નવી મેડિકલ કોલેજ માટે સરકારના એસેન્સિયલ સર્ટિફિકેટની જરૂર નહીં, નિયમ બદલાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

New NMC Rules 2026: નેશનલ મેડિકલ કમિશન દ્વારા જુન 2023માં લાગુ કરાયેલા નવી મેડિકલ કોલેજ શરૂ કરવા માટેના રેગ્યુલેશનમાં કેટલાક મહત્ત્વના ફેરફાર કરીને અમેન્ડમેન્ટ સાથે નવો ડ્રાફ્ટ જાહેર કરાયો છે. જેને રેગ્યુલેશન 2026 નામ અપાયું છે. આ રેગ્યુલેશનમાં અગાઉની કેટલીક જોગવાઈ-નિયમો રદ કરાયા છે અને કેટલાક નવા નિયમ-શરતો ઉમેરવામાં આવ્યા છે. ખાસ કરીને આ ડ્રાફ્ટ રેગ્યુલેશન મુજબ મેડિકલ કમિશને નવી મેડિકલ કોલેજ શરૂ કરવા માટેની અરજીમાં જે તે રાજ્ય સરકારના એસેન્સિયલ સર્ટિફિકેટને જોડવાની જોગવાઈને રદ કરી છે. આમ હવે 2027-28ના વર્ષથી નવી મેડિકલ કોલેજ શરૂ કરવા માટે અરજી સમયે રાજ્ય સરકારના એસેન્સિયલ સર્ટિફિકેટની જરૂર નહીં રહે.
મેડિકલ કોલેજની મંજૂરીમાં જો બોર્ડ કે કમિશનને દબાણ કરાશે તો તાકીદે નવી કોલેજ માટેની અરજી ફગાવી દેવાશે
નવી મેડિકલ કોલેજ શરૂ કરવા માટે જે તે સંસ્થાએ જે તે રાજ્યના સરકારનું એસેન્સિયલ સર્ટિફિકેટ નેશનલ મેડિકલ કમિશનને અરજી સમયે સોંપવાનું હોય છે અને સાથે સંલગ્ન જે તે યુનિવર્સિટીનું કન્સેન્ટ ઓફ એફિલિએશન સર્ટિફિકેટ પણ આપવાનું હોય છે. પરંતુ હવે આગામી શૈક્ષણિક વર્ષથી રાજ્ય સરકારના એસેન્સિયલ સર્ટિફિકેટની જરૂર નવી મેડિકલ કોલેજ શરૂ કરવા માટે નહીં રહે. કારણકે નેશનલ મેડિકલ કમિશને 2023ના નવી મેડિકલ કોલેજ સ્થાપવા માટેના રેગ્યુલેશનમાં કેટલાક ફેરફાર કરીને નવા રેગ્યુલેશન જાહેર કરતા આ જોગવાઈ રદ કરી છે. એસેન્સિયલ સર્ટિફિકેટ સમયે નાણાકીય લેતી-દેતીની ફરિયાદો અને સર્ટિફિકેટ મેળવવામાં-રજૂ કરવામાં થતા વિલંબની ફરિયાદો વચ્ચે આ જોગવાઈ રદ કરાઈ છે.
આ ઉપરાંત રેગ્યુલેશનમાં એક મહત્ત્વની શરત એવી પણ ઉમેરવામાં આવી છે કે જો મેડિકલ કોલેજની મંજૂરી માટે મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડને કે મેડિકલ કમિશનને કોઈ પણ વ્યક્તિ કે એજન્સી મારફતે દબાણ કરવામાં આવશે તો તાકીદે સંસ્થાની નવી કોલેજ માટેની અરજી પ્રક્રિયા અટકાવી દેવામાં આવશે અથવા તો રિજેક્ટ કરી દેવામાં આવશે. વધુમાં મેડિકલ કોલેજ માટેના કોર્પસ ફંડને લઈને પણ નવી જોગવાઈ ઉમેરાઈ છે. અગાઉ જે પ્રુફ રજૂ કરવાનું જોગવાઈ હતી તે રદ કરીને નવી જોગવાઈમાં કમિશને ઉમેર્યું છે કે નવી કોલેજ શરૂ કરવા માંગતી સંસ્થાએ દરખાસ્ત સમયે જ અન્ડરટેકિંગ આપવાનું રહેશે કે સ્પેશ્યલ કોલેજ માટેનું કોર્પસ ફંડ ઊભું કરવામાં આવ્યું છે અને એસેસમેન્ટ બોર્ડ દ્વારા ફંડની રકમ નક્કી કરાશે. જ્યારે બોર્ડ માંગે ત્યારે ફંડનું ડોક્યુમેન્ટરી પ્રુફ આપવાનું રહેશે.
નવા નિયમોમાં નવી કોલેજ માટે સંસ્થાએ છેલ્લા નાણાકીય વર્ષનું સીએ દ્વારા ઈસ્યુ થયેલી સોલ્વન્સી સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. આ સર્ટિફિકેટ અરજી કર્યાના દિવસથી 60 દિવસની અંદરનું જ હોવું જોઈએ. આ ઉપરાંત હવેથી નવી કોલેજ માટે સંસ્થાએ અરજી સમયે જો હંગામી ધોરણે હોસ્ટેલ કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બતાવ્યું હશે તો તે માન્ય નહીં રાખવામાં આવે. અરજી સમયે તમામ જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ સંપૂર્ણપણે પુરા થયેલા હોવા જોઈએ.









