વિદ્યાર્થીઓને એરફોર્સમાં નોકરી અને ક્રિકેટ ટીમમાં સિલેક્શનની લાલચ આપી ₹4.48ની ઠગાઈ, ગુજરાત કોલેજના પૂર્વ PT ઈન્સ્ટ્રક્ટરની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Ellisbridge Police Fraud Case Air Force Job Scam: વિદ્યાર્થીઓને ભારતીય એરફોર્સમાં ભરતી કરાવવાની અને સ્ટેટ લેવલની ક્રિકેટ ટીમમાં પસંદગી અપાવવાની લાલચ આપી લાખો રૂપિયાની ઠગાઈ આચરનારા એક શાતિર ઠગને અમદાવાદની એલિસબ્રિજ પોલીસે ઝડપી પાડ્યો છે. ગુજરાત કોલેજમાં ફિઝિકલ ટ્રેનિંગ ઈન્સ્ટ્રક્ટર(PTI) તરીકે કામ કરી ચૂકેલા આરોપીએ અનેક વિદ્યાર્થીઓ પાસેથી રૂ.4.48 લાખથી વધુ રકમ પડાવી લીધી હતી. પકડાઈ જવાના ડરે 10 જેટલાં મોબાઈલ નંબર બદલીને ભાગતા ફરતા આરોપીને પોલીસે અંજાર ખાતેથી દબોચી લીધો છે.
ગુજરાત કોલેજમાં PTI તરીકે કામ કરતો હતો
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, સેટેલાઇટ/અંજાર વિસ્તાર સાથે સંકળાયેલા 41 વર્ષીય પ્રજ્ઞેશ હનુભા બારહટ નામના શખસે ચાલુ વર્ષે માર્ચ માસ દરમિયાન એલિસબ્રિજ સ્થિત ગુજરાત કોલેજ ખાતે PTI તરીકે કામ કર્યું હતું. આ દરમિયાન તેણે રમતગમત અને નોકરીની શોધમાં રહેતા વિદ્યાર્થીઓ સાથે સંપર્ક કેળવ્યો હતો. તેણે પોતાની પહોંચ ઉચ્ચ કક્ષાએ હોવાનો દાવો કરી વિદ્યાર્થીઓને એરફોર્સમાં સરકારી નોકરી તેમજ રાજ્ય કક્ષાની ક્રિકેટ ટીમમાં સિલેક્શન અપાવવાના નામે પૈસા પડાવવાનું શરૂ કર્યું હતું.
રાજકોટ, કચ્છ અને ગાંધીનગરમાં પણ જાળ ફેલાવી
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી પ્રજ્ઞેશ બારહટે માત્ર અમદાવાદ જ નહીં પરંતુ ગાંધીનગરના ઈન્ફોસિટી, કચ્છના નખત્રાણા તેમજ રાજકોટના બી-ડિવિઝન અને યુનિવર્સિટી વિસ્તારના વિદ્યાર્થીઓને પણ પોતાની જાળમાં ફસાવ્યા હતા. તેણે અલગ-અલગ વિદ્યાર્થીઓ પાસેથી કુલ ₹4.48 લાખ જેટલી રકમ મેળવી લીધી હોવાનું અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે.
નોકરી છોડ્યા બાદ ઠગાઈનો ભોગ બનેલા વિદ્યાર્થીઓ પોતાના પૈસા પરત ન માગે તે માટે આરોપીએ અંદાજે 10 જેટલાં મોબાઈલ કનેક્શન/નંબરો બદલી નાખ્યા હતા. આ ઉપરાંત તે છાપામાં આવતી સરકારી નોકરીઓની જાહેરાતો જોઈને ઉમેદવારોનો સંપર્ક કરી સેટિંગ કરાવી આપવાની લાલચ આપતો હતો.
અંજારથી ધરપકડ
એલિસબ્રિજ પોલીસને બાતમી મળી હતી કે, આરોપી પ્રજ્ઞેશ અંજાર ખાતે છુપાયો છે, જેના આધારે પોલીસે 21 ઓગસ્ટના રોજ દરોડો પાડી તેની અટકાયત કરી લીધી હતી.
ઉલ્લેખનીય છે કે, આરોપી પ્રજ્ઞેશ બારહટ સામે અગાઉ રાજકોટ બી-ડિવિઝન, ગાંધીનગર ઈન્ફોસિટી, કચ્છ નખત્રાણા અને રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આ ઉપરાંત અંજાર કોર્ટમાં ચેક રિટર્નનો કેસ પણ પેન્ડિંગ છે. એલિસબ્રિજ પોલીસે ભારતીય ન્યાય સંહિતા(BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીના રિમાન્ડ મેળવવા અને અન્ય કેટલા વિદ્યાર્થીઓ ઠગાઈનો ભોગ બન્યા છે તે દિશામાં તપાસ તેજ કરી છે.









