Ahmedabad

અમદાવાદમાં વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો પ્રયાસ? NEET મુદ્દે 'Gen Z પ્રોટેસ્ટ' કરે તે પહેલા જ વિદ્યાર્થીઓની અટકાયત

By GS Team
22 Jul 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં NEET પેપર લીક મામલે Gen Zના વિરોધ પ્રદર્શન પહેલાં જ પોલીસે LD એન્જિનિયરિંગ કૉલેજ ખાતે વિદ્યાર્થીઓની અટકાયત કરી. શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે એકઠા થયેલા યુવાનોને પોલીસે બળજબરીથી બસમાં બેસાડી દીધા. લાયબ્રેરી જતી અને ચા પીતી યુવતીની પણ આડેધડ અટકાયત થતાં પોલીસ કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશને પણ ‘વી વોન્ટ જસ્ટિસ’ના નારા લગાવ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો પ્રયાસ? NEET મુદ્દે 'Gen Z પ્રોટેસ્ટ' કરે તે પહેલા જ વિદ્યાર્થીઓની અટકાયત

Gen Z Protest Ahmedabad: આજે બુધવારે સાંજે સાત વાગ્યે અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કૉલેજ ખાતે 'NEET' પેપર લીક મામલે 'ઝેન જી (Gen Z) પ્રોટેસ્ટ' યોજાવાની હતી. જોકે આ વિરોધ પ્રદર્શન શરૂ થાય તે પહેલાં જ પોલીસે વિદ્યાર્થીઓની અટકાયત કરવાનું શરૂ કરી દેતાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. શિક્ષણ મંત્રીના રાજીનામાની માગણી અને 'NEET' પેપર લીકના મુદ્દે એકઠા થયેલા આ વિદ્યાર્થીઓને પોલીસે ધક્કા મારીને બસમાં બેસાડી દીધા હતા અને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. ત્યાં પણ વિદ્યાર્થીઓએ 'વી વોન્ટ જસ્ટિસ'ના નારા લગાવી વિરોધ ચાલુ રાખ્યો હતો.

આડેધડ અટકાયત કરવામાં આવી!

આટલું જ નહીં, લાયબ્રેરીમાં અભ્યાસ કરવા આવેલી એક વિદ્યાર્થીનીને પણ પોલીસે આંદોલનકારી સમજીને બસમાં બેસાડી દીધી હતી. બીજી તરફ, નજીકમાં માત્ર ચા પીવા આવેલી એક યુવતીની પણ પોલીસે અટકાયત કરી હતી. આ રીતે નિર્દોષ નાગરિકો અને વિદ્યાર્થીઓની આડેધડ કરવામાં આવેલી અટકાયતને કારણે પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.

શાંતિપૂર્ણ વિરોધ કરે તે પહેલા જ અટકાયત

પેપર લીકની ઘટનાને કારણે દેશભરના લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું છે ત્યારે પોતાના હક અને ન્યાય માટે અવાજ ઉઠાવવા એકઠા થયેલા યુવાનો પ્રત્યે તંત્રનું આવું વલણ અત્યંત આઘાતજનક છે. પ્રદર્શન સ્થળે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે અગાઉથી જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો. હાલ સુધીમાં જાહેર વિરોધની મંજૂરી અંગેની કોઈ વિગતો સામે આવી નથી પણ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે પોતાની રજૂઆત કરે તે પહેલાં જ તેમની સાથે બળપ્રયોગ કરીને અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીને કારણે કૉલેજ કેમ્પસ અને આસપાસના વિસ્તારમાં લાંબા સમય સુધી અફરાતફરી અને તંગદિલીનો માહોલ સર્જાયો હતો.

આ સમગ્ર ઘટનામાં અમદાવાદ પોલીસની ભૂમિકા સામે અનેક તીખા સવાલો ઊભા થઈ રહ્યા છે. લોકશાહીમાં શાંતિપૂર્ણ રીતે વિરોધ દર્શાવવાનો અધિકાર દરેક નાગરિકને છે, તો પછી કોઈ પણ આંદોલન કે પ્રદર્શન શરૂ થાય તે પહેલાં જ આટલી ઉતાવળે કાર્યવાહી કેમ કરવામાં આવી? લાયબ્રેરી માટે આવેલી વિદ્યાર્થી અને માત્ર ચા પીવા ઊભા રહેલા યુવાની ઓળખ કર્યા વગર આડેધડ અટકાયત કરવી એ પોલીસની સંવેદનહીનતા અને નિષ્ફળતા દર્શાવે છે. શું પોલીસ પ્રશાસન દ્વારા વિદ્યાર્થીઓના વાજબી અવાજને કચડી નાખવાનો આ એક પૂર્વ આયોજિત પ્રયાસ છે?