Ahmedabad

ગુજરાતને ₹30,766 કરોડના રેલ પ્રોજેક્ટ્સની મળશે ભેટ: PM મોદી વડોદરાથી કરશે મેગા રેલવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત!

By GS Team
5 Sep 20262 mins read
TukuTouch Logo
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે વડોદરાથી ₹30,766 કરોડના રેલવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. આ અંતર્ગત વડોદરા-રતલામ વચ્ચે 259 કિમીની ત્રીજી-ચોથી લાઇનનો શિલાન્યાસ થશે. ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના નવા સેક્શન રાષ્ટ્રને સમર્પિત કરાશે. જોબટ-ટાણ્ડા રોડ રેલખંડનું લોકાર્પણ અને નવી ટ્રેન સેવા પણ શરૂ થશે. આ પ્રોજેક્ટ્સથી ગુજરાતમાં રેલ કનેક્ટિવિટી મજબૂત બનશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતને ₹30,766 કરોડના રેલ પ્રોજેક્ટ્સની મળશે ભેટ: PM મોદી વડોદરાથી કરશે મેગા રેલવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત!

PM Modi Vadodara Railway Projects 30766 Crore : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 8 સપ્ટેમ્બરે વડોદરા ખાતે યોજાનારા કાર્યક્રમમાં કુલ રૂપિયા 30,766 કરોડના વિવિધ રેલવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. આ મહત્ત્વપૂર્ણ કાર્યક્રમમાં ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતા રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ઉપરાંત ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (DFC) ના નવા ખંડો રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. વડોદરા-રતલામ રૂટ પર નવી રેલવે લાઇન ઉમેરાવાથી પેસેન્જર ટ્રેનોની ક્ષમતા વધવાની સાથે માલગાડીઓના સંચાલનને પણ વેગ મળશે.

રેલવે પ્રોજેક્ટ્સના કાર્યો અને નિર્ધારિત ખર્ચ

આ કાર્યક્રમ અંતર્ગત વડોદરા-રતલામ વચ્ચે 259 કિમી લાંબી ત્રીજી અને ચોથી રેલવે લાઇનના પ્રોજેક્ટનો શિલાન્યાસ થશે, જે પાછળ રૂપિયા 8,885 કરોડનો ખર્ચ નિર્ધારિત કરાયો છે. આ વધારાની લાઇનો બનવાથી રૂટ પરની ભીડ ઘટશે. આ ઉપરાંત વિશ્વામિત્રી-ડભોઇ રેલખંડના ડબલિંગ પ્રોજેક્ટ માટે રૂપિયા 394 કરોડ અને મિયાગામ કરજણ-ચોરંદા-માલસર ગેજ પરિવર્તન પ્રોજેક્ટ માટે રૂપિયા 450 કરોડનો ખર્ચ કરાશે. જેનો શિલાન્યાસ થશે. આ પ્રોજેક્ટ્સથી ગુજરાતમાં રેલ કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે.

જોબટ-ટાણ્ડા રોડ સેક્શનનું લોકાર્પણ અને નવી ટ્રેન સેવા

આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં પરિવહન સુવિધા વધારવા માટે રૂપિયા 334 કરોડના ખર્ચે તૈયાર થયેલા જોબટ-ટાણ્ડા રોડ રેલ સેક્શનનું લોકાર્પણ કરવામાં આવશે. સાથે જ વડોદરા-ટાણ્ડા રોડ વચ્ચે નવી ટ્રેન સેવા પણ શરૂ કરાશે. આ પ્રસંગે ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના નવા બનેલા સેક્શન પર ફ્રેઇટ ટ્રેનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવશે.

DFC ના નવા ખંડો રાષ્ટ્રને સમર્પણ

કાર્યક્રમની સૌથી મોટી ઉપલબ્ધિઓમાં ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના નવા સેક્શનનું રાષ્ટ્રને સમર્પણ સામેલ છે. જેમાં રૂપિયા 20,703 કરોડના ખર્ચે તૈયાર થયેલ ન્યૂ સાણંદ (નોથ)-મકરપુરા, ન્યૂ ઉમરગામ-ન્યૂ સફાલે અને ન્યૂ સફાલે-ન્યૂ જેનપીટી સેક્શન રાષ્ટ્રને અર્પણ કરાશે. આ સેક્શન શરૂ થવાથી ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારો, બંદરો અને ઉત્તર-દક્ષિણ માલવહન કોરિડોર વચ્ચેની કનેક્ટિવિટી વધુ ઝડપી બનશે.

પ્રોજેક્ટ્સની આંકડાકીય વિગત:
- વડોદરા-રતલામ ત્રીજી અને ચોથી લાઇન: રૂપિયા 8,885 કરોડ
- જોબટ-ટાણ્ડા રોડ રેલખંડ: રૂપિયા 334 કરોડ
- વિશ્વામિત્રી-ડભોઇ ડબલિંગ: રૂપિયા 394 કરોડ
- મિયાગામ કરજણ-ચોરંદા-માલસર ગેજ પરિવર્તન: રૂપિયા 450 કરોડ
- DFCના નવા ખંડો: રૂપિયા 20,703 કરોડ
- કુલ ખર્ચ: રૂપિયા 30,766 કરોડ