Ahmedabad

ગુજરાત ATS અને રાજસ્થાન પોલીસે HPCL પાઇપલાઇનમાંથી ઓઇલ ચોરી કરતી ગેંગનો કર્યો પર્દાફાશ, 8 શખસો ઝડપાયા

By GS Team
11 Aug 20262 mins read
TukuTouch Logo
ગુજરાત ATS અને રાજસ્થાન પોલીસે સંયુક્ત ઓપરેશનમાં HPCL પાઇપલાઇનમાંથી ઓઇલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ રાજસ્થાનના બાલોત્રા જિલ્લામાંથી ઓઇલ ચોરી કરી ગુજરાતમાં વેચતી હતી. ATSને બાતમી મળતા કુવાડવા નજીકથી એક શખસ ઝડપાયો. તેની પૂછપરછ બાદ રાજસ્થાનથી વધુ 7 આરોપીઓ સહિત કુલ 8 શખસોની ધરપકડ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત ATS અને રાજસ્થાન પોલીસે HPCL પાઇપલાઇનમાંથી ઓઇલ ચોરી કરતી ગેંગનો કર્યો પર્દાફાશ, 8 શખસો ઝડપાયા

Gujarat ATS Rajasthan Police HPCL Oil Theft Gang: ગુજરાત ATS અને રાજસ્થાન પોલીસે એક સફળ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને રાજસ્થાનમાં આવેલી HPCL કંપનીની પાઇપલાઇનમાં ગેરકાયદે રીતે પંચર કરી ઓઇલની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ રાજસ્થાનમાંથી ઓઇલ ચોરી કરીને તેને ગુજરાતમાં ઊંચા ભાવે વેચવાનું નેટવર્ક ચલાવતી હતી. પોલીસે આ મોટા કૌભાંડમાં સંડોવાયેલા કુલ 8 આરોપીઓની ધરપકડ કરી છે.

ગુજરાત ATS અને રાજસ્થાન પોલીસે HPCL પાઇપલાઇનમાંથી ઓઇલ ચોરી કરતી ગેંગનો કર્યો પર્દાફાશ

ઓઈલ ચોરીના મોટા કૌભાંડ અંગે ATSની ટીમને બાતમી મળી હતી કે, ગુજરાત અને રાજસ્થાનના કેટલાક શખસો રાજસ્થાનના બાલોત્રા જિલ્લામાંથી પસાર થતી HPCLની પાઈપલાઈનમાં પંચર કરી ઓઈલ ચોરી રહ્યા છે અને તેને અમદાવાદ-રાજકોટ હાઈવે પર વેચવાનું કાવતરું છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને અમદાવાદ-રાજકોટ હાઈવે પર કુવાડવા નજીક સોખડા ગામના રસ્તેથી એક શંકાસ્પદ શખસની અટકાયત કરી હતી. તેની પાસે રહેલા ઓઈલ બાબતે કડકાઈથી પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે, આ જથ્થો તે રાજસ્થાનના કાલુડી ગામ પાસેથી ચોરીને લાવ્યો હતો.

8 શખસો ઝડપાયા

આરોપીની કબૂલાત બાદ તપાસનો દોર રાજસ્થાન સુધી લંબાયો હતો. ગુજરાત ATSની ટીમે રાજસ્થાન પહોંચીને ટાપરા પાસેના એક ઢાબા પરથી અન્ય 7 શખસોને ઝડપી પાડ્યા હતા. તેમને જાસોલ પોલીસ મથકે લઈ જઈને પૂછપરછ કરતા હકીકત સામે આવી હતી કે, બાલોત્રા જિલ્લાના કાલુડી ગામની સીમમાં ખરાબાની જમીનમાં તેઓએ 3થી 4 ફૂટ ઊંડો ખાડો ખોદીને HPCLની પાઈપલાઈનમાં ગેરકાયદે વાલ્વ ફીટ કર્યો હતો.

Gujarat Samachar - 2026-08-11T200009.392.jpg

રાજસ્થાન પોલીસ અને HPCLના અધિકારીઓને સાથે રાખીને તપાસ કરતા આ વાલ્વ મળી આવ્યો હતો. આ મામલે રાજસ્થાનના જાસોલ પોલીસ મથકમાં ગુનો નોંધીને મહેસાણા, રાજકોટ, ગાંધીનગર, યુપી અને રાજસ્થાનના વતની એવા કુલ 8 આરોપીઓની ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.