અમદાવાદ: સરખેજ-ગ્યાસપુર કેનાલ પાસે ભીષણ આગ, 80 ઝૂંપડાં બળીને ખાખ; અસામાજિક તત્ત્વોની સંડોવણીની શંકા!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Massive Fire at Sarkhej Gyaspur Slum in Ahmedabad: 80 Huts Gutted, Foul Play Suspected | અમદાવાદના સરખેજ-ગ્યાસપુર વિસ્તારમાં કેનાલ પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ વિકરાળ આગમાં આશરે 80 જેટલાં ઝૂંપડાં બળીને ખાખ થઈ ગયાં છે.
સદનસીબે જાનહાનિ થઈ નથી
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 8 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ વ્યક્તિને જાનહાનિ થઈ નથી. જોકે, એક જ સમયે બે અલગ-અલગ સ્થળે આગ લાગી હોવાથી કોઈ અસામાજિક તત્ત્વોએ જાણીજોઈને આગ લગાવી હોવાની આશંકા પ્રબળ બની છે, જેને પગલે પોલીસે પણ તપાસ શરૂ કરી છે.
અગાઉ પણ લાગી હતી આગ: ફરી એકવાર 80 ઝૂંપડાં બળીને ખાખ
સરખેજ-ગ્યાસપુર કેનાલ પાસે આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગતાં જ સ્થાનિક રહીશોમાં જીવ બચાવવા માટે નાસભાગ મચી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં 80 જેટલાં ઝૂંપડાં આગની લપેટમાં આવી ગયાં હતાં. નોંધનીય છે કે અગાઉ પણ થોડા મહિના પહેલાં આ જ ઝૂંપડપટ્ટીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. ફરી એકવાર આ જ વિસ્તારમાં આગ ભભૂકી ઉઠતાં સ્થાનિકોમાં ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે.
ઇન્ચાર્જ ફાયર ચીફ મિથુન મિસ્ત્રીનો મોટો ખુલાસો: એકસાથે બે સ્થળે આગ શક્ય નથી
આ આગની ઘટના અંગે અમદાવાદ ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ફાયર ચીફ મિથુન મિસ્ત્રી એ મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે શંકા વ્યક્ત કરી છે કે આ આગ કુદરતી કે અકસ્માત ન હોઈ શકે, કારણ કે બે અલગ-અલગ જગ્યાએ એક જ સમયે આગ લાગી હતી. ઇન્ચાર્જ ફાયર ચીફ મિથુન મિસ્ત્રીએ જણાવ્યું કે, ગ્યાસપુર પાસે કેનાલના બે અલગ-અલગ ઝૂંપડાઓમાં આગ લાગી હતી. એક જ સમયે બે સ્થળ પર આગ લાગવી શક્ય નથી. આ અંગે પોલીસને જાણ કરી છે અને પોલીસ તપાસ કરી રહી છે. કુલ 8 ગાડીઓ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. 80 જેટલાં ઝૂંપડાં આગમાં બળ્યાં છે, પરંતુ કોઈ વ્યક્તિને આગમાં જાનહાનિ નથી થઈ.
અસામાજિક તત્ત્વોની સંડોવણીની ચર્ચા, પોલીસ તપાસમાં જોડાઈ
સ્થાનિક વિસ્તારમાં એવી જોરશોરથી ચર્ચા ચાલી રહી છે કે આ આગ કોઈ અસામાજિક તત્ત્વો દ્વારા જાણીજોઈને લગાવવામાં આવી છે. ફાયર વિભાગ દ્વારા પણ બે અલગ-અલગ જગ્યાએ એકસાથે આગ લાગવાની બાબત શંકાસ્પદ જણાતા પોલીસને જાણ કરવામાં આવી છે. હાલ સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગ લાગવાના ચોક્કસ કારણો અને અસામાજિક તત્ત્વોની સંડોવણી અંગે ઊંડી તપાસ હાથ ધરી છે.




