Ahmedabad

રાજકોટની નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ મેદાન વિવાદ: 10 વર્ષ સુધી હુકમનું પાલન ન થતાં ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ, TPOને સોગંદનામું કરવા આદેશ

By GS Team
20 Aug 20262 mins read
TukuTouch Logo
રાજકોટની નિર્મલા કોન્વેન્ટ સ્કૂલના પ્લેગ્રાઉન્ડની જમીન પર કમર્શિયલ બાંધકામના વિવાદમાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને અધિકારીઓ સામે આકરા પ્રહારો કર્યા છે. કોર્ટના આદેશનું 10 વર્ષ સુધી પાલન ન થતાં, ચીફ જસ્ટિસે નારાજગી વ્યક્ત કરી હતી. ટાઉન પ્લાનિંગ ઓફિસરે ₹12 કરોડ માંગતા, હાઈકોર્ટે તેમને વ્યક્તિગત સોગંદનામું કરવા આદેશ આપ્યો છે. વધુ સુનાવણી 3 સપ્ટેમ્બરે થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટની નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ મેદાન વિવાદ: 10 વર્ષ સુધી હુકમનું પાલન ન થતાં ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ, TPOને સોગંદનામું કરવા આદેશ

Rajkot Nirmala Convent School Playground Controversy: રાજકોટની જાણીતી નિર્મલા કોન્વેન્ટ સ્કૂલના પ્લેગ્રાઉન્ડની જમીન પર કમર્શિયલ બાંધકામ અને બજાર બનાવવાના વર્ષો જૂના વિવાદમાં ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર અને સંબંધિત અધિકારીઓ સામે આકરા પ્રહારો કર્યા છે. હાઇકોર્ટના હુકમનું 10 વર્ષ સુધી પાલન ન કરવા બદલ ચીફ જસ્ટિસની ખંડપીઠે ભારે નારાજગી વ્યક્ત કરતાં સ્પષ્ટ ટકોર કરી હતી કે, "જ્યાં સુધી જવાબદાર અધિકારીઓ સામે કન્ટેમ્પટ (અદાલતી અવમાનના)ની કાર્યવાહી કરવામાં નહીં આવે, ત્યાં સુધી તેમને કોર્ટના આદેશની ગંભીરતા સમજાશે નહીં."

1988થી ચાલે છે કાનૂની લડાઈ: મેદાનમાં શોપિંગ સેન્ટર બનાવવાનો ખેલ!

સમગ્ર વિવાદની વિગત એવી છે કે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) દ્વારા નિર્મલા કોન્વેન્ટ સ્કૂલની મેદાનની જગ્યા એક ખાનગી વ્યક્તિને ફાળવી દેવામાં આવી હતી અને ત્યાં શોપિંગ સેન્ટર બનાવવાની યોજના ઘડીને પ્રપોઝલ સરકારના સંબંધિત વિભાગને મોકલી અપાયું હતું. સ્કૂલ સંચાલકોએ બાળકોના રમવાના મેદાનને બચાવવા માટે વર્ષ 1988થી કાનૂની લડાઈ શરૂ કરી હતી, જે મામલો વિવિધ અદાલતોમાં ફરતો રહ્યો છે.

હાઇકોર્ટે અને સુપ્રીમ કોર્ટે મનાઈ કરી, છતાં TPOએ ₹ 12 કરોડ માંગ્યા!

કેસની સુનાવણી દરમિયાન એ વાત પણ સામે આવી હતી કે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટે સ્કૂલના મેદાનની જમીન અન્ય કોઈ કમર્શિયલ હેતુ માટે ફાળવવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હોવા છતાં, ટાઉન પ્લાનિંગ સ્કીમમાં ફેરફાર કરવા માટે ટાઉન પ્લાનિંગ ઑફિસર(TPO) દ્વારા ₹ 12 કરોડની ફી માંગવામાં આવી હતી. આ જાણીને ખંડપીઠે સરકારને તીખો સવાલ કર્યો હતો કે, "કોર્ટના હુકમ હોવા છતાં તમે આ પૈસા કેવી રીતે માંગી શકો?"

આ પણ વાંચો: અમદાવાદ: છેડતી અને મોટેથી મ્યુઝિક વગાડવાના વિવાદમાં યુવકની હત્યા કરનાર આરોપીને આજીવન કેદ

TPOને વ્યક્તિગત સોગંદનામું કરવા આદેશ

આ સમગ્ર મામલે હાઇકોર્ટે ટાઉન પ્લાનિંગ ઓફિસરને વ્યક્તિગત ધોરણે સોગંદનામું રજૂ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે એવી કડક ચેતવણી પણ આપી છે કે જો ટાઉન પ્લાનર અદાલતના આદેશ મુજબ સંતોષકારક સોગંદનામું રજૂ નહીં કરે, તો તેમની સામે અત્યંત આકરાં પગલાં લેવામાં આવશે. સમગ્ર પ્રકરણની વધુ સુનાવણી 3 સપ્ટેમ્બર પર મુકરર કરવામાં આવી છે.