ગોવામાં જુગારીઓનો જમાવડો: અમદાવાદથી ગોવાની ટિકિટ દુબઈ કરતાં પણ મોંઘી!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Janmashtami 2026 Airfare : જન્માષ્ટમીના તહેવારોની રજાઓમાં જો તમે ફ્લાઇટ દ્વારા ગોવા જવાનું આયોજન કરી રહ્યા હો, તો સામાન્ય દિવસો કરતાં ત્રણ ગણાથી વધુ ભાડું ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે. તહેવારોની મોસમ નજીક આવતાં જ એરલાઇન્સ કંપનીઓએ વિમાની ભાડામાં તોતિંગ વધારો ઝીંકી દીધો છે. હાલ સ્થિતિ એ છે કે જન્માષ્ટમીની રજાઓમાં અમદાવાદથી ગોવા જવાનું વન-વે એરફેર Rs 18,000 ને પાર પહોંચી ગયું છે. જેની સામે અમદાવાદથી દુબઈનું વન-વે એરફેર માત્ર Rs 13,000 ની આસપાસ મળી રહ્યું છે!
સામાન્ય દિવસો કરતાં ત્રણ ગણો ભાવવધારો
સામાન્ય દિવસોમાં અમદાવાદથી ગોવા માટેનું વન-વે એરફેર આશરે Rs 5,000 ની આસપાસ હોય છે. પરંતુ 4 સપ્ટેમ્બર-શુક્રવારના રોજ જન્માષ્ટમીનો તહેવાર હોવાથી એરફેર રોકેટ ગતિએ વધી રહ્યું છે. જન્માષ્ટમીની રજાઓ જેમ જેમ નજીક આવશે તેમ તેમ અમદાવાદ-ગોવાનું વન-વે એરફેર વધીને Rs 25,000 સુધી પહોંચી જાય તેવી પ્રબળ સંભાવના છે. આમ, સ્થાનિક પ્રવાસન કરતાં વિદેશી પ્રવાસનું હવાઈ ભાડું સસ્તું બની જતાં મુસાફરો પણ આશ્ચર્યમાં મુકાયા છે.
જુગારના શોખીનો ગોવામાં ધામા નાખશે
જન્માષ્ટમીના તહેવાર શરૂ થાય તેના ત્રણ-ચાર દિવસ અગાઉથી જ ગુજરાતમાંથી જુગાર રમવાના શોખીનો મોટા પ્રમાણમાં ગોવા તરફ પ્રયાણ કરતા હોય છે. ગોવાના કેસિનોમાં રજાઓ દરમિયાન બે-ત્રણ દિવસ માત્ર જુગાર રમવાના ટાર્ગેટ સાથે પહોંચનારા આ શોખીનોમાં માત્ર યુવાનો જ નહીં, પરંતુ કપલ્સ પણ મોટી સંખ્યામાં સામેલ હોય છે. આ ભારે ધસારાને કારણે જ અમદાવાદ-ગોવા રૂટ પર ફ્લાઇટ ટિકિટોની માગ વધતાં એરફેરમાં પ્રચંડ ઉછાળો જોવા મળી રહ્યો છે.









