Ahmedabad

ગાંધીનગર-કલોલના વેપારીઓએ અમદાવાદની SBI બેન્કને લગાવ્યો કરોડોનો ચૂનો, CID એ ફરિયાદ નોંધી

By GS Team
2 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં SBI સાથે 4.96 કરોડથી વધુની છેતરપિંડી આચરવા બદલ ગાંધીનગર અને કલોલના 2 વેપારીઓ સામે CID ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે. વેપારીઓએ બેંકમાંથી કેશ ક્રેડિટ અને ટર્મ લોન લીધા બાદ હપ્તા ભર્યા નહોતા. ઉપરાંત, મોર્ગેજમાં મૂકેલી મશીનરી બેંકની મંજૂરી વિના બારોબાર વેચી દીધી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગાંધીનગર-કલોલના વેપારીઓએ અમદાવાદની SBI બેન્કને લગાવ્યો કરોડોનો ચૂનો, CID એ ફરિયાદ નોંધી

Ahmedabad Bank Fraud News: ગાંધીનગર અને કલોલના બે વેપારીઓ સામે SBI સાથે 4.96 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી આચરવા અંગે CID ક્રાઈમમાં બે અલગ-અલગ ફરિયાદો નોંધાઈ છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ની અમદાવાદ શાખાના આસિસ્ટન્ટ જનરલ મેનેજર દ્વારા નોંધાવવામાં આવેલી આ ફરિયાદોમાં વેપારીઓ પર બેન્કમાંથી કેશ ક્રેડિટ અને ટર્મ લોન લીધા બાદ હપ્તા ન ભરવાનો તથા મોર્ગેજમાં મૂકેલી મશીનરી બેન્કની મંજૂરી વિના બારોબાર વેચી મારવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ગાંધીનગરના વેપારી સામે 2.14 કરોડની છેતરપિંડીની ફરિયાદ

પહેલી ફરિયાદ અનુસાર, ગાંધીનગરના ત્રાલ ગામના રહેવાસી અને હાયટા ક્રોપ કેર ઇન્ડસ્ટ્રીઝના પ્રોપરાઇટર ત્રિભુવનદાસ શ્રીમાળી સામે કાર્યવાહી કરવામાં આવી છે. જંતુનાશક દવાઓનો બિઝનેસ શરૂ કરવાના નામે આરોપીએ વર્ષ 2020માં બેન્કમાંથી કેશ ક્રેડિટ લોન, ટર્મ લોન તેમજ કોવિડ સમયગાળા દરમિયાન CCECL અને GECL જેવી વિવિધ ક્રેડિટ લિમિટ હેઠળ મોટી રકમની લોન મેળવી હતી. આરોપીએ એપ્રિલ 2022થી લોનના હપ્તા ભરવાના બંધ કરી દીધા હતા. બેન્કની ટીમ જ્યારે સ્થળ તપાસ માટે પહોંચી ત્યારે યુનિટ પર તાળું મારેલું જોવા મળ્યું હતું અને મોર્ગેજ મૂકેલી મશીનરી પણ ગાયબ હતી. વ્યાજ સહિત કુલ રૂપિયા 2,14,79,130.86 ની બાકી રકમ ન ચૂકવી છેતરપિંડી આચર્યાનો આક્ષેપ છે.

કલોલના વેપારી અને જામીનદાર સામે 2.81 કરોડનો ગુનો

બીજી ફરિયાદમાં કલોલના સ્નેહ રેસિડેન્સી ખાતે રહેતા અને હાયટા બાયો સાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પ્રોપરાઈટર પંકજ પ્રજાપતિ તથા જામીનદાર લલીતાબહેન પરમાર સામે સીઆઈડી ક્રાઈમમાં ગુનો નોંધાયો છે. ઓક્ટોબર 2020માં આરોપીએ દસક્રોઈના બાકરોલ બુજરંગ ખાતે જંતુનાશક દવાનું યુનિટ શરૂ કરવા માટે અરજી કરી હતી. આ કેસમાં જામીનદારના નામે રહેલા શેડના દસ્તાવેજો મોર્ગેજ મૂકીને 80 લાખ રૂપિયાની કેશ ક્રેડિટ અને 1.95 કરોડ રૂપિયાની ટર્મ લોન મેળવવામાં આવી હતી. એપ્રિલ 2022થી હપ્તા બંધ થઈ જતાં બેન્કે રિસ્ટ્રક્ચરિંગ કરી આપ્યું હોવા છતાં ચુકવણી કરવામાં આવી નહોતી. તપાસ દરમિયાન મોર્ગેજ મશીનરી બેન્કની જાણ બહાર વેચી મારવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. બેન્કે મિલકતની હરાજી કરીને આંશિક વસૂલાત કર્યા પછી પણ વ્યાજ સાથે 2,81,29,547 રૂપિયાની રકમ બાકી નીકળે છે, જે અંગે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાઈ છે.