VIDEO: અમદાવાદમાં જળબંબાકારથી પ્રજા ત્રાહિમામ્! પોશ વિસ્તારો પાણી-પાણી, AMCમાં 89 ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Heavy Rain Waterlogging: અમદાવાદમાં આજે(14 સપ્ટેમ્બર) માત્ર સાડા ત્રણ ઈંચ જેટલા વરસાદમાં જ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં શહેરની વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે. સવારે 6થી સાંજે 7 વાગ્યા સુધીમાં શહેરમાં સરેરાશ 3.6 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સિઝનનો કુલ સરેરાશ વરસાદ 30.92 ઈંચ સુધી પહોંચી ગયો છે.
સિંધુભવન, બોપલ, આંબલી જેવા પોશ વિસ્તારમાં પાણી ભરાયા
પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારોમાં રસ્તાઓ ઉપરાંત સોસાયટીઓમાં પણ પાણી ભરાયું હતું. સિંધુ ભવન રોડ, બોપલ, આંબલી, જુહાપુરા, વિશાલા, ફતેહવાડી, મેમનગર, શિલજ, શેલા, ગોતા, હાટકેશ્વર, નિકોલ, નરોડા, બાપુનગર, પ્રહ્લાદનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાતાં ટ્રાફિકની સ્થિતિ પણ ખોરવાઈ હતી. વરસાદને પગલે કોર્પોરેશનના ચોપડે પાણી ભરાવાની 64, ઝાડ પડવાની 23 અને ભયજનક મકાનની 2 મળી કુલ 89 ફરિયાદો નોંધાઈ હતી.
વરસાદી પાણી રસ્તાઓ પર ભરાઈ જતાં વાહનચાલકોને પાણીમાંથી પસાર થવાની ફરજ પડી હતી. કેટલાક સ્થળોએ રસ્તા પર એટલું પાણી ભરાયું હતું કે વાહનોના બંધ પડી જવાની સ્થિતિ સર્જાઈ હતી. પાણીના કારણે રોડ પરના ખાડા કે અન્ય જોખમ દેખાતા ન હોવાથી અકસ્માતની ભીતિ પણ વધી હતી. સોસાયટીઓમાં પાણી ભરાતાં રહીશોને ઘરેથી વાહન બહાર કાઢવા તેમજ રોજિંદા કામ માટે બહાર નીકળવામાં મુશ્કેલી પડી હતી.
પોશ વિસ્તારોથી રહેણાંક વિસ્તારો સુધી પાણીનો ભરાવો
સિંધુ ભવન રોડ, બોપલ અને આંબલી જેવા ઝડપથી વિકસેલા અને પોશ વિસ્તારોમાં પણ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કસોટી પર આવી હતી. સિંધુ ભવન રોડ પર મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહનો પાણીમાંથી પસાર થતાં જોવા મળ્યા હતા. બીજી તરફ જુહાપુરા, વિશાલા, ફતેહવાડી, મેમનગર, શિલજ, શેલા, મધુમાલતી આવાસ યોજના, ગોતા, હાટકેશ્વર સર્કલ, શારદાબેન હોસ્પિટલ, કાંકરિયા, નિકોલ, નરોડા, બાપુનગર, ક્રિષ્નાનગર, સ્ટર્લિંગ સિટી અને સરસપુર સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.
પાંચ અંડરપાસ બંધ કરવાની ફરજ પડી
ભારે વરસાદને કારણે શહેરના પાંચ અંડરપાસમાં વરસાદી પાણી ભરાતાં તેને થોડા સમય માટે બંધ કરવાની ફરજ પડી હતી. મીઠાખળી અંડરપાસ સવારે 10:27 વાગ્યે, એલ.સી.-25 મકરબા 11:43 વાગ્ય, અખબારનગર બપોરે 12:50 વાગ્યે, દક્ષિણી 12:55 વાગ્યે અને શાહીબાગ અંડરપાસ બપોરે 1 વાગ્યે બંધ કરાયો હતો. પાણીના નિકાલ થયા બાદ વાહનવ્યવહાર માટે અંડરપાસ ફરીથી શરૂ કરાયા હતા.
પાણી ભરાવાનું કારણ શું?
સળંગ ત્રણથી ચાર કલાક વરસાદ: શહેરમાં એકસાથે ત્રણથી ચાર કલાક સુધી વરસાદ પડતાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા પર એકસાથે ભાર આવ્યો હતો. પરિણામે અનેક વિસ્તારોમાં પાણી ઝડપથી ભરાવા લાગ્યું હતું.
