ગુજરાતમાં આગામી સાત દિવસ સામાન્ય વરસાદની શક્યતા, સારા વરસાદ માટે હજુ જોવી પડશે રાહ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Weather: ગુજરાતમાં આગામી સાત દિવસ હળવાથી સામાન્ય વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટાં પડી શકે છે. હાલની સ્થિતિએ સમગ્ર રાજ્યમાં સામાન્ય કરતાં 7 ટકા ઓછો વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં ચિંતાજનક રીતે સામાન્ય કરતાં 30 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં હજુ સુધી કોઈ સક્રિય વરસાદી સિસ્ટમ સર્જાઈ ન હોવાથી ખેડૂતોને સારા વરસાદ માટે રાહ જોવી પડશે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના જણાવ્યાનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં ખૂબ જ ઓછો વરસાદ નોંધાયો છે, જેમાં મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના માત્ર બે સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે, જ્યારે અન્ય ભાગોમાં હવામાન સૂકું રહ્યું છે. તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 34.3 ડિગ્રી સેલ્સિયસ અને ગાંધીનગરમાં 34 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આ બંને શહેરોમાં છેલ્લા 24 કલાકમાં કોઈ વરસાદ પડ્યો નથી.
આગામી 7 દિવસની સ્થિતિ
•સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત: આગામી સાત દિવસ સુધી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રની 2 જગ્યાઓ પર જ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
•અમદાવાદ અને ઉત્તર ગુજરાત: અમદાવાદમાં આગામી સાત દિવસ દરમિયાન ખૂબ જ હળવો વરસાદ અથવા 1થી 2 સ્પેલ આવી શકે છે. અમદાવાદ અને ગાંધીનગર સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં મોટેભાગે હવામાન સૂકું જ રહેશે. આગામી દિવસોમાં તાપમાનમાં પણ કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી.
સમગ્ર રાજ્યમાં વરસાદની ઘટ
ચાલુ સીઝનમાં સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધી થયેલા કુલ વરસાદ પર નજર કરીએ તો રાજ્ય સ્તરે વરસાદમાં -7%ની ઘટ જોવા મળી રહી છે. જેમાં પ્રદેશ અનુસાર ઉત્તર-મધ્ય-દક્ષિણ ગુજરાત પ્રદેશમાં સામાન્યથી +9% વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશમાં પાછલા દિવસોમાં ઘણો ઓછો વરસાદ થવાને કારણે -30%ની મોટી ઘટ નોંધાઈ છે. આથી રાજ્યમાં સારો અને સાર્વત્રિક વરસાદ મેળવવા માટે હજુ થોડા દિવસો સુધી રાહ જોવી પડશે.




