અમદાવાદમાં ફ્લાવર શૉનું ફૂલગુલાબી આયોજન શરૂ, 8 કરોડના ફૂલછોડ, માટી ખરીદાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Flower Show: અમદાવાદમાં ફ્લાવર શો 2027ના ફૂલગુલાબી આયોજનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રંગબેરંગી સીઝનલ અને વિદેશી ફૂલછોડ, માટી, નદીની કાંપ, કૃત્રિમ ઘાસ અને કૂલો ખરીદવા તેમજ ગાર્ડનિંગના કામ માટે 8 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે. ચાર વર્ષમાં ફ્લાવર શોનો ખર્ચ 11 કરોડથી વધી 22 કરોડ રૂપિયા પહોંચી ગયો છે. પરંતુ તેની સામે મુલાકાતીઓની સંખ્યા ઘટતા આવક ઊભી કરવા આ વખતે ફ્લાવર શોમાં બાગાયત ખેતી, અર્બન ફાર્મિંગ વગેરેને લગતા 50 જેટલા કોમર્શિયલ સ્ટોલ ઊભા કરી બિઝનેસ સમિટ યોજાશે.
આવક ઉભી કરવા આગામી આયોજનમાં વાયબ્રન્ટ સમિટનું ગતકડું
એકાદ દાયકા કરતા વધુ સમયથી અમદાવાદમાં દર વર્ષે જાન્યુઆરી મહિનામાં રિવરફ્રન્ટ પર ફ્લાવર શોનું આયોજન કરાય છે. ત્યારે વર્ષ 2027માં યોજાનારા ફ્લાવર શો માટે મ્યુનિસિપલ દ્વારા ફૂલછોડની ખરીદી શરૂ કરી દેવાઈ છે. જેમાં સૌપ્રથમ 6.44 કરોડ રૂપિયાના ખર્ચે જાસૂદ, ઓર્કિડ, સૂર્યમુખી, ટ્યુલિપ, લિલી સહિતના 8.42 લાખ ફૂલછોડ અને તેના માટેની કેવિટી ટ્રે ખરીદાશે. તેમજ ફ્લાવર શોના ડિસ્પ્લે એરિયા માટે માટી, નદીની કાંપ, ગ્રીન મોસ અને કોકોપીટ ખરીદવાનું આયોજન કરાયું છે.

જ્યારે ત્રણ હજાર જેટલા લોકોને ગાર્ડનિંગની કામગીરી સોંપાશે. આ વર્ષે ફ્લાવર શો પાછળ 20 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરાય તેવો અંદાજ છે. વર્ષ 2026માં ગત વર્ષ કરતા બે કરોડ રૂપિયા વધુ ખર્ચાયા હોવા છતાં મુલાકાતીઓની સંખ્યા બે લાખનો ઘટાડો થયો હતો. એકંદરે ખર્ચ સામે મ્યુનિ.ને માંડ 50 ટકા આવક થતી હોય છે. તેવામાં હવે આ વર્ષે ફ્લોપ ફ્લાવર શોને સફળ બતાવવા તેમાં ખેતી સાથે જોડાયેલી વિવિધ કંપનીઓને 50થી સ્ટોલ ભાડે અપાશે. જ્યાં તેઓ નર્સરી બીજ, હાઈબ્રીડ બીજ સહિતની વસ્તુઓનું વેચાણ કરશે. તેમજ બિઝનેસ સમિટ, સેમિનાર અને કોન્ફરન્સ યોજાશે.




