દિવાળીમાં આગના બનાવોમાં 565 ટકાનો તોતિંગ ઉછાળો, સુરત અને અમદાવાદ મોખરે, રાજ્યભરમાં 62 લોકો દાઝ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Increase in emergency cases during Diwali : દિવાળી પર્વ દરમિયાન રાજ્યભરમાં આગ, ઝઘડા અને અકસ્માતોની ઈમરજન્સી ઘટનાઓમાં મોટો વધારો નોંધાયો છે. '112' અને '108' ઇમરજન્સી સેવા દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા પ્રમાણે, સામાન્ય દિવસોની સરખામણીએ દિવાળીના દિવસે આગ લાગવાના બનાવોમાં રેકોર્ડબ્રેક 565.45 ટકાનો તોતિંગ વધારો થયો છે. સમગ્ર રાજ્યમાં આગ સંબંધિત કુલ 366 ઘટનાઓ સામે આવી હતી, જેમાં સૌથી વધુ કેસ સુરત અને અમદાવાદમાં નોંધાયા છે. આ સિવાય દાઝી જવાના 62 કેસોમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા ત્વરિત સારવાર અપાઈ હતી.
ક્યાં કેટલી આગની ઘટનાઓ નોંધાઈ
112 ઇમરજન્સી સેવા પર નોંધાયેલા 366 કેસમાં સુરત શહેર 82 ઘટનાઓ સાથે રાજ્યમાં પ્રથમ સ્થાને રહ્યું છે. જ્યારે અમદાવાદ શહેરમાં 56 અને રાજકોટ શહેરમાં 44 આગના બનાવો બન્યા હતા. આ ઉપરાંત સુરત ગ્રામ્યમાં 37, વડોદરા શહેરમાં 22, જામનગરમાં 14, ગાંધીનગર અને કચ્છ પૂર્વમાં 12-12, તેમજ અમદાવાદ ગ્રામ્યમાં 11 જગ્યાએ આગની ઘટનાઓ સામે આવી હતી.

દાઝી જવાના 62 કેસ: અમદાવાદમાં સૌથી વધુ 13 લોકો દાઝ્યા
દિવાળી દરમિયાન ફટાકડા કે અન્ય કારણોસર દાઝી જવાના કુલ 62 ઇમરજન્સી કોલ 108 સેવાને મળ્યા હતા. જેમાં અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 13 વ્યક્તિઓ દાઝી ગઈ હતી. સુરતમાં 12, કચ્છ અને રાજકોટમાં 5-5, ગાંધીનગર અને વડોદરામાં 4-4 દર્દીઓને ઇમરજન્સી સારવાર પૂરી પાડવામાં આવી હતી. આ સિવાય આણંદ, ભાવનગર, જામનગર, નર્મદા, તાપી અને વલસાડમાં 2-2 કેસ નોંધાયા હતા.

112 ઇમરજન્સી: સામાન્ય દિવસો કરતાં 56.54 ટકા વધુ ફરિયાદો આવી
112 હેલ્પલાઇન પર સામાન્ય દિવસોમાં સરેરાશ 3,610 કોલ આવતા હોય છે, જેની સરખામણીએ દિવાળીએ 56.54 ટકાના વધારા સાથે 5,651 ઇમરજન્સી કોલ આવ્યા હતા.
- જાહેરમાં ઝઘડા: સામાન્ય દિવસોના 967 સામે વધીને 1,651 થયા (62.67 ટકા વધારો).
- હુમલા (Assault): 617 સામે વધીને 1,104 ઘટનાઓ (78.93 ટકા વધારો).
- અવાજનું પ્રદૂષણ: સામાન્ય દિવસોના 119 સામે વધીને 363 કોલ મળ્યા (205.04 ટકા વધારો).
- ઘરેલું હિંસા: 57 સામે વધીને 101 કેસ નોંધાયા (77.19 ટકા વધારો).

108 ઇમરજન્સી: વાહન અકસ્માતના કેસોમાં 87.49 ટકાનો ઉછાળો
108 એમ્બ્યુલન્સ સેવાને દિવાળીના દિવસે કુલ 5,934 મેડિકલ ઇમરજન્સી કોલ મળ્યા હતા, જે સામાન્ય દિવસોમાં આવતા 5,246 કોલની સરખામણી કરતાં 13.12 ટકા વધુ છે. સૌથી મોટો ઉછાળો વાહન અકસ્માતમાં જોવા મળ્યો હતો, જેમાં સામાન્ય દિવસોના 646 કેસ સામે સીધો 87.49 ટકાનો વધારો થઈને 1,212 કેસ નોંધાયા હતા. બિન-વાહન ઇજાઓમાં પણ 75.17 ટકાનો વધારો નોંધાયો હતો.

સાવરકુંડલા-ગોધરામાં પણ આગના બનાવ
દિવાળીની રાત્રે અમરેલીના સાવરકુંડલા અને પંચમહાલના ગોધરામાં આગની 2 અલગ-અલગ ઘટનાઓ સામે આવી હતી. સાવરકુંડલામાં મહુવા રોડ પર નવા બસ સ્ટેન્ડ સામે આવેલા વજન કાંટાના કારખાનામાં ફટાકડાના કારણે અચાનક આગ ભભૂકી ઊઠી હતી, જેમાં ફાયર વિભાગની 2 ગાડીઓએ 2 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, જોકે કારખાનામાં લાખોનું નુકસાન થયું હતું. બીજી તરફ, ગોધરા-દાહોદ રોડ પર આવેલા પુઠ્ઠાના ગોડાઉનના ત્રીજા માળે મોડીરાત્રે આગ ફાટી નીકળી હતી. ફાયર બ્રિગેડે તાત્કાલિક પહોંચી સમયસર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવતા મોટી જાનમાલની હોનારત ટળી હતી. આ સિવાય છોટાઉદેપુરના કિલ્લા વિસ્તારમાં PWDના કમ્પાઉન્ડમાં પણ આગનો બનાવ સામે આવ્યો હતો. ફાયર વિભાગે આગ વિકરાળ બને તે પહેલા જ કાબૂ મેળવતા મોટી જાનહાનિ ટળી હતી.




