ધોળકામાં ભારે વરસાદથી જળબંબાકાર, અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ, લોકોમાં રોષ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Dholka Flooding: અમદાવાદના ધોળકા તાલુકામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા મુશળધાર વરસાદના કારણે સમગ્ર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે શહેરની અનેક સોસાયટીઓ તથા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં લોકો જનજીવન ખોરવાયું છે.
સોસાયટીઓમાં ગોઠણસમા પાણી, સ્થાનિકોમાં રોષ
ધોળકાના વોર્ડ નંબર 2માં આવેલી સાનિધ્ય રેસિડેન્સી, દેવવૃંદ સોસાયટી અને અમન પાર્ક સહિતની રહેણાંક સોસાયટીઓમાં ગોઠણસમા પાણી ભરાઈ જતાં રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. ધોળકા નગરપાલિકાને વારંવાર રજૂઆતો કરવા છતાં આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.
બુટ ભવાની પરામાં પૂર જેવી સ્થિતિ, ત્રાંસદ રોડ બંધ
બીજી તરફ, ભારે વરસાદના લીધે ધોળકાના બુટ ભવાની પરા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અહીં અંદાજે 60 જેટલા ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરીને નુકસાન થયું છે અને અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. આ ઉપરાંત ધોળકા-ત્રાંસદ મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો, જેના કારણે વાહનચાલકો ટ્રાફિક જામમાં અટવાયા હતા. મોડી રાત્રે ત્રાંસદ ગામ પાસે બુટ ભવાની મંદિરની દિવાલ તોડવાની ઘટનાને પગલે પણ સ્થાનિકોમાં વિરોધ જોવા મળ્યો હતો.
આ ઉપરાંત, ભેટાવાડા ગામે વરસાદી પાણીના નિકાલ માટે બાંધવામાં આવેલો પાળો તોડવા બાબતે મોડી રાત્રે સ્થાનિકો અને તંત્ર વચ્ચે વિવાદ સર્જાયો હતો. મામલતદાર, ચીફ ઓફિસર અને પોલીસનો કાફલો સ્થળ પર પહોંચતાં ગ્રામજનોએ વિરોધ દર્શાવી રોડ પર ઉતરી આવ્યા હતા, જેના કારણે પરિસ્થિતિ તંગ બની હતી. હાલ તંત્ર દ્વારા તાત્કાલિક ડીવોટરિંગ પંપ મૂકીને પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.




