ભક્તિના રંગે રંગાયું ગુજરાત: દ્વારકા, ડાકોર અને તુલસીશ્યામ સહિત રાજ્યભરમાં જન્માષ્ટમીની ભવ્ય અને અદભુત ઉજવણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Janmashtami Celebration : ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવના પાવન અવસરે સમગ્ર ગુજરાત ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું છે. જગતમંદિર દ્વારકા, ડાકોરના રણછોડરાય મંદિર, મધ્યગીરના જંગલમાં આવેલા સુપ્રસિદ્ધ તુલસીશ્યામ મંદિર, શામળાજી તેમજ અમદાવાદ ગ્રામ્યના કેલીયા વાસણા સહિતના તમામ નાના-મોટા કૃષ્ણ ધામોમાં જન્માષ્ટમીનું અનોખું મહત્ત્વ જોવા મળ્યું હતું. ગોકુળ અને મથુરા જેવી દિવ્ય અનુભૂતિ કરાવતા આ સ્થળોએ રોશનીનો શણગાર અને વિશેષ દીપોત્સવ કરવામાં આવ્યો હતો.
માનવ મહેરામણ અને નટખટ કાન્હા બન્યા બાળકો
જન્માષ્ટમીના આ પર્વ પર દર્શન કરવા માટે ભક્તોનું ભારે ઘોડાપુર ઉમટી પડ્યું હતું. રાજ્યના પ્રત્યેક મંદિરમાં માનવ મહેરામણ જોવા મળ્યું હતું, જ્યાં હજારોની સંખ્યામાં ભાવિકોએ કલાકો સુધી લાઈનમાં ઊભા રહીને પ્રભુના દર્શન કર્યા હતા. આકર્ષક બાબત એ રહી કે વાલીઓ પોતાના નાના બાળકોને વાંસળી, મુકુટ અને પીતાંબર પહેરાવીને અદ્ભુત કાન્હા અને રાધાના સ્વરૂપમાં મંદિરે પહોંચ્યા હતા. બાળકોના આ મનમોહક સ્વરૂપોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું અને વાતાવરણ સંપૂર્ણપણે નંદઘેર આનંદ ભયોના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
ભજન-કિર્તન મંડળોની રમઝટ અને મટકીફોડ
ગુજરાતનાં મોટાભાગના વિસ્તારોમાં ભજન-કિર્તન મંડળો દ્વારા રાત્રે મોડે સુધી દિવ્ય ભજનો અને રાસ-ગરબાની રમઝટ બોલાવાઈ હતી. ધોળકાના કેલીયા વાસણા ખાતે વિશેષ ડમરુ આરતી સાથે ભવ્ય મટકીફોડ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં યુવાનોએ ભારે ઉત્સાહથી ભાગ લીધો હતો. ભક્તોમાં ભારે હરખ અને ઉલ્લાસ જોવા મળ્યો હતો.
રાત્રે 12 વાગ્યે જન્મોત્સવ અને ફટાકડાની આતિશબાજી
રાતના બરાબર 12 ના ટકોરે શંખનાદ, મહાઆરતી અને 'નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી'ના ગગનભેદી નારાઓ સાથે ભગવાન શ્રીકૃષ્ણનો ભવ્ય જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. પ્રભુના પ્રાગટ્યના આ આનંદમાં ઠેર-ઠેર આકાશમાં ફટાકડા ફોડીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મહાઆરતી બાદ ભક્તોએ ચરણામૃત અને પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી.




