અમદાવાદ: ગીતા મંદિર બસ ટર્મિનલ 2નું થયું લોકાર્પણ, સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ જતી તમામ બસો હવે આ બસ સ્ટેશનથી ઉપડશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Gita Mandir Bus Terminal: અમદાવાદમાં દરરોજ એસટી બસ મારફતે લાખો મુસાફરો આવનજાવન કરે છે, ત્યારે તેમની સુવિધામાં વધારો કરવા માટે ટર્મિનલ 2 બનીને તૈયાર થઈ ગયું છે. અમદાવાદ ખાતે નિર્માણ પામેલા અત્યાધુનિક ગીતા મંદિર બસ ટર્મિનલ 2 અર્થાત નોર્થ બ્લોકનું આજે(12 ઓગસ્ટ) રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ નવા આઇકોનિક બસપોર્ટના શરૂ થવાથી હવે શહેરમાં બે મુખ્ય બસ સ્ટેશન કાર્યરત બનશે. નવી વ્યવસ્થા મુજબ હવે સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ જતી તમામ બસો આ નવા ટર્મિનલ 2 પરથી ઉપડશે, જ્યારે દક્ષિણ ગુજરાત અને અન્ય વિસ્તારોની બસો માટે ટર્મિનલ 1નો ઉપયોગ કરવામાં આવશે.
આશરે 4309 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં પથરાયેલું આ નવું બસ મથક મુસાફરોની સુવિધા માટે અનેક આધુનિક વ્યવસ્થાઓથી સજ્જ છે. આ પરિસરમાં ગ્રાઉન્ડ અને ઉપરના માળે કોમર્શિયલ દુકાનો બનાવવામાં આવી છે. બસ સ્ટેન્ડમાં પ્રવેશતા જ ટિકિટબારી અને ઇન્કવાયરી માટેની કેબિનો છે. મુસાફરોને બસમાં બેસવા અને ઉતરવા માટે કુલ 39 પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં 1430.50 ચોરસ મીટરનો બોર્ડિંગ કોન્કોર્સ એરિયા સામેલ છે. અહીં એકસાથે 370 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે.
આ ઉપરાંત મુસાફરોના આરામ માટે 100 બેઠકનો જનરલ વેઇટિંગ હોલ, મહિલાઓ માટે ખાસ 75 બેઠકનો લેડીઝ વેઇટિંગ હોલ તેમજ 25 બેઠકવાળો ડીલક્ષ વેઇટિંગ હોલ પણ બનાવવામાં આવ્યો છે.
મુસાફરોની અન્ય પ્રાથમિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અહીં 3000 ચોરસ મીટરનો પાર્કિંગ વિસ્તાર અને 130 લોકોની ક્ષમતાવાળી કેન્ટીન પણ ઊભી કરવામાં આવી છે. આ સાથે 3 ઇન્ક્વાયરી અને ટિકિટિંગ કાઉન્ટર, 39.38 ચોરસ મીટરનું ટુરિસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટર, પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ, પાર્સલ રૂમ અને 3 વોટર રૂમની સુવિધા ઉપલબ્ધ છે. સ્વચ્છતા અને સુવિધાના ભાગરૂપે મહિલાઓ માટે 29 શૌચાલય અને 7 બાથરૂમ, પુરુષો માટે 21 શૌચાલય, 33 યુરિનલ અને 5 બાથરૂમ, જ્યારે દિવ્યાંગો માટે 3 વિશેષ શૌચાલય બનાવવામાં આવ્યા છે. એસટી નિગમના ડ્રાઇવર અને કન્ડક્ટરના આરામ માટે બિલ્ડિંગના ત્રીજા માળે રેસ્ટ રૂમ અને ડોરમેટરીની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.









