Ahmedabad

'તું છોકરાઓને રમવા કેમ નથી દેતો...', અમદાવાદમાં બાળકોના ઝઘડામાં વચ્ચે પડેલા યુવક પર બે ભાઈઓનો તલવારથી હુમલો

By GS Team
14 Nov 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના ગોમતીપુરમાં 10 નવેમ્બરની રાત્રે બાળકોના ઝઘડામાં સમજાવવા ગયેલા 45 વર્ષીય મોહમદ હુસેન શેખ પર બે પિતરાઈ ભાઈઓએ તલવારથી જીવલેણ હુમલો કર્યો હતો. પૂજારીની ચાલી પાસે બનેલી આ ઘટનામાં યુવકને ગંભીર ઈજાઓ થતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. CCTV ફૂટેજ આધારે ગોમતીપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'તું છોકરાઓને રમવા કેમ નથી દેતો...', અમદાવાદમાં બાળકોના ઝઘડામાં વચ્ચે પડેલા યુવક પર બે ભાઈઓનો તલવારથી હુમલો

Ahmedabad Gomtipur News: અમદાવાદ ​શહેરના ગોમતીપુર વિસ્તારમાં આવેલી પૂજારીની ચાલી ખાતે 10 નવેમ્બરની રાત્રે બાળકોના ઝઘડામાં સમજાવવા ગયેલા 45 વર્ષીય યુવક પર બે પિતરાઈ ભાઈઓએ તલવારથી જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ ભોગ બનનાર યુવકે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં બંને હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

બાળકોના ઝઘડામાં વચ્ચે પડેલા યુવક પર બે ભાઈઓનો તલવારથી હુમલો

પોલીસ ફરિયાદ અનુસાર, ગોમતીપુરની પૂજારીની ચાલી નજીક આયેશા મસ્જિદની ગલીમાં રહેતા અને છૂટક મજૂરી કામ કરતા મોહમદ હુસેન શેખ(ઉં.વ. 45) ગત 10 નવેમ્બરે રાત્રિના સમયે પોતાની ચાલીમાં હાજર હતા. આ દરમિયાન ચાલીમાં રહેતા બબલુભાઈના છોકરાઓ અંદરોઅંદર ઝઘડી રહ્યા હતા. આ જોઈને મોહમ્મદ હુસેને છોકરાઓને અહીં ઝઘડો નહીં કરવા અને પોતપોતાના ઘરે જતા રહેવા માટે સમજાવ્યા હતા.

'તું છોકરાઓને રમવા કેમ નથી દેતો…'

આ બાબતની અદાવત રાખીને બબલુભાઈના ભત્રીજાઓ કેફ સલીમભાઈ હાશ્મી અને તોસિફ કામિલભાઈ હાશ્મી ત્યાં દોડી આવ્યા હતા. બંનેએ મોહમદ હુસેનને 'તું છોકરાઓને રમવા કેમ નથી દેતો' તેમ કહી અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. જોતજોતામાં બંને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને હુસેન સાથે મારામારી કરવા લાગ્યા હતા. મામલો વધુ બિચકતા બંને આરોપીઓ તલવાર લઈ આવ્યા હતા અને મોહમદ હુસેન પર તલવાર વડે હુમલો કરી તેમને ઇજાગ્રસ્ત કર્યા હતા.

હુમલાને પગલે બૂમાબૂમ થતા આસપાસના રહીશો એકઠા થઈ ગયા હતા. લોકો ભેગા થતા જોઈ બંને આરોપીઓ 'હવે છોકરાઓને રમવા નહીં દે તો જાનથી મારી નાખીશું' તેવી ધમકી આપીને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. ઇજાગ્રસ્ત મોહમદ હુસેનને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ ગોમતીપુર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.