દોઢ મહિનો મળ્યો છતાં ડિસિલ્ટિંગ સામે સવાલ: જુલાઈમાં વરસાદ પડ્યા બાદ AMCને ત્યાર પછી અંદાજે દોઢ મહિના જેટલો સમય મળ્યો હતો. તેમ છતાં ડિસિલ્ટિંગ અને ખાસ કરીને સીસીટીવી મારફતે ડિસિલ્ટિંગની કામગીરી કેટલી અસરકારક રીતે થઈ તે અંગે સવાલો ઊભા થયા છે. ચોમાસા પહેલાં કેચપીટ અને ડ્રેનેજ લાઇનની સફાઈની કામગીરી કરવામાં આવી હોવાના દાવા વચ્ચે ફરી પાણી ભરાતાં કામગીરીની અસરકારકતા ચર્ચામાં આવી છે.
ઇસ્ટર્ન અને વેસ્ટર્ન ટ્રંક લાઇન નિષ્ફળ: શહેરની ઇસ્ટર્ન ટ્રંક લાઇન અને વેસ્ટર્ન ટ્રંક લાઇન યોગ્ય રીતે કામ કરી રહી નથી અને તેમાં જરૂરી જોડાણો આપવામાં આવ્યા નથી. જેના કારણે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા પર અસર થતી હોવાનું સામે આવ્યું છે.
ડ્રેનેજની સરખામણીએ સ્ટોર્મ વોટર નેટવર્ક ઓછું: શહેરના કુલ ડ્રેનેજ નેટવર્કની સરખામણીએ સ્ટોર્મ વોટર લાઇનનું નેટવર્ક માત્ર 30 ટકા જેટલુ છે. એટલે ભારે વરસાદ દરમિયાન રસ્તાઓ અને અન્ય વિસ્તારોમાંથી એકસાથે આવતા વરસાદી પાણીના ઝડપી નિકાલ માટેનું નેટવર્ક મર્યાદિત રહે છે.
બાંધકામોથી કુદરતી પાણીના વહેણ અવરોધાયું: શહેરમાં છેલ્લા વર્ષોમાં મોટી સંખ્યામાં બિલ્ડિંગો અને અન્ય બાંધકામો ઊભાં થયાં છે. તેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી જે કુદરતી માર્ગે વહેતું હતું તેમાં અવરોધ ઊભા થયા છે. પરિણામે વરસાદી પાણીનો પ્રવાહ અન્ય વિસ્તારો તરફ વળતાં પાણી ભરાવાની સમસ્યા ગંભીર બને છે.
તળાવોમાં દબાણો: શહેરના વિવિધ તળાવો અને જળાશયોની આસપાસ થયેલા દબાણોના કારણે વરસાદી પાણીના કુદરતી સંગ્રહ અને વહન માટેની જગ્યા ઘટી છે. ભારે વરસાદ વખતે આ સ્થિતિ પણ પાણી ભરાવાનું એક કારણ બની રહી છે.
AMCમાં 89 ફરિયાદ
ઝોન | ઝાડ પડવાની | વરસાદી પાણી ભરાવાની | ભયજનક મકાન | કુલ ફરિયાદ |
મધ્ય | 2 | 7 | 0 | 9 |
પૂર્વ | 6 | 9 | 1 | 16 |
પશ્ચિમ | 11 | 13 | 1 | 25 |
ઉત્તર પશ્ચિમ | 1 | 13 | 0 | 14 |
દક્ષિણ પશ્ચિમ | 1 | 12 | 0 | 13 |
ઉત્તર | 2 | 0 | 0 | 2 |
દક્ષિણ | 0 | 10 | 0 | 10 |
કુલ | 23 | 64 | 2 | 89 |
વરસાદી પાણીના નિકાલ માટે પમ્પિંગ વ્યવસ્થા
ઝોન | સ્ટોર્મ વોટર પમ્પિંગ સ્ટેશન | ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન | સમ્પ |
ઉત્તર | 10 | 14 | 8 |
મધ્ય | 0 | 9 | 2 |
દક્ષિણ | 16 | 20 | 46 |
પૂર્વ | 12 | 15 | 29 |
પશ્ચિમ | 1 | 8 | 0 |
ઉત્તર પશ્ચિમ | 3 | 4 | 4 |
દક્ષિણ પશ્ચિમ | 1 | 5 | 1 |
SRFDCL | 0 | 4 | 0 |
કુલ | 43 | 79 | 90 |




