલોકન
અદાલતે ખાસ કરીને સિવિલ હોસ્પિટલ જેવી જાહેર સંપત્તિને થયેલા નુકસાનને અત્યંત ગંભીર ગણાવ્યું હતું. હાઈકોર્ટના મતે, આરોગ્ય સેવાઓ સાથે સંકળાયેલી આવી જાહેર સંસ્થાઓને થયેલું નુકસાન માત્ર આર્થિક નુકસાન પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેની અસર સમગ્ર સમાજ પર પડે છે. આ કારણસર આ કેસને 'વિશાળ નુકસાનવાળી ઘટના'”' તરીકે જોવી જરૂરી બને છે.
ચુકાદામાં વધુમાં જણાવાયું હતું કે, દોષિતોના સામૂહિક કૃત્યોના પરિણામે આટલી મોટી જાનહાનિ અને સંપત્તિને નુકસાન પહોંચ્યું હોવાથી વિશેષ અદાલતે ફટકારેલો દંડ સંપૂર્ણપણે વાજબી અને ન્યાયસંગત છે. હાઈકોર્ટે એ પણ નોંધ્યું હતું કે, દંડની રકમ ઘટાડવા અથવા તેમાં ફેરફાર કરવા અંગે બચાવ પક્ષ તરફથી કોઈ સચોટ દલીલો રજૂ કરવામાં આવી નહોતી.
આ સંજોગોમાં હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, વિશેષ અદાલતે પોતાના વિવેકાધિકારનો યોગ્ય ઉપયોગ કર્યો છે અને તેમાં હસ્તક્ષેપ કરવાની કોઈ જરૂરિયાત જણાતી નથી. પરિણામે, દોષિતો પર લાદવામાં આવેલી દંડની રકમ યથાવત્ રાખવામાં આવી છે.
હાઇકોર્ટના હુકમમાં અંશો
- બોમ્બ વિસ્ફોટો અને બોમ્બ મૂકવાની ઘટનાઓ મોટા આતંકવાદી ષડયંત્રનો ભાગ હતી.
- તાલીમ શિબિરોમાં ભાગ લેનારાઓને વિચારધારાત્મક પ્રેરણા અને બોમ્બ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી.
- હોસ્પિટલોની નજીક વિસ્ફોટકો મૂકીને મહત્તમ જાનહાનિ અને ભય ફેલાવવાનો પ્રયાસ થયો હતો.
- સુરતના બોમ્બ તકનીકી ખામીને કારણે ફાટ્યા નહોતા.
- આતંકવાદી કેસોની તપાસમાં તમામ સંભવિત પાસાંઓની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.
- લાંબી ટ્રાયલ કેસની જટિલતા અને વ્યાપકતા દર્શાવે છે.
હાઇકોર્ટે 2223 પાનાનાં લાબા ચુકાદામાં ફાંસીની સજા પામેલા અને આજીવન કેદની સજા પામેલા કેદીઓની ભુમિકા વિશે અને તેની સામેના ગુના અંગેનો ઉલ્લેખ કર્યો છે. ગુજરાત હાઈકોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું છે કે, અમદાવાદના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો કોઈ અલગ ઘટના નહોતી, પરંતુ જયપુર, બેંગલુરુ, મુંબઈ અને કોલકાતા સહિત દેશના વિવિધ શહેરોમાં થયેલા વિસ્ફોટોની જેમ એક મોટા ષડયંત્રનો ભાગ હતી.
રાજ્ય સરકારના કેસ મુજબ, ગોધરા કાંડ બાદના રમખાણો અને બાબરી મસ્જિદના વિધ્વંસ જેવી ઘટનાઓના બદલાની ભાવનાથી પ્રતિબંધિત સંગઠન SIMIના સભ્યો એકત્ર થયા હતા.
ચુકાદા અનુસાર, ડિસેમ્બર 2007માં કેરળના વાગામોન ખાતે યોજાયેલા આતંકી કેમ્પમાં આરોપીઓને શારીરિક તાલીમ, હથિયારોનો ઉપયોગ અને ‘જેહાદ’ના વિચારો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ જાન્યુઆરી 2008માં ગુજરાતના હાલોલ નજીક પાવાગઢના જંગલ વિસ્તારમાં બીજા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં બોમ્બ બનાવવાની તાલીમ પણ અપાઈ હતી.
કોર્ટે જણાવ્યું છે કે, સરકારી પક્ષે રજૂ કરેલા તમામ સંજોગાત્મક પુરાવાઓ એકબીજા સાથે એવી રીતે જોડાયેલા છે કે તે સીધા આરોપીઓના ગુનાની તરફ જ ઈશારો કરે છે. પુરાવાઓની સાંકળ એટલી મજબૂત અને સંપૂર્ણ છે કે સામાન્ય સમજ મુજબ ગુનો આરોપીઓએ જ કર્યો હતો અને અન્ય કોઈએ કર્યો હોવાની શક્યતા રહેતી નથી.
ચુકાદામાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, રજૂ થયેલા સંજોગો આરોપીઓ નિર્દોષ હોવાની કોઈ વૈકલ્પિક શક્યતાને સમર્થન આપતા નથી. ટ્રાયલ કોર્ટે આપેલો દોષિત ઠરાવવાનો અને સજા ફટકારવાનો નિર્ણય વિશ્વસનીય, મજબૂત અને ભરોસાપાત્ર પુરાવાઓ પર આધારિત છે. અદાલતે ભારપૂર્વક જણાવ્યું કે, પુરાવાઓનું મૂલ્યાંકન કરતી વખતે સમગ્ર સામગ્રીને એકસાથે જોવી જરૂરી છે અને સાચા તથા નકામા પુરાવાઓને અલગ પાડવા જોઈએ. વિશ્વસનીય સાક્ષીઓ અને અન્ય સમર્થક પુરાવાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે અપીલકર્તાઓએ જ આ ગુનો આચર્યો હતો. આરોપીઓની સમાજવિરોધી પ્રવૃત્તિઓ કોઈ એક વ્યક્તિ સામે નહોતી, પરંતુ તેણે મોટી સંખ્યામાં નિર્દોષ લોકોની સુરક્ષાને જોખમમાં મૂકી હતી અને જાહેર તેમજ ખાનગી સંપત્તિને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આવા ગંભીર કેસોમાં 'ન્યાયના હિત'નો અર્થ માત્ર આરોપીઓના અધિકારો સુધી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર સમાજ અને જનતાના હિતનું રક્ષણ કરવાનો પણ છે. અદાલતે ભારપૂર્વક જણાવ્યું કે ન્યાયનો અર્થ અસ્પષ્ટ કલ્પનાઓ નહીં, પરંતુ બંધારણ અને કાયદા મુજબ વ્યક્તિગત અધિકારો તથા સમાજના હિતો વચ્ચે યોગ્ય સંતુલન જાળવવાનો છે.









