Ahmedabad

રાજ્યમાં 22 હજારથી વધુ સ્થળે ગરબાનું આયોજન, નવરાત્રિમાં ખેલૈયાઓની સુરક્ષા માટે 'શી-ટીમ'થી લઈને સાયબર સેલ સજ્જ!

By GS Team
10 Oct 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં નવરાત્રિ પર્વ દરમિયાન શાંતિ અને સુરક્ષા જાળવવા ગુજરાત પોલીસે રાજ્યભરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. 22 હજારથી વધુ ગરબા મહોત્સવોમાં 'શી-ટીમ' મહિલાઓની સુરક્ષા પર નજર રાખશે. સાયબર ક્રાઈમ સેલ 24 કલાક સોશિયલ મીડિયા પર નજર રાખશે અને અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે. CCTV, મેટલ ડિટેક્ટર ફરજિયાત કરાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજ્યમાં 22 હજારથી વધુ સ્થળે ગરબાનું આયોજન, નવરાત્રિમાં ખેલૈયાઓની સુરક્ષા માટે 'શી-ટીમ'થી લઈને સાયબર સેલ સજ્જ!

Gujarat Navratri Security: આસ્થા, ઉલ્લાસ અને પરંપરાગત ગરબાના મહાપર્વ નવરાત્રિ દરમિયાન રાજ્યભરમાં શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણ જળવાઈ રહે તે માટે ગુજરાત પોલીસે ચુસ્ત બંદોબસ્ત પ્લાન તૈયાર કર્યો છે. જેમાં રાજ્યના સંવેદનશીલ મહાનગરોથી માંડીને ગ્રામીણ વિસ્તારો સુધી નોંધાયેલા કુલ 22 હજારથી વધુ ગરબા મહોત્સવોમાં લાખો ખેલૈયાઓ ગરબે ઘૂમશે. તેને ધ્યાને રાખીને રાજ્ય પોલીસ વડાએ તમામ જિલ્લા પોલીસ વડાઓ તેમજ પોલીસ કમિશનરને એલર્ટ રહીને પેટ્રોલિંગ વધારવા સ્પષ્ટ આદેશો આપ્યા છે.

નવરાત્રિમાં મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા માટે 'શી-ટીમ'ની સતત વોચ

ગરબા પંડાલોમાં મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા માટે ભીડભાડવાળા માર્ગો, શોપિંગ ઝોન અને પાર્ટી પ્લોટ્સમાં સાદા કપડાં તેમજ યુનિફોર્મમાં તૈનાત મહિલા પોલીસ ઉપરાંત ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા ગ્રાઉન્ડમાં સજ્જ મહિલા પોલીસકર્મીઓની ‘શી-ટીમ’ સતત વોચ રાખશે. ખેલૈયાઓના વેશમાં આવીને છેડતી, અસભ્ય વર્તન કે હેરાનગતિ કરવાનો પ્રયાસ કરનારા તત્ત્વો સામે સ્થળ પર જ કડક કાનૂની સકંજો કસવામાં આવશે.

સાયબર ક્રાઈમ સેલ સજ્જ

તહેવારો દરમિયાન ડિજિટલ માધ્યમો દ્વારા સામાજિક સૌહાર્દ ડહોળવાના કોઈપણ પ્રયાસને ડામી દેવા માટે સાયબર ક્રાઈમ પોલીસ સંપૂર્ણ સજ્જ છે. જેમાં દેવી-દેવતાઓ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી, બિભત્સ સામગ્રી કે ધાર્મિક લાગણી દુભાવતા વીડિયો-ઓડિયો વાઈરલ કરનારા અસામાજિક તત્વો પર આધુનિક ટૂલ્સ દ્વારા 24 કલાક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. કોઈપણ પ્રકારની અફવા ફેલાવનાર સામે આઈ.ટી. એક્ટની કડક કલમો હેઠળ તાત્કાલિક એફઆઈઆર નોંધી ધરપકડ કરવામાં આવશે.

તમામ ગરબા આયોજકો માટે સ્પષ્ટ સુરક્ષા માર્ગદર્શિકા જાહેર

તમામ ગરબા આયોજકો માટે સ્પષ્ટ સુરક્ષા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે મુજબ પ્રવેશ અને નિકાસ માટે અલગ ગેટ, સમગ્ર પરિસરમાં હાઈ-ડેફિનેશન CCTV કેમેરા, ડોરફ્રેમ મેટલ ડિટેક્ટર, હેન્ડ હેલ્ડ મેટલ ડિટેક્ટર અને બ્રેથ એનાલાઈઝરની વ્યવસ્થા ફરજિયાત રહેશે. ગુજરાત પોલીસે નાગરિકોને કોઈપણ શંકાસ્પદ હિલચાલ કે કટોકટીના સમયે તાત્કાલિક સ્થાનિક પોલીસ કંટ્રોલ રૂમ અથવા ઈમરજન્સી હેલ્પલાઈન નંબર 112 પર સંપર્ક કરવા અપીલ કરી છે.