અમદાવાદમાં સાબરમતી નદીના પટમાંથી જનરેટર અને ટ્રોલી ચોરનારી રાજસ્થાનની ગેંગ ઝડપાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad LCB Generator Theft : અમદાવાદ શહેરના કોટારપુર ગામ નજીક સાબરમતી નદીના પટમાં આવેલા ઝાંપડી માતાજીના મંદિર પરિસરમાંથી ઈલેક્ટ્રિક જનરેટર અને તેની ટ્રોલીની ચોરી થવાની ઘટના સામે આવી હતી. ગત 29 ઓગસ્ટના રોજ સવારે 7:30 થી 8:30 વાગ્યાના સમયગાળા દરમિયાન અજાણ્યા શખ્સો જનરેટર અને ટ્રોલી ચોરીને ફરાર થઈ ગયા હતા. આ અંગે સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી હતી.
CCTV ફૂટેજના આધારે LCB ટીમે રાજસ્થાન સુધી પીછો કર્યો
ચોરીના આ ગુનાનો ભેદ ઉકેલવા માટે અમદાવાદ LCB ઝોન-2 ના પોલીસ ઈન્સ્પેક્ટર કે.ડી. પટેલની આગેવાની હેઠળ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળ અને તેની આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ બારીકાઈથી ચકાસ્યા હતા. ફૂટેજના વિશ્લેષણ દરમિયાન ચોરાયેલું જનરેટર અને ટ્રોલી વાહનમાં લાદીને રાજસ્થાન તરફ લઈ જવામાં આવી રહ્યા હોવાનું સ્પષ્ટ જણાઈ આવ્યું હતું. CCTV ને ટ્રેક કરીને LCB ની ટીમે તુરંત રાજસ્થાન તરફ પ્રયાણ કરીને વાહનને ટ્રેસ કરવાની કામગીરી શરૂ કરી હતી.
નાગૌર જિલ્લામાંથી 2 આરોપીઓની ધરપકડ અને મુદ્દામાલ રિકવર
પોલીસ તપાસ લંબાવતા LCB ની ટીમ રાજસ્થાનના નાગૌર જિલ્લાના મેરતા વિસ્તારમાં પહોંચી હતી. ત્યાં દરોડો પાડીને પોલીસે ચોરી માટે ઉપયોગમાં લેવાયેલું વાહન શોધી કાઢ્યું હતું અને સ્થળ પરથી ચોરાયેલું ઈલેક્ટ્રિક જનરેટર તથા ટ્રોલી રિકવર કરી લીધા હતા. આ સાથે ઘટનામાં સામેલ બે આરોપીઓ મુકેશ બાબુલાલ ગોદારા (બિશ્નોઈ) (ઉં.વ. 25) અને રાકેશ બાબુલાલ ગોદારા (બિશ્નોઈ) (ઉં.વ. 27) ની ધરપકડ કરવામાં આવી હતી. બંને આરોપીઓ નાગૌર જિલ્લાના નિંબારી ચંદાવતાન ગામના વતની છે.
ત્રીજા આરોપીની શોધખોળ ચાલુ, આગળની કાનૂની કાર્યવાહી
LCB ઝોન-2 ની ટીમે પકડાયેલા બંને આરોપીઓ તેમજ રિકવર કરવામાં આવેલો તમામ મુદ્દામાલ આગળની કાનૂની કાર્યવાહી અર્થે સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે. આ ચોરીના ગુનામાં સામેલ તેમનો અન્ય એક સહયોગી શેરુરામ પટ્ટારામ ગોદારા (બિશ્નોઈ) હાલ ફરાર છે. તેને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ રાખી છે.




