Ahmedabad

CCC પરીક્ષા કૌભાંડ, જે 39 ઉમેદવારોના રિઝલ્ટમાં ગરબડ પકડાઈ હતી તેમને બઢતી-પગારધોરણનો લાભ પણ મળી ગયો!

By GS Team
25 Nov 20263 mins read
TukuTouch Logo
GTUના ટ્રિપલ સી (CCC) પરીક્ષાના ગુણ સુધારણા કૌભાંડમાં 2 વર્ષથી તપાસ ચાલી રહી છે, છતાં કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી. 39 ઉમેદવારોના પરિણામમાં ગોટાળા થયા હોવાના રિપોર્ટ છતાં, તેઓને પ્રમોશન અને ઉચ્ચતર પગારધોરણના લાભ મળી ચૂક્યા છે. સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓને 75% પગાર ચૂકવાઈ રહ્યો છે, જેથી તપાસ માત્ર કાગળ પર જ ચાલતી હોવાની ફરિયાદો ઊઠી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

CCC પરીક્ષા કૌભાંડ, જે 39 ઉમેદવારોના રિઝલ્ટમાં ગરબડ પકડાઈ હતી તેમને બઢતી-પગારધોરણનો લાભ પણ મળી ગયો!

GTU CCC exam scam: ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU)ના અતિચકચારી અને વિવાદિત એવા ટ્રિપલ સી (CCC) પરીક્ષાના ગુણ સુધારણાના કથિત કૌભાંડમાં બે વર્ષ કરતાં પણ વધુ સમયથી તપાસ ચાલી રહી હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી. એક તરફ તપાસના નામે સમય પસાર થઈ રહ્યો છે, તો બીજી તરફ જે ઉમેદવારોના પરિણામમાં છેડછાડ થઈ હતી તેઓ પરિણામના આધારે બઢતી અને ઉચ્ચતર પગારધોરણનો લાભ પણ મેળવી ચૂક્યા છે. આ ઉપરાંત, બે વર્ષથી સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓને પણ 75 ટકા પગાર ચૂકવવામાં આવી રહ્યો હોવાથી સમગ્ર તપાસ માત્ર કાગળ પર જ ચાલતી હોવાની ફરિયાદો ઉઠી છે.

2018માં સામે આવી હતી પરિણામમાં છેડછાડની ફરિયાદ

સરકારી કર્મચારીઓ માટે ટ્રિપલ સી (CCC) પરીક્ષા પાસ કરવી ફરજિયાત હોવાથી રાજ્ય સરકારે સૌપ્રથમ જીટીયુને આ પરીક્ષા લેવાની જવાબદારી સોંપી હતી. વર્ષ 2018માં આ પરીક્ષાના પરિણામમાં છેડછાડ થઈ હોવાની ફરિયાદ ઉઠી હતી. તે સમયે પરીક્ષાના કો-ઓર્ડિનેટરે તત્કાલીન ઇન્ચાર્જ રજિસ્ટ્રારને પુરાવા સાથે તમામ વિગતો સુપરત કરી હતી. જોકે, આંતરિક તપાસ બાદ 'ટેક્નિકલ ખામી થઈ છે, પરંતુ પરિણામમાં કોઈ ગોટાળો નથી' તેવું જાહેર કરી દેવાયું હતું.

બીજી તરફ, પરીક્ષા કો-ઓર્ડિનેટરનો સ્પષ્ટ આક્ષેપ હતો કે પરિણામ તૈયાર કરીને આઈટી વિભાગના વડાને અપાયું ત્યારે જે પરિણામ હતું, તેના કરતાં જાહેર થયેલું પરિણામ તદ્દન અલગ હતું. આ વિવાદ બાદ થોડા વર્ષો સુધી કોઈ કાર્યવાહી ન થઈ અને વચ્ચે ત્રણથી ચાર વર્ષ સુધી યુનિવર્સિટીએ પરીક્ષા લેવાનું પણ બંધ કરી દીધું હતું.

એક્સપર્ટ કમિટીનો રિપોર્ટ અને બે અધિકારીઓનું સસ્પેન્શન

સમય જતાં આ પરીક્ષા કૌભાંડનો મુદ્દો ફરી ગાજ્યો હતો, જેથી અઢી વર્ષ પહેલાં જીટીયુએ બહારના ત્રણ એક્સપર્ટ સભ્યોની એક તપાસ કમિટીની રચના કરી હતી. આ કમિટીએ તપાસના અંતે ચોંકાવનારો રિપોર્ટ આપ્યો હતો કે 39 ઉમેદવારોના પરિણામમાં ગોટાળા થયા છે. આ રિપોર્ટના આધારે ઓક્ટોબર 2024માં આઈટી સેક્શન અધિકારી અને નેટવર્ક એડમિન અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને તેઓને અન્ય સંલગ્ન કોલેજમાં બદલીથી મૂકવામાં આવ્યા હતા.

ખાતાકીય તપાસ અધૂરી, સરકારને જાણ પણ ન કરાઈ

આ ઘટનાને બે વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી ખાતાકીય તપાસ પૂર્ણ થઈ નથી. ચોંકાવનારી બાબત એ છે કે જે 39 ઉમેદવારોના પરિણામમાં ગોટાળો થયાનો રિપોર્ટ આવ્યો હતો, તેઓને આજદિન સુધી પૂછપરછ માટે બોલાવવામાં પણ આવ્યા નથી કે આ અંગે રાજ્ય સરકારને કોઈ જાણ પણ કરવામાં આવી નથી. પરિણામે, આ તમામ 39 ઉમેદવારોએ પાસ થયાના પરિણામના આધારે નોકરીમાં બઢતી અને ઉચ્ચતર પગારધોરણના તમામ લાભો મેળવી લીધા છે.

તપાસનું તૂત: ન પોલીસ ફરિયાદ, ન કોઈને સજા

એક બાજુ કૌભાંડનો લાભ લેનારા ઉમેદવારો બઢતી મેળવી ચૂક્યા છે, તો બીજી બાજુ સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓનું સસ્પેન્શન વધુ છ મહિના લંબાવીને તેમનો પગાર પણ 75 ટકા કરી દેવામાં આવ્યો છે. સમગ્ર પ્રકરણમાં આજદિન સુધી ન તો કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ છે, ન કોઈનું પરિણામ રોકાયું છે કે ન તો કોઈ જવાબદાર સામે સજા થઈ છે. આમ, છેવટે આ સમગ્ર મામલો માત્ર 'તપાસનું તૂત' સાબિત થયો હોવાની ચર્ચાએ યુનિવર્સિટી વર્તુળોમાં જોર પકડ્યું છે.