Ahmedabad

અમદાવાદ સહિત 8 જિલ્લાના શિક્ષકો-ST કર્મચારીઓ માટે ખુશખબર: હવે સોલા GMERSમાંથી મળશે બદલી માટેનું મેડિકલ સર્ટિફિકેટ

By GS Team
5 Sep 20262 mins read
TukuTouch Logo
રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓને તબીબી પ્રમાણપત્ર મેળવવામાં સરળતા રહે તે માટે સોલા GMERS હોસ્પિટલ ખાતે 3 સભ્યોનું નવું સ્થાયી તબીબી મંડળ રચવાની મંજૂરી આપી છે. આ નિર્ણયથી અમદાવાદ, ગાંધીનગર સહિત 8 જિલ્લાના શિક્ષણ વિભાગના શિક્ષકો અને GSRTCના અમદાવાદ, મહેસાણા, હિંમતનગર, પાલનપુર વિભાગના વર્ગ-3 અને 4ના કર્મચારીઓને સીધો લાભ મળશે. આનાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલનું કાર્યભારણ પણ ઘટશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ સહિત 8 જિલ્લાના શિક્ષકો-ST કર્મચારીઓ માટે ખુશખબર: હવે સોલા GMERSમાંથી મળશે બદલી માટેનું મેડિકલ સર્ટિફિકેટ

Gujarat Government Medical Board Sola : રાજ્યના કર્મચારીઓને તબીબી પ્રમાણપત્ર મેળવવામાં વધુ સુવિધા રહે અને અમદાવાદ સિવિલ હૉસ્પિટલ ખાતેના પરમાનેન્ટ મેડિકલ બોર્ડનું કાર્યભારણ ઘટે તે માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે અમદાવાદની GMERS હૉસ્પિટલ, સોલા ખાતે ત્રણ સભ્યોનું નવું સ્થાયી તબીબી મંડળ રચવાની મંજૂરી આપવામાં આવી છે.

શિક્ષણ વિભાગના 8 જિલ્લાના શિક્ષકો-કર્મચારીઓને સીધો લાભ

આ નવી વ્યવસ્થા હેઠળ શિક્ષણ વિભાગના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકો, વિદ્યાસહાયક તથા મદદનીશ શિક્ષકોને ગંભીર કે અસાધ્ય બીમારીના કિસ્સામાં આંતરિક અથવા જિલ્લા ફેરબદલી માટે સોલા GMERS ખાતે તબીબી પ્રમાણપત્ર મળશે. આ સુવિધા હેઠળ અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા અને સુરેન્દ્રનગર એમ કુલ 8 જિલ્લાના વર્ગ-3 ના કર્મચારીઓનું તબીબી પરીક્ષણ સોલા GMERS ના બોર્ડ દ્વારા કરાશે. આ 8 જિલ્લાઓ સિવાયના કર્મચારીઓ માટે જૂની વ્યવસ્થા યથાવત રહેશે.

GSRTC (એસ.ટી. નિગમ) ના કર્મચારીઓ માટે પણ મોટી સવલત

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કક્ષાબદલી સંબંધિત કેસોમાં પણ આ નવું બોર્ડ કામ કરશે. જેમાં અમદાવાદ, મહેસાણા, હિંમતનગર અને પાલનપુર વિભાગના વર્ગ-3 અને વર્ગ-4 ના કર્મચારીઓનું તબીબી પરીક્ષણ કરી કાયમી ‘ફિટ’ કે ‘અનફિટ’ પ્રમાણપત્ર સોલા GMERS ના મેડિકલ બોર્ડ દ્વારા અપાશે.

બોર્ડનું માળખું અને તબીબી વ્યવસ્થા

સોલા GMERS ખાતે રચાનારા નવા મંડળમાં કુલ ત્રણ સભ્યો રહેશે, જેમાં અધ્યક્ષ તરીકે સિવિલ સર્જન કે મેડિસિનના સિનિયર પ્રોફેસર રહેશે. અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક મેડિકલ કૉલેજ સંલગ્ન હૉસ્પિટલના તબીબી અધિક્ષક દ્વારા કરાશે.

અત્યાર સુધી આ તમામ કામગીરી અમદાવાદ સિવિલ હૉસ્પિટલ સાથે જોડાયેલી હોવાથી ત્યાં ભારે ધસારો અને કાર્યભારણ રહેતું હતું. વિકેન્દ્રીકરણના આ નિર્ણયથી પ્રક્રિયા ઝડપી બનશે અને કર્મચારીઓને અમદાવાદ સિવિલના ધક્કામાંથી મુક્તિ મળશે.